દેવ આનંદ: ‘જોખમી’ પાત્ર ભજવવાની હિંમત
રોમેન્ટિક હીરોની ઈમેજ હોવા છતાં એવરગ્રીન અદાકારે પ્રસંગોપાત બોલ્ડ થીમ ધરાવતી ફિલ્મોમાં કેન્દ્રીય પાત્ર ભજવવામાં પાછી પાની નથી કરી
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મોના ઈતિહાસ પર નજર નાખીએ તો સૌથી લોકપ્રિય જોનર લવ સ્ટોરી – રોમેન્ટિક ફિલ્મો રહ્યું છે. આ રોમેન્ટિક ફિલ્મોના હીરો લોકોની વાત નીકળે તો પહેલું નામ અચૂક દેવ આનંદનું જ આવે. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના દિવસે પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા ધરમદેવ પીશોરીમલ આનંદ ગ્રેજ્યુએશન પૂરું કરી મુંબઈ આવ્યા અને બે ચાર નોકરી કરી ‘હમ એક હૈ’થી ફિલ્મ યાત્રા શરૂ કરી. શરૂઆતની સાધારણ ફિલ્મો પછી ‘ઝીદ્દી’ (૧૯૪૮)થી લોકપ્રિયતાના દોરનો પ્રારંભ થયો. તેમની ૧૯૫૦ના દાયકાની ફિલ્મોમાં (બાઝી, ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, નૌ દો ગ્યારહ) દેવ આનંદ શહેરી છલનાયક છે જે જુગાર, દાણચોરી જેવા અપરાધ સાથે સંતાકૂકડી રમતો જોવા મળે છે. અલબત્ત આ ફિલ્મોમાં રોમેન્સ છે જેનો દોર નાયિકાના હાથમાં છે. ૧૯૫૮ની રાજ ખોસલા દિગ્દર્શિત ‘કાલા પાની’ ૧૯૬૦ના દોરની રોમેન્ટિક ફિલ્મોની સૂત્રધાર છે. ‘તેરે ઘર કે સામને’, ‘માયા’, ‘અસલી નકલી’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘તીન દેવિયાં’ વગેરેમાં પાત્ર અલગ અલગ છે, પણ રોમેન્સ કેન્દ્રમાં છે. જોકે, હેરત પમાડનારી વાત એ છે કે રોમેન્ટિક ઈમેજ બની હોવા છતાં અને એ નામના સિક્કા પડતા હોવા છતાં દેવ સાબે કેટલાક ‘જોખમી’ પાત્ર ભજવવાની હિંમત દેખાડી છે.
પહેલું ઉદાહરણ રાજ ખોસલાની ‘બમ્બઈ કા બાબુ’નું આપી શકાય. બાબુ (દેવ આનંદ) વખાનો માર્યો અપરાધી બને છે. સંજોગો એને મુંબઈ ખેંચી લાવે છે અને અહીં એને બ્લેકમેલ કરી શાહજી નામના લખપતિના પુત્ર કુંદન તરીકે ફિટ કરી દેવામાં આવે છે. ચોરીના ઈરાદે કુંદન બનેલા બાબુને શાહજી અને તેમના પત્ની માટે આદરભાવ જાગે છે અને શાહજીની પુત્રી માયા (સુચિત્રા સેન) માટે લાગણી જન્મે છે. સમાજની નજરમાં કુંદન માયાનો ભાઈ છે, પણ કુંદન બનેલા બાબુને તો માયા સાથે પ્રેમ થયો છે. બાબુ-કુંદનની ‘કશ્મકશ’ અને ‘બહેન’ સાથે પ્રેમએ મથામણ વ્યક્ત કરવામાં દેવ આનંદ સફળ રહ્યા છે. ‘હીરા પન્ના’માં ફોટોગ્રાફર હીરાની પ્રેમિકા રીમા (રાખી)ના અણધાર્યા અવસાન પછી હીરાનો સામનો રીમાની નાની બહેન પન્ના (ઝીનત અમાન) સાથે થાય છે જે હીરાની દાણચોરી કરતી ગેંગની સાગરીત છે. પન્નાને હીરા સાથે પ્રેમ થઈ જાય છે, પણ હીરા તેની નિકટતા સાધવાની દરેક કોશિશથી દૂર રહે છે. અહીં પણ કશ્મકશ. દેવ સાબે જોખમ લીધું હોય એવી ત્રીજી ફિલ્મ છે બી. આર. ઈશારાની ‘પ્રેમશાસ્ત્ર’. ૧૯૭૪માં રિલીઝ થયેલી આ ફિલ્મનો પ્લોટ ચોંકાવનારો છે. પરિણીત પણ પત્નીના પ્રેમથી વંચિત લેખક સાગર શર્મા (દેવ આનંદ) બરખા અરોરા (ઝીનત અમાન) પ્રત્યે આકર્ષાય છે જે એની પત્ની નીલિમા શર્મા (બિંદુ)ના આગલા લગ્નથી થયેલી પુત્રી છે. અલબત્ત છેવટે અદાલતમાં નીરક્ષીર વિવેકનો વિજય થાય છે, પણ આજથી ૫૦ વર્ષ પહેલા આવી બોલ્ડ થીમની ફિલ્મમાં રોલ સ્વીકારવા ગજબની હિંમત જોઈએ જે દેવ આનંદ પાસે હતી.
ઈમરાન ખાનએ ના પાડી…
૧૯૯૦માં દેવ સાબે ક્રિકેટને કેન્દ્રમાં રાખી ‘અવ્વલ નંબર’ નામની ફિલ્મ બનાવી હતી. ક્રિકેટના બે મહાન ખેલાડી પર ફોકસ હતું – એક નિવૃત્તિના આરે અને બીજો સુપરસ્ટાર બનવાને આરે. દેવ આનંદ ‘અવ્વલ નંબર’માં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનને લેવા માગતા હતા, પણ… પણ શું થયું એ દેવ સાબનાં શબ્દોમાં જ જાણીએ. આત્મકથા ‘રોમેન્સિંગ વિથ લાઈફ’માં મિસ્ટર એવરગ્રીનએ લખ્યું છે કે ‘આમિર ખાનની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી અને એ પ્રતિભાશાળી યુવા કલાકાર હતો એટલે આશાસ્પદ યુવાન ખેલાડીના રોલ માટે તેને પસંદ કર્યો અને જેની આભા ઓસરી રહી હતી એ સિનિયર ખેલાડી માટે એ સમયે નિવૃત્તિની ઘોષણા કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાન પર મારી પસંદગી ઊતરી. ઈમરાન હેન્ડસમ હતો અને એનો ચહેરો ફોટોજેનિક હતો. ક્રિકેટની દુનિયામાં એનું બહુ મોટું નામ હતું. એ સમયે લંડનમાં રહેતા ઈમરાન સાથે ફોન પર વાતચીત થઈ અને મેં તેને મારી ફિલ્મ ‘અવ્વલ નંબર’માં કામ કરવાની ઓફર આપી. જોકે, પોતે સારો એક્ટર નથી એવું કારણ આપી મારી ઓફર સ્વીકારવાની તેણે ના પાડી. જોકે, હું તને રૂબરૂ મળું પછી જ હા કે નાનો જવાબ આપવા મેં તેને સમજાવી લીધો. હું બીજે જ દિવસે લંડન જવા નીકળ્યો. લંડનની હોટેલમાંથી ફોન કર્યો તો ઈમરાને મને એના ઘરે મળવા બોલાવ્યો. મેં ‘અવ્વલ નંબર’ની વાર્તા તેને સંભળાવી અને કયો રોલ એની પાસે ભજવવા માગું છું એ વિસ્તારપૂર્વક સમજાવ્યું. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ એને ભારતીય ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન જેવા આદર – સન્માન મળશે એની ખાતરી આપી. આખી વાત વિગતે સાંભળ્યા પછી ઈમરાને કહ્યું કે ‘પણ જનરલ ઝિયા-ઉલ-હક (પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ) મને તેમની કેબિનેટમાં સાંસ્કૃતિક ખાતાના પ્રધાન બનાવવા માગે છે.’ સરસ, મેં કહ્યું. તું પ્રધાન અને ફિલ્મ સ્ટાર એમ બેઉ ઘોડા પર સવાર થઈ જજે. જોકે, અંતે રાજકીય મહત્ત્વાકાંક્ષાનો વિજય થયો અને ફિલ્મ કરવાની તેણે નમ્રતાપૂર્વક ના પાડી દીધી. પછી ઈમરાનને ઓફર કરેલા રોલ માટે મેં આદિત્ય પંચોલીની પસંદગી કરી અને તેણે એ ભૂમિકા બખૂબી નિભાવી હતી.’
