નેશનલ

બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…

અયોધ્યાઃ બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી બેંગલુરુ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે પુષ્ટી કરી હતી કે સુરક્ષા કારણોસર ફ્લાઈટને તરત જ લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને ફ્લાઈટને તરત જ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઈમરજન્સી લેન્ડિંગ પછી સુરક્ષાકર્મીઓએ આખા વિમાન અને તેના મુસાફરોની તપાસ કરી હતી.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બોમ્બની ધમકી મળ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. આ માહિતી મળતાની સાથે જ જરૂરી સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેનને રોકીને તેની તપાસ કરાઇ હતી. પ્લેનમાંથી કોઇ વાંધાજનક વસ્તુ મળી નથી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું વિમાનમાં 132 મુસાફરો હતા. વિમાન જયપુરથી આવી રહ્યું હતું અને અયોધ્યામાં થોડા સમય માટે રોકાયા બાદ બેંગલુરુ જવાનું હતું.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે. સોમવારે મુંબઈથી ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તેને દિલ્હીમાં લેન્ડ કરવામાં આવી હતી. આ સિવાય મુંબઈથી જેદ્દાહ અને મસ્કત જતી ઈન્ડિગોની બે ફ્લાઈટને પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી.

એરપોર્ટ અને સુરક્ષા એજન્સીઓના ત્વરિત અને સતર્ક પ્રતિસાદને કારણે, વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. બોમ્બની ધમકીના કિસ્સામાં સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે જેથી મુસાફરો અને ક્રૂની સલામતી જોખમમાં આવે નહીં.

તાજેતરમાં બોમ્બની ધમકીઓને કારણે ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના બનાવોમાં વધારો થયો છે. મોટા ભાગના કિસ્સાઓ ખોટા સાબિત થતા હોવા છતાં આવી ધમકીઓ સુરક્ષા એજન્સીઓ અને મુસાફરોને ગંભીર માનસિક અને નાણાકીય સમસ્યાઓનું કારણ બને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button