ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

રિટેલ રોકાણકારોને ફક્ત રોકડામાં રસ છે

ફ્લિપિંગ બિહેવિયર: લિસ્ટિંગના ઉછાળા સાથે જ શેર વેચી મારવાનું વલણ

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

શેરબજારમાં ભલે અફડાતફડી અને ઉથલપાથલનો માહોલ હોય, પરંતુ પ્રાઇમરી માર્કેટમાં જોરદાર ધમધમાટ ચાલી રહ્યો છે અને તેનું કારણ છે નવા લિસ્ટ થનારા શેરોનું તોફાની પ્રીમિયમ! બજારમાં નરમાઇનો ટોન હોય તો પણ અનેક આઇપીઓના શેર સારા તગડાં પ્રીમિયમ સાથે લોન્ચ થયા હોવાના દાખલા છે.

તાજેતરની વાત કરીએ તો બજાજ હાઉસિંગનું લિસ્ટિંગ જોરદાર ઉછાળા સાથે થયું અને તેમાં આઇપીઓને લગતા કેટલાક વિક્રમ સ્થપાયા છે, ક્રોસ અને ટોલિન્સનું લિસ્ટિંગ પણ જોરદાર રહ્યું. શેરબજારમાં ત્રીજી ઓકટોબરે ૧૭૭૦ પોઇન્ટના જોરદાર કડાકા વચ્ચે કેઆરએન હીટ એક્સ્ચેન્જર એન્ડ રેફ્રિજરેટરનો શેર તેના રૂ. ૨૨૦ના ઇશ્યૂ ભાવ સામે ૧૧૩.૬૩ ટકાના જોરદાર પ્રીમિયમ સાથે રૂ. ૪૭૦ના ભાવે લિસ્ટેડ થયો હતો અને ૧૨૫.૯૦ ટકા ઊછળીને રૂ. ૪૯૭ સુધી પહોંચ્યો હતો.

| Also Read: ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો

મંગળવારે પ્રાથમિક મૂડીબજારમાં ખાસ આતુરતા અને ઉત્સુકતાની લહેર જોવા મળી હતી, કારણ કે ઇતિહાસનો સૌથી મોટો રૂ. ૨૭,૮૦૦ કરોડનો આઇપીઓ ખૂલી રહ્યો હતો. જોકે, હ્યુન્ડાઇનું જાહેર ભરણું મંગળવારે ભરણું ખુલતા પહેલા જ તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ૮૯ ટકાનો જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને બપોર સુધીમાં તો તેમાં બે ટકાનું ડિસ્કાઉન્ટ બોલાતું જોવાયું હતું.

આ કિસ્સામાં તેના શેર જોરદાર પ્રીમિયમ સાથે ખૂલવાને સ્થાને ડિસ્કાઉન્ટમાં ખૂલે એવી સંભાવના વધુ હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે રોકાણકારો શું કરશે? આ સવાલ એટલા માટે કે આજના લેખનું આ મધ્યબિંદુ છે. શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ હંમેશાં લાભદાયી હોવાનુું સાંભળવા મળે છે, પરંતુ હાલ રોકાણકારોનું વલણ બદલાયું છે અને ફ્લિપિંગ બિહેવિયર જોવા મળે છે.

સમયના પરિવર્તન સાથે રોકાણકારોની નવી ફાલની વિચારસરણીમાં પણ ફેરફાર થયો છે. શેરબજારમાં આજે રોકાણકારો ઓછા અને સટોડિયાઓ જ વધારે છે. આ વાતને પુષ્ટિ મળે એવો નિષ્કર્ષ ખુદ શેરબજારની નિયામક ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના અભ્યાસમાં મળ્યો છે.

આ અભ્યાસ જણાવે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા ૫૪ ટકા આઇપીઓ શેર તેમણે એક સપ્તાહની અંદર બજારમાં ફૂંકી માર્યા હતા. સેબીએ તાજેતરમાં જ મેઇન બોર્ડ આઇપીઓમાં રોકાણકારોની વર્તણૂક પરનો અભ્યાસ બહાર પાડ્યો હતો, જેમાં ૧૪૪ જાહેર ભરણાંના ડેટાનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોમાં શેર લાગતાવેંત જ તરત રોકડી કરી લેવાનું વલણ જામ્યું છે.

| Also Read: Hyundai IPO ખુલતાની સાથે જ આટલા ટકા સબ્સ્ક્રાઇબ થયો, આ કિંમત પર લીસ્ટ થવાની શક્યતા

અભ્યાસ અનુસાર એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન મૂડીબજારમાં આવેલા અને રિટેલ સેગમેન્ટમાં ફાળવાયેલા આઇપીઓમાં અડધાથી વધુના રોકાણકારોએ લિસ્ટિંગના એક સપ્તાહની અંદર જ તે શેર વેચી નાંખ્યાં હતા, કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના રિપોર્ટ અનુસાર આ સંખ્યા મૂલ્યના આધારે શેરના ૭૦ ટકા સુધી પહોંચી ગઈ છે.