૧૮-૧૯ અને ૪૨
‘જોની મેરા નામ’ રિલીઝ થઈ ત્યારે હીરો દેવ આનંદની ઉંમર ૪૭ અને હિરોઈન હેમા માલિનીની ઉંમર ૨૨ વર્ષની હતી. અલબત્ત ચિરયુવા દેવ સાબ માટે ઉંમરના તફાવતનો આ પહેલો પ્રસંગ નહોતો. યાદ કરો ‘તીન દેવિયાં’ (૧૯૬૫). ચિત્રપટમાં દેવ સાબ સાથે ત્રણ હિરોઈન હતી. એક હતી સિમી ગરેવાલ જેની ઉંમર ત્યારે ૧૮ વર્ષની હતી, બીજી હતી કલ્પના મોહન, સિમી કરતાં ૧ વર્ષ મોટી, ૧૯ વર્ષની. એ વખતે દેવ આનંદની ઉંમર ૪૨ વર્ષની, પણ જ્યારે દેવ આનંદ ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત, કૌન હો તુમ બતલાઓ’ ગાય છે ત્યારે ૧૮-૧૯ વર્ષની બન્ને ક્ધયા એની સામે ટગર ટગર જોયા કરે છે ત્યારે પ્રેમી-પ્રેમિકા જ લાગે છે. ઉંમરનો તફાવત ગયો તેલ પીવા. એ જ તો છે દેવ આનંદનો જાદુ. ફિલ્મની ત્રીજી હિરોઈન નંદા ૨૫ વર્ષની હતી. ‘લિખા હૈ તેરી આંખોં મેં કિસ કા ફસાના’ નંદા ગાય છે ત્યારે શરમાઈને ટોપીથી મોં સંતાડી દેતા દેવ સાબ ‘અગર ઈસે સમજ સકો મુજે ભી સમજા ના’ ગાય છે ત્યારે પણ ૧૭ વર્ષનો તફાવત વરાળ થઈ જાય છે.
નાચો દેવસાબ, નાચો
દેવ આનંદ સારા ડાન્સર હતા એવું કહેવાવાળો પૃથ્વી પર શોધ્યો ન જડે. જોકે, કેટલીક વાર તેમને નચાવવાની ‘ધૃષ્ટતા’ કરવામાં આવી છે અને એ પ્રયાસ સફળ-નિષ્ફળ નહીં, હાસ્યાસ્પદ લાગે છે. ‘સરહદ’ની જ વાત કરીએ. ૧૯૬૦માં આવેલી આ ફિલ્મના એક પાર્ટી સોન્ગમાં દેવ આનંદ કુશળ નર્તકી રાગિણી (ત્રાવણકોર સિસ્ટર્સ લલિતા, પદ્મિનીની બહેન) સાથે હાથમાં ગિટાર પકડી પોતાની મર્યાદા બરાબર સમજી નાચ્યા છે એ જોઈને મજા પડે છે. ‘જાલ’માં તો ગીતા દત્ત પર ફિલ્માવાયેલા ‘ચોરી ચોરી મેરી ગલી આના હૈ બુરા, આ કે બિના બાત કિયે જાના હૈ બુરા’
ગીતમાં ગુરુ દત્તે છેલ્લી દોઢ મિનિટ મિત્ર દેવને નચાવ્યો છે. ગીત જોશો તો હસ્યા વિના નહીં રહો.
સંસ્કૃતમાં ગીતા, હિબ્રૂમાં બાઇબલ અને અરેબિકમાં કુરાન
દેવ સાબનું અંગ્રેજી ભાષા પર ગજબનું પ્રભુત્વ હતું. તેમના સ્વભાવમાં રહેલી મૃદુતાની પ્રશંસા તો દરેક હિરોઈને કરી છે. માતા પિતાના ગુણ વારસા વિશે દેવ આનંદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મારા પિતાશ્રી આર્ય સમાજી હતા. સ્વાતંત્ર્ય લડતમાં સહભાગી થયા હતા, કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા હતા અને વિદ્વાન હતા. સંસ્કૃત પર પ્રભુત્વ ધરાવતા હતા અને ગીતાનું અધ્યયન સંસ્કૃતમાં કર્યું હતું. પર્શિયન પણ જાણતા હતા અને કુરાનનું પઠન અરેબિકમાં કર્યું હતું અને બાઇબલનો અભ્યાસ હિબ્રૂમાં કર્યો હતો. ભાષા પર પ્રભુત્વ મેળવવાની, પડકાર ઝીલવાની, આત્મ નિરીક્ષણ કરવાની અને પૃથક્કરણ કરવાનો સ્વભાવ પિતાશ્રી પાસેથી વારસામાં મળ્યો છે. મારા સ્વભાવમાં રહેલી મૃદુતા માતાશ્રીની દેન છે. હું તેમને માટે બજારમાંથી બકરીનું દૂધ લઈ આવતો હતો. મારા કપાળે નિશાન છે એવું જ અસ્સલ નિશાન તેમના કપાળે પણ હતું.’