ટોપ ન્યૂઝનેશનલ

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા પર તવાઈઃ ‘નો ફ્લાઈટ લિસ્ટ’માં નામ ઉમેરાશે

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ સતત વિમાન અને એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. જે કેન્દ્ર સરકાર માટે એક પડકાર બન્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં એરપોર્ટ પર આવતી ઉડાનોમાં સ્કાય માર્શલની સંખ્યા બમણી કરવાનો ફેંસલો કર્યો છે.

છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 12 ફ્લાઇટને બોંબથી ઉડાવાની ધમકી મળી છે. જેનાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. જોકે તપાસમાં તમામ ધમકી અફવા સાબિત થઈ છે. પરંતુ સરકાર હવે મામલે એક્શન મોડમાં આવતી જણાય છે. બુધવારે ગૃહ મંત્રાલયે ફેક બોંબ ધમકી પર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ચર્ચા કરી. જાણકારી અનુસાર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો સાથે ચર્ચા વિચારણા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, એજન્સીઓ સાથે મળીને ધમકી આપનારાને ઓળખીને તેમનો નો ફ્લાઇટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.


અધિકારીએ જણાવ્યું કે, રિપોર્ટના આધારે સંવેદનશીલ શ્રેણીમાં ઉમેરવામાં આવેલા નવા આંતરરાષ્ટ્રીય માર્ગો પર એર માર્શલોની નવી બેચ તૈનાત કરાશે. વિમાન સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક બાદ આ ફેંસલો લેવામાં આવ્યો. વિમાનમાં બોંબની ધમકીવાળા નકલી સંદેશાને લઈ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

એરપોર્ટ અને વિમાનને લઈ મોકલવામાં આવેલા નકલી સંદેશાને લઈ બુધવારે સંસદીય સમિતિની બેઠકમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ મામલામાં સવાલનો જવાબ આપતી વખતે નાગરિક ઉડ્ડયન સચિવએ જણાવ્યું કે, આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમને લઈ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારના નકલી સંદેશાને લઈ અન્ય મામલા પર પણ કામ થઈ રહ્યું છે. જોકે, આ મામલાની ચાલી રહેલા તપાસની વિગત સંવેદનશીલતાનો ઉલ્લેખ કરીને આપવાની ના પાડી હતી.

શું હોય છે સ્કાય માર્શલ
સ્કાય માર્શલ વિમાનમાં સાદા કપડામાં તૈનાત સશસ્ત્ર સુરક્ષા અધિકારી હોય છે. ભારતમાં સ્કાય માર્શલ કે ફ્લાઇટ માર્શલની શરૂઆત 1999માં કંધાર એર ઈન્ડિયાની ફ્લાઇટ IC 814ના અપહરણ બાદ ભવિષ્યમાં અપહરણને રોકવા માટે કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button