વિશ્ર્વ-વિક્રમી નિત્ય હરિત નાયકન પ્રેમ નઝિર
પ્રેમ નઝીરના વર્લ્ડ રોકોર્ડ
૧). ૭૨૦ ફિલ્મોમાં હીરો
૨). એક હિરોઇન સાથે ૧૩૦ ફિલ્મો
૩). વર્ષમાં ૩૯ ફિલ્મો રિલીઝ
૪). ૮૦ હિરોઇનના હીરો
ફોકસ -મનીશા પી. શાહ
શાહરુખ ખાન, આમિર ખાન, રિતિક રોશન કે દિલીપકુમાર જે ગતિએ કામ કર્યું તો તેઓ આજીવન કેટલી ફિલ્મો કરી શકે? આમાંથી દિલીપકુમાર વિશે ચોક્કસપણે કહી શકાય તેમણે હીરો તરીકે પણ ફિલ્મ કરી પ્લસ થોડી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે દેખા દીધા. આ બધુ કર્યું ૫૪ વર્ષની કારકિર્દીમાં. સારાંશ એટલો કે ટ્રેજેડી કિંગે પપ વર્ષમાં ૫૭ ફિલ્મો કરી.
અલબત કલાની બાબતમાં સંખ્યા જેટલું (કે વધુ મહત્ત્વ) ગુણવત્તાને આપવું જ રહ્યું. છતા એક ભારતીય એકટરે એવું જોરદાર પ્રદાન આપ્યું કે એમના નામે ચાર-ચાર વર્લ્ડ રેકોર્ડ બોલે છે. આપણે વાત કરવી છે અને યાદ કરવી છે મલયાલમ સિનેમાના એવરગ્રીન હીરો પ્રેમ નઝીરની.
બ્રિટિશરાજના ત્રાવણકોર રાજ્ય (હાલના કેરળ)ના ચિરાયિનકીઝુ ગામમાં ૧૯૨૬ની સાતમી એપ્રિલ જન્મ. મૂળ નામ અબ્દુલ ખાદિર. કોલેજમાંથી અભિનયની જમાવટ કરવાની શરૂ કરી દીધી. ૧૯૫૧માં જગવિખ્યાત નાટક ‘મર્ચન્ટ ઓફ વેનિસ’થી પદાર્પણ કર્યું. એમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવ્યો. એના એક વર્ષ પછી પહેલી ફિલ્મ મળી ગઇ. આ ફિલ્મમાં તેમણે પોતાનું ઓરિજિનલ નામ રાખ્યું. બીજી ફિલ્મમાં પણ.
પરંતુ પછી તેઓ નામ બદલીને અબ્દુલ ખાદિરમાંથી પ્રેમ નઝીર બની ગયા અને એક ઇતિહાસ સર્જી દીધો. પચાસના દાયકામાં પ્રેમનો જાદુ સૌના માથા પર ચડી ગયો. જોતજોતામાં સદાબહાર (કેવો સરસ અનુવાદ – નિત્ય હરિત નાયકન) અને રોમેન્ટિક હીરો બની ગયા. આની સાથો-સાથ મલયાલમ સિનેમાના પહેલાવહેલા સુપરસ્ટાર પણ. તેમના થકી મલયાલમ સિનેમા પગભર જ નહીં, પણ બુલંદીને સ્પર્શી શકી.
પચાસ બાદ સાઠ અને સિતેરના દાયકામાં ય એમની સફળતા અને લોકપ્રિયતા ટકી ન રહી પણ વધતી ગઇ. એસીના દાયકામાં નવા ચહેરાઓનો ઉદય થતા તેઓ સપોર્ટિંગ એક્ટર તરીકે દેખાવા માંડ્યા, પરંતુ આમાંય તેમના અભિનય કે દબદબામાં લેશમાત્ર કચાશ ન વર્તાઇ.
મલયાલમ સિનેમામાં તેમણે ફિલ્મો બે નવા પ્રકાર શરૂ કરાવ્યા. એક જાસૂસી ફિલ્મ. બીજું વડક્કનપટ્ટ સિરિઝ જેમાં લોકનાયક-લોકગીતો કેન્દ્ર સ્થાને રહ્યાં. તેમની અભિનય માટેની ઉત્કંઠા અને નિષ્ઠા એટલી પ્રબળ કે ભૂખ, ઊંઘ અને તબિયતની પરવા પણ ન કરી. શરીર પાસેથી લેવાય એનાથી વધુ કામ લેતા હતા. આમાં ડાયાબિટીસ અને પેપ્ટિક અલ્સર શરીરમાં ઘર કરી ગયા. ૧૯૮૯માં પ્રેમનઝીરે જીવનના સ્ટુડિયોમાંથી આખરી એક્ઝિટ લીધી. એ અગાઉ નેશનલ એવોર્ડસ અને પદ્મ ભૂષણ સહિત અનેક સન્માન મેળવી લીધા હતા.
અભિનેતા પ્રેમ નઝીરના નામે આજે જે વિશ્ર્વ વિક્રમ બોલે છે એ ભાગ્યે જ કોઇ તોડી શકશે એવું લાગે છે.
પ્રથમ વિશ્ર્વ વિક્રમ છે ૭૨૦ ફિલ્મોમાં હીરોનો રોલ ભજવ્યો. કોઇ એક્ટર આ વિક્રમને આંબી ય શકશે ખરું?
બીજો વર્લ્ડ રેકોર્ડ. એક જ હિરોઇન સાથે એક જ હીરો કેટલી ફિલ્મ કરી શકે? પ્રેમ નઝીરે શીલા સાથે કરી ૧૩૦ ફિલ્મ!
ત્રીજા નંબરનો વિક્રમ. એક વર્ષમાં સૌથી વધારે ફિલ્મો રિલીઝ. ૧૯૭૯માં તેમની ૩૯ ફિલ્મો રજૂ થઇ હતી. દશ દિવસથી ઓછા સમયમાં એક ફિલ્મ કેવી રીતે પૂરી થતી હશે? કબૂલ કે બે-પાંચ ફિલ્મો આગલા વરસે બની હોય છતા…
ચોથી સિદ્ધિ. કુલ ૮૦ હિરોઇન સાથે હીરો તરીકે કામ કર્યું.
આટઆટલું કામ કરવું, પાછી લોકપ્રિયતા જાળવી રાખવી, માતૃભાષાની સિનેમાને સધ્ધર-સમૃદ્ધ બનાવવી અને જાત ઘસી નાખવી એ બધું અકલ્પ્ય નથી લાગતું? આ નિત્ય હરિત નાયકન માટે ચોક્કસ કહી શકાય: ન ભૂતો, ન ભવિષ્યતિ.