મેઇન બોર્ડના કુલ ૧૪૪ જાહેર ભરણાંને આધારે હાથ ધરાયો હતો. જે શેર વધે એટલે તરત વેચી નાખવા અને ઘટે તો પકડી રાખવા એ જાણે આજકાલ રોકાણકારોનો સ્વભાવ બની ગયો છે. આ પ્રકારની વર્તણૂકને માર્કેટ જાર્ગોનમાં ‘ફ્લિપિંગ બિહેવિયર’ કહેવાય છે. રોકાણકારોની વર્તણૂંક પર આજકાલ મળી રહેલા ઊંચા વળતરની ભારે અસર થઇ છે. ઉક્ત સમયગાળામાં જે શેરના ભાવ વીસ ટકા કે એથી વધુ વધ્યાં એવા ૬૭.૬ ટકા શેર રોકાણકારોએ એક સપ્તાહની અંદર વેચી નાખ્યાં, તેનાથી વિપરિત જ્યારે વળતર નકારાત્મક હતું ત્યારે મૂલ્યના ધોરણે માત્ર ૨૩.૩ ટકા શેર વેચાયા હતા.

કોરોના પછી શરૂ થયેલા ડીમેટ ખાતાના ઘોડાપૂરને કારણે આઇપીઓની પણ ભરમાર વધી છે. આઇપીઓમાં શેરો માટે બિડ કરવા માટે ઉપયોગમાં લેવાતા ડીમેટ ખાતાઓના સંદર્ભમાં, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એપ્રિલ ૨૦૨૧-ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન આઇપીઓ માટે ફાળવવામાં આવેલા કુલ ડીમેટ ખાતામાંથી લગભગ અડધા, કોવિડ પછીના સમયગાળામાં ખોલવામાં આવ્યા હતા. વધુમાં, ૨૦૧૬ અને ૨૦૨૩ની વચ્ચે છલ્લાં આઠ વર્ષમાં કુલ ફાળવેલા ડીમેટ ખાતાઓમાંથી ૮૫ ટકા ખાતા (અધ્યયન હેઠળના આઇપીઓના સમયગાળામાં) ખોલવામાં આવ્યા હતા.

એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચેના સમયગાળામાં કુલ ૧૪૪ નવી કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ દ્વારા શેરબજારમાં પદાર્પણ કર્યું હતું, જેમાં આવી ૨૬ જેટલી ઓફરો સાથે શેરના ભાવમાં ૫૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં ૯૨થી વધુ આઇપીઓેમાં ૧૦ ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યું હતું અને માત્ર બે આઇપીઓ અંડરસબ્સ્ક્રાઇબ થયા હતા. નોંધવું એ રહ્યું કે અમુક આઇપીઓએ લિસ્ટિંગમાં કશું ઉકાળ્યું ના હોવા છતાં આઇપીઓનો ઉત્સાહ ઓસર્યો નથી.

| Also Read: ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો

ભૌગોલિક ધોરણના અભ્યાસ અનુસાર લગભગ સિત્તેર ટકા આઇપીઓ રોકાણકારો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના હતા. રસપ્રદ વાત એ છે કે, ગુજરાતે આઇપીઓમાં સૌથી વધુ ફાળવણીને કોર્નર કરી હતી. ગુજરાતના રિટેલ રોકાણકારોએ રિટેલ કેટેગરીમાં કુલ ફાળવણીના ૩૯.૩ ટકા મેળવ્યા હતા, ત્યારબાદ મહારાષ્ટ્ર (૧૩.૫ ટકા), રાજસ્થાન (૧૦.૫ ટકા)નો ક્રમ હતો.

નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (એનઆઇઆઇ) કેટેગરીમાં પણ કુલ ફાળવણીના લગભગ ૪૨.૩ ટકા સાથે ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (૨૦.૪ ટકા) અને રાજસ્થાન (૧૫.૫ ટકા) છે. જે આઇપીઓમાં ૨૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો તેમાંથી એક સપ્તાહની અંદર ૭૯.૧ ટકા શેર એનઆઇઆઇ વર્ગે વેચી માર્યા, જ્યારે રિટેલ રોકાણકારોએ ૬૧.૯ ટકા શેરમાં રોકડી કરી લીધી

| Also Read: ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો


નોંધનીય છે કે, સેબીના અભ્યાસ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩માં ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ૭૦ ટકા વ્યક્તિગત રોકાણકારોને નુકસાન થયું હતું. બજાર નિયામકે જાહેર કર્યું હતું કે, દસમાંથી નવ ઇક્વિટી એફએન્ડઓ ટ્રેડર્સે નાણાં ગુમાવ્યા છે, જેમાંના ૮૪ ટકા પુરુષ હતા અને તેમાંના ૭૫ ટકાની ઉમર ૪૦ વર્ષથી ઓછી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker