વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો તેમ જ ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૪.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૫ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૪.૦૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૭ અને ઉપરમાં ૮૪.૦૩ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસો વધીને ૮૪.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ, ફુગાવામાં થયેલા વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ પ્રવર્તી રહ્યું હોવાથી ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળેથી ૦.૧૮ ટકા ઘટીને ૧૦૩.૧૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૫૨.૯૩ પૉઈન્ટનો અને ૭૦.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૭૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.

જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૫.૧૦ ટકા ગબડીને બેરલદીઠ ૭૩.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સાધારણ સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button