રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
![After dessert in Rajkot, now food department pan on edible oil](/wp-content/uploads/2024/10/edible-oil.webp)
રાજકોટ: નવરાત્રી, દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં બહારથી મળતી ખાદ્ય ચીજોમાં ખૂબ જ ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેંચાણ અટકાવવા સરકારે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગના દરોડાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપેલો છે, ત્યારે ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં તેલના નમુના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તહેવારોમાં બહારથી મળતી ખાદ્ય ચીજોમાં ખૂબ જ ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેંચાણ થતું હોય છે. જે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પાડે છે. આથી રાજ્ય સરકાર દ્વારા આગામી તહેવારોમાં લોકોને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેની પૂર્વ તૈયારી રૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેના રાજકોટમાં હવે મીઠાઇ બાદ ખાદ્ય તેલના નમુના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આથી શહેરના જુદા જુદા સ્ટોર અને દુકાનો તેમજ માર્કેટ યાર્ડમાંથી સીંગતેલ, કપાસીયા તેલ, તલ તેલ, રાયડા સહિત 15 તેલના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
હાલ બજારમાં નવી મગફળીની આવક થઈ રહી છે, અને ત્યારબાદ તેલની સિઝન પણ શરૂ થવાની છે. નવા તેલની સિઝન શરૂ થાય તે પૂર્વે જ સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફૂડ સેફટી ડ્રાઇવ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટમાં જથ્થાબંધ વિક્રેતાથી માંડી રિલાયન્સ મોલ સહિતની જગ્યાએથી નમુના એકત્ર કરવામાં આવ્યા હતા.
નીતિન પટેલે કર્યા હતા આરોપો:
આ જ મહિને જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઓઇલ મીલો અને તેના માલિકો પર ભેળસેળ કરતાં હોવાનો મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ હતો કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગોડાઉનને સીલ કરાવી દઇશ.