નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની(Monsoon 2024)વિદાય વચ્ચે બંગાળની ખાડીમાં ઉભા થયેલા લો- પ્રેશરના લીધે તમિલનાડુ અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં ચેન્નાઈ શહેરના કેટલાક ભાગોમાં આજે સવારથી હળવો વરસાદ ચાલુ છે. આ વરસાદને કારણે અનેક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સામાન્ય લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. જ્યારે ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં તૂટક તૂટક ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ 2 ફૂટ સુધી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.
| Also Read: Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…
ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી
આ વિસ્તારોમાં બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જ્યારે દક્ષિણ રેલવેએ પાણી ભરાવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત 4 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી હતી. ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અને કેટલીકને ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહેલાં રોકી દેવામાં આવી હતી. કેટલીક ટ્રેનો માટે મૂળ સ્ટેશનને ઉપનગરીય અવાડીમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. આ ઉપરાંત પેસેન્જરો ન આવતાં ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી.
બંગાળની ખાડી પર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે. બુધવારે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને કેટલાક અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબર સુધી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના
IMD એ તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે 16 ઓક્ટોબરના રોજ, “તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે ભારેથી અતિ ભારે વરસાદની ખૂબ જ સંભાવના છે. આગાહીને ધ્યાનમાં રાખીને, સરકારે 16 ઓક્ટોબરના રોજ એડવાઈઝરી જાહેર કરી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટ જિલ્લામાં આવશ્યક સેવાઓ સિવાયની શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
IMD એ દરિયાકાંઠાના કર્ણાટક સિવાય તુમકુરુ, મૈસુર, કોડાગુ, ચિક્કામગાલુરુ, હસન, કોલાર, શિવમોગા અને ચિક્કાબલ્લાપુર જિલ્લાઓ માટે હવામાનની ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.
| Also Read: શાહબાઝ શરીફના ડિનરમાં પહોંચ્યા એસ જયશંકર, પાકિસ્તાનના વડાપ્રધાને કર્યું સ્વાગત: video viral…
17 ઓક્ટોબરની સવારે ડિપ્રેશન આગળ વધશે
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરના લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. જે 17 ઓક્ટોબરની સવારે ડિપ્રેશન તરીકે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાને પુડુચેરી અને નેલ્લોર વચ્ચે પાર કરે તેવી શક્યતા છે