મેટિની

વહિદાજીનો ચહેરો જોઈ ગાઈડ ફિલ્મ સાંભળી

ભારતીય ચિત્રપટ સૃષ્ટિમાં અનેરું યોગદાન આપનારાં અભિનેત્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે ત્યારે એમની કેટલીક ઓછી જાણીતી વાતો

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

વહિદા રેહમાન… નામ સાંભળતાની સાથે પહેલા તો હીરોને ફસાવવા માગતી ‘સીઆઇડી’ની કામિની યાદ આવી જાય. તરત ‘જાને ક્યા તુને કહી, જાને ક્યા મૈંને સુની, બાત કુછ બન હી ગઈ’ ગાઈને કવિ વિજય (ગુરુ દત્ત)ને આકર્ષવા પ્રયાસ કરતી ‘પ્યાસા’ની ગણિકા ગુલાબોનું સ્મરણ થાય અને સાથે સાથે ‘કાગઝ કે ફૂલ’ની શાંતિ આંખ સામે આવી જાય. ફ્રેન્ડ્સ સાથે ફિલ્મ જોવાની ઈચ્છા હોવા છતાં ટિકિટ બ્લેકમાં ખરીદી હોવાની જાણ થતા એ ફાડી નાખી ટિકિટના કાળા બજાર કરતા રઘુવીર (દેવ આનંદ)ને દિલ દઈ બેસનાર ‘કાલા બાઝાર’ની અલકા સિંહા અને ‘જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો’ પંક્તિના સાક્ષાત્ સ્વરૂપ જેવી ‘ચૌદહવી કા ચાંદ’ની જમીલાનું માધુર્ય પણ યાદ આવ્યા વિના ન રહે. આ ઉપરાંત અન્ય ઉદાહરણ સુધ્ધાં સાંભરી આવે. તાજેતરમાં ચિત્રપટ સૃષ્ટિના સર્વોચ્ચ સન્માન ‘દાદાસાહેબ ફાળકે’ એવૉર્ડથી સન્માનિત થનારાં વહિદા રહેમાનની જ્વલંત કારકિર્દીના ઉપર જણાવ્યા એ બધા અભિનયના જોરે સર કરેલા વિવિધ શિખરો છે. જોકે, ૧૯૬૫માં રિલીઝ થયેલી વિજય આનંદ દિગ્દર્શિત ‘ગાઈડ’ વહિદાજીનું એવરેસ્ટ છે. ‘ગાઈડ’ની રોઝી (વહિદા રેહમાન)ના ખેંચાણ – આકર્ષણ એવા અદ્ભુત છે કે દરેક પુરુષને રાજુ ગાઈડ બનવાની તીવ્ર ઈચ્છા જાગે છે. ‘ગાઈડ’ની રોઝી પર અનેક લોકોએ પ્રશંસાના પુષ્પો વેર્યા છે, પણ મરાઠી ભાષામાં નાટ્યલેખક તરીકે ઊંચા સિંહાસન પર બિરાજમાન શ્રી વિજય તેંડુલકરે તેમના લલિત લેખનમાં વહિદાજીનું એક વાક્યમાં કરેલું વર્ણન ત્રાજવાના એક પલડામાં અઢળક સંપત્તિ હોવા છતાં બીજા પલડામાં એક તુલસીના પાનથી ત્રાજવું નમી જાય એવું છે. વહિદાજીના ‘ખામોશી’ ચિત્રપટ વિશેના એક લેખમાં શ્રી તેંડુલકરે લખ્યું છે કે કે ‘हिच्या तोंडाकडे पाहत आपण ‘गाइड’ चित्रपट ऐकला’. (એનો ચહેરો જોઈ અમે ‘ગાઈડ’ ફિલ્મ સાંભળી). સાચે જ, પતિ માર્કોર્સથી માનસિક રીતે ત્રાસી ગયેલી રોઝી જ્યારે રાજુ ગાઈડના પ્રેમમાં પડી ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગાય છે ત્યારે ફિલ્મની કથા, વિજય આનંદનું કાબેલ દિગ્દર્શન, ચાર્મિંગ દેવ આનંદ, શૈલેન્દ્ર-એસ ડી બર્મનના લાજવાબ ગીત-સંગીત અને બીજી અન્ય બાબતો ગૌણ બની જાય છે. રોઝીની આંખો, રોઝીનો ચહેરો ને એ ચહેરા પરના ભાવ દુનિયા બની જાય છે. બે કલાક અને ૫૦ મિનિટ દરમિયાન થિયેટર રાજુ ગાઈડથી ભરાઈ જાય છે. શકીલ બદાયૂંનીની

પંક્તિ ‘જો ભી હો તુમ ખુદા કી કસમ, લાજવાબ હો’ ની બાજુમાં વટથી પલાંઠી વાળીને બેસી શકે એવી ઉપમા શ્રી તેંડુલકરે વહિદા રેહમાનને આપી છે. વહિદાજી માટે આનાથી બહેતર કોઈએ લખ્યું હોય એવું સ્મરણમાં નથી. વહિદા રેહમાનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. આ લખું તો પેલું રહી જાય અને પેલું લખવા બેસીએ તો ઓલું રહી જાય એવી કશ્મકશ વચ્ચે નસરીન મુન્ની કબીરએ લખેલા તેમના પરના પુસ્તકમાંથી કેટલીક ઓછી જાણીતી વાતો પર પ્રકાશ ફેંકી એ રજૂ કરવી યોગ્ય કહેવાશે.

તમિળ ફિલ્મના નિર્માતા સી. વી. રામકૃષ્ણ પ્રસાદ વહિદાજીના પિતાશ્રીના મિત્ર હતા. પિતાશ્રીએ અવસાનના ત્રણેક વર્ષ પછી મિસ્ટર પ્રસાદની સમજાવટ પછી વહિદાજીએ એક તમિળ ફિલ્મમાં કામ કર્યું જેનું નામ હતું Rojulu Marayi. વહિદાજી કહે છે ‘મારા પર ફિલ્માવાયેલું ગીત સુપરહિટ સાબિત થયું અને ફિલ્મ પૂરી થયા પછી દર્શકો પ્રોજેક્શનિસ્ટને એ ગીત ફરી પડદા પર દેખાડવા વિનંતી કરતા. આ ફિલ્મના ટાઈટલનો અર્થ થાય છે ‘દિવસો બદલાયા છે’ અને આ વાત એ સમયના મારા જીવનનું આબેહૂબ વર્ણન કરતી હતી. મારા એ લોકપ્રિય ગીતની ધૂનની નકલ એસ. ડી. બર્મને ‘બમ્બઈ કા બાબુ’ના ‘દેખને મેં ભોલા હૈ દિલ કા સલોના’ નકલ કરી છે અને એ સુધ્ધાં ફોનમાં મારી પાસે ગવડાવીને.’

વહિદા રેહમાન તમિળ-તેલુગુ ફિલ્મોમાં અટવાયેલા ન રહ્યા એનો શ્રેય ગુરૂ દત્તને જાય છે તો રતીભાર યોગદાન એક ગુજરાતીનું પણ છે. જાણીએ વહિદાજીના શબ્દોમાં. ‘હું અને મારાં માતુશ્રી ગુરુ દત્તજીને હૈદરાબાદમાં મળ્યા એના ત્રણ મહિના પછી મનુભાઈ પટેલ નામની વ્યક્તિ મદ્રાસ (આજનું ચેન્નઈ)ના અમારા ઘરે આવી હતી. તેમણે કહ્યું કે તેઓ બોમ્બેના છે અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનો વ્યવસાય કરે છે. ગુરુ દત્તએ તમને બોમ્બે લાવવા મને મોકલ્યો છે. મને ફિલ્મમાં લેવા માગે છે. મારાં માતુશ્રીને આશ્ર્ચર્ય થયું અને હા પાડતા પહેલા ઓળખીતા પાળખીતાની સલાહ લીધી. મિસ્ટર પ્રસાદે માતુશ્રીને કહ્યું કે ‘શ્રીમતી રેહમાન, બોમ્બેમાં કામ કરવામાં કશું ખોટું નથી, પણ એક વાત યાદ રાખજો કે તમારી દીકરી કોઈની ગુલામ નથી. લોકો જાતજાતની માગણી કરશે. એ બધી સ્વીકારી નહીં લેવાની. જો કોઈ બાબત તમને કબૂલ ન હોય તો સાફ સાફ જણાવી દેવું. બોમ્બેમાં ન ગોઠે તો અહીં પાછા આવતા રહેજો. કોઈની ધમકીને વશ નહીં થતા.’

મિસ્ટર પ્રસાદની સલાહ વહિદાજીએ કેટલી ગંભીરતાથી લીધી હતી એનો પરચો બોમ્બે પહોંચી તરત થઈ ગયો. આત્મકથામાં વહિદાજી જણાવે છે કે ‘રાજ ખોસલા (વહિદાજીની પહેલી હિન્દી ફિલ્મ સીઆઈડીના દિગ્દર્શક)એ કહ્યું કે મારું નામ બહુ લાંબું છે એટલે બદલવું પડશે. દિલીપકુમાર, મધુબાલા, મીના કુમારી વગેરેએ તેમના મૂળ નામ બદલ્યા હતા. જોકે, નામ બદલવાની મેં સાફ ના પાડી દીધી.

મારી ના સાંભળી રાજ ખોસલા, ગુરુ દત્ત સહિત અન્ય લોકો ચોંકી ગયા. અંતે અઠવાડિયા પછી મારું નામ વહિદા રેહમાન જ રહેવા દેવા તૈયાર થયા. ‘સીઆઈડી’ માટે આપવામાં આવેલા કોન્ટ્રેક્ટ પર માતુશ્રી સાઈન કરે (હું હજી ૧૮ વર્ષની નહોતી થઈ) એ પહેલા કોન્ટ્રેક્ટમાં અમુક કલમ હું ઉમેરવા માગું છું એમ મેં તેમને કહ્યું. જો કોઈ કોસ્ચ્યુમ્સ મને નહીં ગમે તો હું એ નહીં પહેરું એ કલમ ઉમેરવા મેં આગ્રહ રાખ્યો. મારી વાત સાંભળી ગુરુ દત્તને પણ નવાઈ લાગી. ઉંમર વધ્યા પછી હું સ્વિમસૂટ પહેરવા કદાચ તૈયાર થાઉં, પણ અત્યારે તો નહીં જ, કારણ કે સ્વભાવે હું બહુ શરમાળ છું એવું મેં કહ્યું એટલે રાજ ખોસલા બોલ્યા કે ‘શરમાળ સ્વભાવ છે તો શું કામ ફિલ્મમાં કામ કરવા આવી છો? મેં શાંતિથી તેમને જણાવ્યું કે હું અહીં ફિલ્મમાં કામ કરવા નથી આવી, તમે બોલાવી છે મને.’ કિશોરાવસ્થામાં અને એ પણ ૧૯૫૦ના દાયકામાં વહિદા રેહમાન આત્મવિશ્ર્વાસ સાથે જરાય ગભરાયા વિના સ્પષ્ટવક્તા કેમ રહી શક્યા એનું કારણ પણ તેઓ જ આપે છે. વહિદાજી જણાવે છે કે ‘મારા પિતાશ્રી મૃત્યુના આરે હતા ત્યારે તેમણે અમને બધાને સમજાવ્યું હતું કે ઈશ્ર્વર સિવાય કોઈનો ભય રાખવો નહીં. વર્તનમાં શાલીનતા જાળવવાની અને વડીલોને આદર આપવાનો. કોઈ કરતા કોઈથી ડરવાનું નહીં. તેમના આ શબ્દો કાયમ મારી સાથે રહ્યા છે. મારે ફિલ્મમાં કામ કરવું હતું એ વાત સાચી, પણ કોઈપણ ભોગે તો નહીં જ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button