નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)આજે નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેમાં ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં સવારે 11.30 વાગ્યે યોજાશે. તેની માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ અને બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.
| Also Read: કાશ્મીરમાં સત્તાનો તાજ Omar Abdullahના શિરે: મુખ્ય પ્રધાનના નામ પર મહોર
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું
જો કે શપથ ગ્રહણ સમારોહ પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે તે ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધન જીત્યું હતું. જમ્મુ-કાશ્મીર સરકારમાં મુખ્યમંત્રી સહિત માત્ર 10 મંત્રીઓ હોઈ શકે છે. નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની ગઠબંધન સરકારને 55 ધારાસભ્યોનું સમર્થન છે.
કોંગ્રેસના કોઈ ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લેશે નહીં
કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરના પ્રભારી ભરતસિંહ સોલંકીનું કહેવું છે કે નેશનલ કોન્ફરન્સ સાથે વાતચીત ચાલી રહી છે અને કેબિનેટની વહેંચણી અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ આજે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લેશે નહીં. અમે સરકારનો હિસ્સો બનીશું કે બહારથી સમર્થન કરીશું તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
| Also Read: Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…
શપથ ગ્રહણ સમારોહમાં કોણ હાજરી આપશે?
આ સમારોહમાં ઇન્ડી ગઠબંધનના ઘણા મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલનો સમાવેશ થશે. જ્યારે NCP શરદ જૂથમાંથી સુપ્રિયા સુલે અને CPIમાંથી દીરાજા જોડાશે. આ સિવાય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ શ્રીનગર પહોંચી ગયા છે અને તેઓ પણ આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
એનસીને 42 બેઠકો મળી હતી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે આવ્યા હતા. 90 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42, BJP 29,કોંગ્રેસ 6, PDP 3,JPC 1,CPIS 1,AAP 1,જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
| Also Read: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ‘લોરેન્સ’નો ‘ખેલ’ ખતમ ?
જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે 31 ઓક્ટોબર, 2019 ના તેના અગાઉના આદેશને રદ કર્યો હતો. મંત્રાલયના 13 ઓક્ટોબર 2024ના તાજેતરના આદેશે તેના 5 વર્ષ જૂના ઓર્ડરને રદ કર્યો હતો.