ચૂંટણી પહેલા ‘મહાયુતિ’માં ખેંચતાણના સંકેત, બાળનકુળેએ કહ્યું કે…
મુંબઈ: ‘મહાયુતિ’ (ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)ને અકબંધ રાખવાના આશય માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ બેઠકોની ફાળવણીમાં બાંધછોડ કરી હતી એ જ રીતે આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ બેઠકોની ફાળવણીના મુદ્દે જતું કરવા તૈયાર રહેવું જોઈએ, એમ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આજે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.
ચૂંટણી પંચે રાજ્ય વિધાનસભાની 288 બેઠકની ચૂંટણીની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ ટિપ્પણી આવી છે. મતદાન 20 નવેમ્બરે થવાનું છે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.
બાવનકુળેએ નાગપુરમાં એક ચેનલને જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદાર મન રાખી ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. યુતિને ટકાવી રાખવા અમે પણ જતું કર્યું છે. અગાઉ જે બેઠકો પર વિજય મેળવ્યો હતો એ બેઠકો પર ભાજપ ચૂંટણી લડવા ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. મહાયુતિમાં વર્ચસ્વ ધરાવતી પાર્ટી તરીકે ભાજપ વધુ બેઠકોની માગણી કરે તે સ્વાભાવિક છે.’
આપણ વાંચો: ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ! અજિત પવાર 10 મિનિટમાં જ કેબિનેટ મીટિંગ છોડી નીકળી ગયા
આજે નવી દિલ્હીમાં યોજાનારી ભાજપના નેતાઓની બેઠકમાં ચર્ચાના મુદ્દા વિશે પૂછવામાં આવતા બાવનકુળેએ કહ્યું હતું કે ‘અમે ઉમેદવારો તેમ જ જે બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ એ વિશે ચર્ચા કરીશું. કેટલીક બેઠકો એવી છે કે જેમાં 2019ની વિધાનસભાની ચૂંટણીમાં નજીવા તફાવતથી પરાજય થયો હતો.
આ બેઠકમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વડપણ હેઠળની એનસીપીને વિજય મળ્યો હતો એ બેઠકો અંગે કોઇ ચર્ચા નહીં થાય. ભાજપે મહારાષ્ટ્ર માટે વિસ્તૃત સર્વે હાથ ધર્યો છે અને તેના આધારે દિલ્હીમાં ચર્ચા થશે.’
મહાયુતિના ભાગીદારો સાથે કેટલીક બેઠકોની અદલાબદલીની સંભાવના અંગે બાવનકુલળેએ સ્પષ્ટતા કરી હતી કે ‘શિવસેના સાથે કેટલીક બેઠકોની અદલાબદલી થવાની સંભાવના છે. આ ઉપરાંત, ભાજપ અને એનસીપી બંનેના મજબૂત ઉમેદવારો છે, કારણ કે એનસીપીએ 2019ની વિધાનસભાની ચૂંટણી અમારી સામે લડી હતી. આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે અમને વધુ સમયની જરૂર છે.’
(પીટીઆઈ)