ઇન્ટરનેશનલ

લેબનાનના કાના શહેરમાં ઇઝરાયલનો ઘાતક હુમલોઃ 15 લોકોનાં મોત

બેરૂતઃ લેબનોનના દક્ષિણ કાના શહેરમાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આ શહેરનો હિઝબુલ્લાહ સાથે ભૂતકાળમાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલના હુમલામાં અનેક નાગરિકોના મોત થયાનો ઇતિહાસ રહ્યો છે. ઇઝરાયલે લગભગ એક સપ્તાહ પછી પ્રથમવાર આજે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓ કર્યા હતા. મંગળવારે મોડી રાત્રે કાનામાં થયેલા હુમલા અંગે ઈઝરાયલી સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. લેબનાનના સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે એક ઈમારતના કાટમાળમાંથી 15 મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ છે.

1996માં કાનામાં યુએન કમ્પાઉન્ડ પર ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 100 નાગરિકો માર્યા ગયા અને સેંકડો વધુ ઘાયલ થયા હતા. આ સંકુલમાં સેંકડો વિસ્થાપિત લોકો રહેતા હતા. 2006ના યુદ્ધ દરમિયાન રહેણાંક મકાન પર ઈઝરાયલના હુમલામાં 36 લોકો માર્યા ગયા, જેમાંથી ત્રીજા ભાગના બાળકો હતા. ઈઝરાયલે તે સમયે કહ્યું હતું કે તેણે ઈમારતની પાછળ આવેલા હિઝબુલ્લા રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યું હતું.

ઇઝરાયલે દક્ષિણી શહેર નબાતિયેહ પર પણ અનેક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયલે કહ્યું કે તેણે શહેરમાં નાગરિકોની વચ્ચે છૂપાયેલા હિઝબુલ્લાહ આતંકવાદીને નિશાન બનાવ્યા છે. લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા.નબાતિયેહ પ્રાંતના ગવર્નર હુવૈદા તુર્કે જણાવ્યું કે મૃતકોમાં મેયર અહમદ કાહિલ પણ સામેલ છે. ઈઝરાયલે છ દિવસના વિરામ બાદ બેરૂત પર ફરી હુમલા શરૂ કર્યા છે.

આ પણ વાંચો : Hezbollahના ડ્રોન હુમલામાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ, ઇઝરાયલે આપી મોટી ચેતવણી

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે લેબનાનના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ કહ્યું કે અમેરિકી સરકારે રાજધાની બેરૂતમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ ઓછા કરવાને લઇને આશ્વાસન આપ્યું છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે આજે થયેલા હુમલામાં રહેણાંક મકાનમાં હથિયારોના વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયલની સેનાએ ‘એક્સ’ પર આ વિસ્તારને ખાલી કરવાની ચેતવણી આપતાં કહ્યું કે તે હારેત-હરિક વિસ્તારમાં એક ઇમારતને નિશાન બનાવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button