બાબા સિદ્દીકી હત્યા કેસ: કિલરને કૅશ આપનાર નિષદ યુપીથી પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે કાવતરું ઘડનારાઓને નાણાં પૂરાં પાડનારા શખસને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. પુણેમાં ભંગારની દુકાન ચલાવતો આરોપી એ જ પરિસરમાં રહેતા ફરાર આરોપી શિવકુમાર ગૌતમના સંપર્કમાં હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ હરીશકુમાર બાલકરામ નિષદ (26) તરીકે થઈ હતી. કોર્ટે 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સિદ્દીકી હત્યા પ્રકરણમાં આરોપી નિષદે નાણાં અને લૉજિસ્ટિક સપોર્ટ પૂરાં પાડ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું. એ સિવાય તે કાવતરાનો એક ભાગ હોવાનું પણ સામે આવ્યું હતું.
બાન્દ્રા પૂર્વના નિર્મલ નગર પરિસરમાં શનિવારની રાતે કારમાં ઘરે જવા નીકળેલા બાબા સિદ્દીકી પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગવાથી સિદ્દીકીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ કેસમાં બે શૂટર ગુરમેલ સિંહ (23) અને ધર્મરાજ કશ્યપ (19)ને હુમલાની ગણતરીની મિનિટોમાં જ નિર્મલ નગર પોલીસે પકડી પાડ્યા હતા. બાદમાં કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પ્રવીણ લોણકર (30)ની પુણેથી ધરપકડ કરી હતી.
લોણકરની પૂછપરછમાં પુણેમાં જ ભંગારની દુકાન ચલાવતા નિષદનું નામ સામે આવ્યું હતું. જોકે લોણકર પકડાતાં નિષદ ફરાર થઈ ગયો હતો. નિષદ ઉત્તર પ્રદેશના તેના વતને હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. યુપીના કૈસરગંજથી સોમવારે તાબામાં લેવાયેલા નિષદને મુંબઈ લાવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલો આરોપી ધર્મરાજ કશ્યપ અને ફરાર આરોપી શિવકુમાર ગૌતમ નિસાદના જ ગામના વતની છે. એ સિવાય નિષદની ભંગારની દુકાન જે પરિસરમાં આવેલી છે ત્યાં જ ગૌતમ પણ રહેતો હતો. ગૌતમની માહિતી મેળવવા માટે પોલીસ નિષદની પૂછપરછ કરી રહી છે.
નિષદે આ કાવતરામાં સામેલ લોકોને નાણાં પૂરાં પાડ્યાં હોવાથી પોલીસ તેના બૅન્ક ખાતાની પણ તપાસ કરવા માગે છે. નિષદે અન્ય કોઈ માધ્યમથી નાણાં પહોંચાડ્યાં હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શૂટરોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ
ગૅન્ગસ્ટર તરીકે પોતાની છાપ ઊભી કરવા મથતાં બાબા સિદ્દીકીના શૂટરોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની પોલીસ તપાસ કરી રહી છે. શૂટરો એકબીજાના અને અન્ય કાવતરાખોરોના સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાની શંકા પોલીસને છે. વળી, ગૅન્ગસ્ટર તરીકેની છાપ ઊભી કરવા માગતા ફરાર શૂટર શિવકુમાર ગૌતમના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર વિચિત્ર પોસ્ટ્સ પોલીસને જોવા મળી હતી. ગૌતમે 24 જુલાઈએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીર પોસ્ટ કરી હતી, જેની ફોટોલાઈન ‘યાર તેરા ગૅન્ગસ્ટર હૈ જાની’ લખી હતી. ફોટોમાં તે બાઈક પર બેસેલો નજરે પડે છે અને બૅકગ્રાઉન્ડમાં હરિયાણવી ગીત વાગી રહ્યું છે. 8 જુલાઈએ પણ તેણે વિવાદાસ્પદ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેણે ‘શરીફ બાપ હૈ… હમ નહીં’ લખ્યું હતું. ગૌતમે 26 મેના શહેરની ચચનચુંબી ઈમારતનો નાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને બૅકગ્રાઉન્ડમાં ‘કેજીએફ’ ફિલ્મનું મ્યુઝિક રાખ્યું હતું. ભાડૂતી મારાઓ પર આધારિત ફિલ્મનો ‘શક્તિશાળી લોકોને લીધે જગ્યા બને શક્તિશાળી’ ડાયલોગ પણ પોસ્ટમાં મૂકવામાં આવ્યો હતો.