વેપાર

ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૨૨૬નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારો ફેડરલ રિઝર્વનાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની માત્રા અંગેની અવઢવ વચ્ચે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૬નો ઘટાડો આવ્યો હતો અને ભાવે રૂ. ૯૦,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તથા ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૬ ઘટીને રૂ. ૮૯,૮૦૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ ૭૧ ઘટીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫,૬૨૬ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૬,૦૦૦ની અંદર ઉતરીને રૂ. ૭૫,૯૩૦ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૬૫૨.૭૨ ડૉલરના મથાળે ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૬૬૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની ઊંચી સપાટી આસપાસ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ પણ વધી રહી હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. તેમ છતાં ભાવ ઔંસદીઠ ૨૬૮૫.૪૨ ડૉલરની સપાટીથી બહુ દૂર ન હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ દ્વારા આગામી નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકીને હળવી નાણાનીતિ અપનાવવામાં આવે તેવી શક્યતા, હાલના મધ્યપૂર્વના દેશોમાં તણાવ તથા અમેરિકાની ચૂંટણીને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આ વર્ષના અંત સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે.

દરમિયાન ગઈકાલે ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે આગામી રેટ કટ માટે ફેડરલ રિઝર્વ સાવચેતીનું વલણ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, જ્યારે મિનિયાપોલિસ ફેડ બૅન્કના પ્રમુખ નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ ફુગાવનો બે ટકાનો લક્ષ્યાંક રાખી રહી હોવાથી ભવિષ્યમાં વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતા નકારી ન શકાય. આમ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની અવઢવ વચ્ચે સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button