ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મારે તે ગામડે એકવાર આવજો
સાક્ષરતા, સ્વચ્છતા અને સૌંદર્ય કોઈનો ઈજારો નથી. પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ. ઈશાન ભારતનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે. મેઘાલયનું માવલ્યાન્નોંગ ગામ એની એક અનોખી મિસાલ છે. ૨૦૦૩માં એશિયાના ‘સૌથી સ્વચ્છ ગામ’નો ખિતાબ મેળવનાર આ ગામમાં મહિલા રાજ છે. મતલબ કે અહીં માતૃવંશી સમાજ છે. પરંપરા અનુસાર આ ગામમાં સંપત્તિ અને ધન દોલતનો વારસો મા પોતાની સૌથી મોટી દીકરીને હવાલે કરે છે. ત્યાર બાદ દીકરી માનો વંશવેલો આગળ વધારે છે. ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ના નારા તો આપણે ઘણા સાંભળ્યા, પણ આ ગામે એ નારાને આત્મસાત કર્યો છે. ગામની ઊડીને આંખે વળગે એવી અન્ય વિશેષતા છે અહીંની સ્વચ્છતા. અહીં કચરો કે નકામી ચીજવસ્તુઓ વાંસમાંથી તૈયાર કરવામાં આવેલી કચરાપેટીમાં પધરાવી એમાંથી ખાતર તૈયાર કરાય છે. ઝાડ પરથી પડેલાં પાન સુધ્ધાં આવતા જતા લોકો ઉપાડી કચરા ટોપલીમાં પધરાવી દે છે. પ્લાસ્ટિકના વપરાશ અને ધૂમ્રપાન પર આ ગામમાં પ્રતિબંધ છે. ૨૦૨૪માં પણ એનું નખશિખ સૌંદર્ય જળવાઈ રહ્યું છે.

બડી દેર કર દી મેહરબાં આતે આતે
‘સમય કરતાં વહેલું અને નસીબ કરતાં વધારે નથી મળતું’ એ મનુષ્ય જીવનની વાસ્તવિકતાનો પરચો અનેક લોકોને થતો હોય છે. જોકે, ટ્રેન ઉપડી ગયા પછી સ્ટેશને પહોંચાય કે પ્રાણ નીકળી જાય પછી ઈલાજ શોધાય એ લગ્ન થયાં પછી માગું આવવા જેવી વાત છે. યુકેના લિંકનશાયરમાં રહેતાં ટિઝી હોડસન નામનાં સન્નારીને એનો સાક્ષાત્કાર થયો છે. ઘટના એવી છે કે ભરયુવાનીમાં ટિઝી સ્ટન્ટ કરવાની શોખીન હતી અને બાવીસ વર્ષની ઉંમરે ૧૯૭૬માં તેણે સ્ટંટ રાઈડરની નોકરી માટે અરજી કરી હતી. જોકે, ખાસ્સી પ્રતીક્ષા પછી પણ અરજીનો જવાબ નહીં આવતા નિરાશ થયા વિના ટિઝીએ મોટરબાઈક પર કરતબ દેખાડી કામ-નામ-દામ મેળવ્યાં. આજે ૭૦ વર્ષની ઉંમરે નિવૃત્તિનો આનંદ માણી રહેલાં ટિઝી દાદીને થોડા દિવસ પહેલા એક એન્વલપ મળ્યું અને એની અંદર ૧૯૭૬માં જોબ માટે કરેલી અરજી હતી. અરજી પર નોંધ હતી કે ‘આ લેટર ૫૦ વર્ષ સુધી પોસ્ટ ઓફિસના દરવાજા પાછળ ભરાઈ ગયો હોવાથી એ ગંતવ્ય સ્થાન પર પહોંચાડી નહોતો શકાયો.’
આમ ૪૮ વર્ષે અરજી સ્વગૃહે પાછી ફરી. એ જોઈ ટિઝી દાદી હસી પડ્યાં, પણ એમને એ વાતનું અચરજ થયું કે આટલાં વર્ષોમાં ૪ – ૫ દેશ બદલ્યા, ૫૦થી વધુ ઘર બદલ્યાં તોય પોસ્ટ ઓફિસે એમનું વર્તમાન એડ્રેસ મેળવ્યું કેવી રીતે?

બૉમ્બવર્ષા વચ્ચે પ્રેમવર્ષા…
દુશ્મન સામેના યુદ્ધમાં જાનમાલની ખુવારી થાય છે, જ્યારે લગ્ન જીવનમાં જાતે ‘ખુવાર’ થવું પડે છે. ફરક એટલો છે કે દુશ્મન સામેની લડાઈમાં ક્યારેક અનિચ્છાએ જોડાવું પડે છે અને લગ્ન તો માણસ હોંશે હોંશે કરતો હોય છે. રશિયા – યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાં તો રીતસરની લગ્નસરા નીકળી હતી. હાલ ઈઝરાયલ પર ઈરાને હુમલો કર્યો છે ત્યારે મોતને વહાલું કરવાની ફિકર છોડી બે યુગલના બૉમ્બવર્ષા વચ્ચે પ્રેમવર્ષાનો વાયરલ થયેલા વીડિયો પર અનેક લોકો વહાલ વરસાવી રહ્યા છે.

બે નવપરિણીત યુગલ યુદ્ધ સમયે રક્ષણ માટે વપરાતા અંડરગ્રાઉન્ડ બંકરમાં લગ્નના પહેરવેશમાં સજ્જ થઈ પ્રભુતામાં પગલાં માંડવાનો આનંદ લઈ રહ્યાં છે. ઝાકઝમાળ વિનાના આ મેરેજમાં મોબાઈલ ફોનમાં મ્યુઝિક વગાડી યુગલના નવજીવનની મધુર ક્ષણો ફોનના કેમેરામાં કેદ કરવામાં આવી છે. વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે ‘ઈરાની આક્રમણ શરીરને છિન્નભિન્ કરી શકશે, પણ દિલથી દિલના મેળાપ પર કાબૂ નહીં મેળવી શકે.’ પ્રેમની તાકાત જોઈ ઈઝરાયલવાસીઓનું મનોબળ વધુ મજબૂત બન્યું છે.

કેશની સમસ્યા માટે કૅશની વ્યવસ્થા
બહુ જલદી બહુ બધા પૈસા કમાઈ લેવા માટે હાયવોયની લાઈફ જીવતો આજનો યંગસ્ટર કેટલીક બીમારી (ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે)ને આમંત્રણ આપી રહ્યો છે. કૅશરીચ (તગડું બેન્ક બેલેન્સ) થઈ રહ્યો છે પણ સાથે કેશલેસ (માથે વાળ વગરનો – ટકલો) સુધ્ધાં થઈ રહ્યો છે. જોકે, કેશની (વાળની) સમસ્યા કૅશ (પૈસા)થી દૂર કરી આપતી હેર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વધી રહી છે. જોકે, આ ખૂબ ખર્ચાળ ઉપાય છે, પણ ટાલિયા દેખાવું પસંદ નહીં કરતા લોકો માટે હવે જયપુર જેવા શહેરમાં તો વાળ ઉગાડવા લોન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઇએમઆઇ (ખરીદેલી મોંઘી વસ્તુ માટે દર મહિને ચૂકવવો પડતો હપ્તો) પર અવલંબન રાખી જીવતા
યુવાનોને આ વ્યવસ્થા અત્યંત માફક આવી ગઈ હોય એમ કેશ ઉગાડવા કૅશની લોન લેવા લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે, પરત ચુકવણીની હેસિયત અનુસાર છ કે બાર મહિનાના સરળ હપ્તાની સગવડ આપવામાં આવી રહી છે.

માથે ટકો હોય એવા લોકોને દાંતિયો વેચવો હોય તો કેવા કરતબ કરવા પડે એનું વિસ્મય થાય એટલું ઓછું.

લ્યો કરો વાત!
માણસને બ્રહ્માંડમાં અહીંતહીં ઉડતા રહેવાની ઈચ્છા થયા કરતી હોય છે. ધરતી પર ચારધામ યાત્રાને પાંચ ખંડની પ્રદક્ષિણા કરી માનવીને ધરાવો ન થયો હોવાથી અવકાશ ભણી નજર દોડાવી છે. અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના કેપલર ટેલિસ્કોપની મદદથી અંતરિક્ષમાં અલગ અલગ ૨૦ ગ્રહ શોધી કાઢયા છે, જ્યાં પરગ્રહવાસીના અસ્તિત્વની સંભાવના છે. આ બધામાં સૌથી વધુ આશા ૩૯૫ દિવસનું વર્ષ ધરાવતા એક ગ્રહ પર બંધાઈ છે. આ ગ્રહનું વાતાવરણ પૃથ્વી કરતાં એકંદરે થોડું ઠંડકવાળું છે, પણ અહીં પાણી હોવાની સંભાવના હોવાથી જીવનની શક્યતા છે. અન્ય ગ્રહોનું વર્ષ પૃથ્વી કરતાં નાનું છે અને એક ગ્રહ તો સૂર્યની ફરતે એટલો ઝડપથી ફરે છે કે એનું એક વર્ષ આપણા ૧૮ દિવસ જેટલું માંડ થાય છે…!

Also Read

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button