આ બદ્ધુ જ ‘આપના’ પાપે, ચાલો, ચૂપચાપ રાજીનામું આપી દો ગૃહમંત્રી ;આવું કોણે કહ્યું ?
અંકલેશ્વરની જીઆઇડીસીમાં ₹ 5,000 કરોડથી વધુમાં ડ્રગ્સ મળ્યું આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા માટે અને ગૃહ મંત્રીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને ભરૂચના કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું. આવેદનપત્ર સોંપ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો. અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવકાર ફાર્મા ટ્રક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 518 કિલોનું ડ્રગ્સ મળ્યું. આ ડ્રગ્સની કિંમત કુલ 5000 કરોડ આંકવામાં આવી રહી છે. અગાઉ પણ જીઆઇડીસીમાં ફાર્મા ઇન્ફીનિટી કંપનીમાંથી 1026 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. આ અગાઉ બીજી એક ફાર્મા કંપનીમાં 1383 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. તેવી જ રીતે આ વિસ્તારમાં જંબુસર, ભરૂચ, વાગરા કે દહેજમાં જીવ રક્ષાની ફાર્મા કંપનીઓ છે તે જ કંપનીઓમાં આવા અવારનવાર નશીલા પદાર્થ પકડાયા છે.
આ પણ વાંચો : Breaking: અંકલેશ્વરથી ઝડપાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ: ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન…
એક સવાલ થાય છે કે એશિયાની સૌથી મોટી જીઆઇડીસીમાં જ્યાં હજારો લાખો લોકો કામ કરે છે અને રહે છે ત્યાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ધ્યાન આપી રહી છે? ભરૂચ અને ગુજરાતની પોલીસ શું ધ્યાન આપી રહી છે? જો દિલ્હીની પોલીસ આવીને 5,000 કરોડનું ડ્રગ્સ પકડે છે, તો સવાલ થાય છે કે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે. હાલ 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું પરંતુ અગાઉ જે કંપનીમાંથી ટ્રક્સ પકડાયું હતું તે કંપનીઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો એ જ સવાલ થાય છે કે કોની રહેમ હેઠળ આ બધું થઈ રહ્યું છે. યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે. દવાની આડમાં નશો વેચાઈ રહ્યો છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ મુદ્દા પર ભાજપની સરકાર અને ભાજપના ગૃહમંત્રી સદંતર નિષ્ફળ રહ્યા છે.
આ ડ્રગ્સ પકડાયું છે પરંતુ જે નહીં પકડાયું હોય તેવું કેટલુંય ડ્રગ્સ યુવાનોના લોહીમાં હશે. આ તમામ ઘટનાઓની જવાબદારી સરકારી લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે પોલીસને સાથે રાખીને તમામ ફાર્મા કંપનીઓની તપાસ કરવી જોઈએ. મેડિકલ અને ટેકનિકલ લોકોને સાથે રાખીને ફાર્મા કંપનીઓમાં જે કાચો માલ રાખેલો છે તેને ચકાસીને તેઓ શું બનાવી રહ્યા છે તેના રિપોર્ટ બનાવીને જાહેર કરવા જોઈએ. આજે પણ અંકલેશ્વર, ઝઘડિયા, વાલીયા, પાનોલી અને દહેજમાં હજારો ઉદ્યોગપતિઓ કરોડપતિ બનવાની લાલચમાં નશો વેચી રહ્યા છે. આજે ભરૂચમાં પડીકીઓ વેચાઈ રહી છે તો તે લોકો પર કોણ રહેમ નજર રાખીને બેઠું છે, તે પણ એક સવાલ ઉભો થાય છે. તો આજે ડ્રગ્સને અટકાવવા માટે અને ગૃહમંત્રીના રાજીનામાં માટે અમે કલેકટરના માધ્યમથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું હતું. જો આ કંપનીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં થાય તો અહીંના યુવાનો સાથે મળીને અમે સ્વયંભૂ કંપનીઓની તપાસ કરીશું અને જે પણ કંપનીઓ પકડાશે તેના પર અમે કાર્યવાહી કરીશું.