ચેસ ખેલાડીએ ટૉઇલેટમાં મોબાઇલ સંતાડ્યો એટલે તેનું આવી બન્યું…
મૅડ્રિડ: યુક્રેનમાં જન્મેલા અને રોમાનિયા વતી રમતા બાવીસ વર્ષના ચેસ ખેલાડી કિરિલ શેવચેન્કોની વિશ્ર્વ ચેસમાં 69મી રૅન્ક છે, પરંતુ ચેસ જગતમાં હાલમાં મજબૂત મનોબળ અને અપ્રતિમ સમજદારી ધરાવતા સૌથી યુવાન ગ્રૅન્ડ માસ્ટર્સમાં તેનું નામ અચૂક લેવાય છે. જોકે તેણે સોમવારે તેણે જે કર્યું એનાથી તેની કારકિર્દીને કલંક લાગી ગયો છે.
ચેસ જગતમાં શેવચેન્કોના કથિત ચીટિંગ કાંડથી ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે તેને સ્પૅનિશ ટીમ ચૅમ્પિયનશિપ્સમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
કહેવાય છે કે શેવચેન્કોએ ટૂર્નામેન્ટમાં પોતાની કેટલીક ગેમ દરમ્યાન તેણે પોતાનો મોબાઇલ ટૉઇલેટમાં સંતાડ્યો હતો અને ટૉઇલેટમાં જઈને એનો ઉપયોગ પણ કર્યો હતો.
ફિડે એથિક્સ કમિશન દ્વારા આ બનાવમાં તપાસ થઈ રહી છે અને જો તેનો કસૂર સાબિત થશે તો ચેસ જગતના ઊંચી રૅન્કવાળા ખેલાડી દ્વારા આવા પ્રકારની ચીટિંગની આ પહેલી અનોખી અને વિચિત્ર ઘટના કહેવાશે.
શેવચેન્કો સતતપણે ટૉપ-100 તથા ટૉપ-50 રૅન્કમાં રહ્યો છે. તે 14 વર્ષની ઉંમરે ગ્રૅન્ડમાસ્ટર બન્યો હતો. તે રોમાનિયા વતી રમે છે. સ્પૅનિશ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સિસ્કો વૅલેયો નામના તેના હરીફ ખેલાડીએ ફરિયાદ કરી કે શેવચેન્કો ગેમ દરમ્યાન ઘણી વાર સુધી પાછો રમવા નહોતો આવ્યો.
વૅલેયોની આ ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ થઈ હતી જેમાં તેણે આર્બિટ્રેટરને એવું કહ્યું હોવાનું મનાય છે કે ‘મારી તબિયત સારી ન હોવાથી મારે વારંવાર ટૉઇલેટ જવું પડ્યું.’
જોકે અન્ય કેટલાક ખેલાડીઓ તથા આયોજન સમિતિના મેમ્બર્સે પણ જોયું કે તે વારંવાર ટૉઇલેટ જતો હતો. પ્રારંભિક તપાસમાં ટૉઇલેટમાંથી શેવચેન્કોનો ફોન મળી આવ્યો હતો જે જપ્ત કરવામાં આવ્યો હતો.
એક અહેવાલ અનુસાર શેવચેન્કો વારંવાર ઇન્ડિવિજ્યૂઅલ ટૉઇલેટ ક્યૂબિકલમાં ગયો હતો અને ત્યાંથી તેનો મોબાઇલ મળી આવ્યો હતો. એટલું જ નહીં, મોબાઇલની સાથે હાથે લખેલી એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં લખવામાં આવ્યું હતું, ‘આ મોબાઈલને અડશો નહીં. આ અહીં છોડવામાં આવ્યો છે કે જેથી કરીને એનો માલિક રાત્રે કૉલ્સના જવાબ આપી શકે.’
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચિઠ્ઠીમાં વપરાયેલી પેન અને શેવચેન્કોએ ગેમ દરમ્યાન સ્કોરશિટ્સમાં જે પેન વાપરી હતી એની સહી એકસરખી છે.
શેવચેન્કોની પહેલી બે ગેમના પરિણામો (ડ્રૉ અને જીત) હતા જે બદલીને (ગેમ જતી કરાઈ અને પરાજિત) તરીકે બદલવામાં આવ્યા છે.
શેવચેન્કોએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે.