શું દાઉદના પગલે ચાલીને મુંબઈમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે લૉરેંસ બિશ્નોઈ?
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દકીની તાજેતરમાં મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લૉરેંસ બિશ્નોઈએ બૉલિવૂડ અને બિલ્ડર લૉબી પર તેની ધાક જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આ પહેલાં પણ સલમાન અને તેના પિતા સલીમ ખાનને ધમકી આપવી, સલમાનના ઘર પાસે ફાયરિંગ કરવો તેની કોશિશનો હિસ્સો છે. તેની કામ કરવાની સ્ટાઈલ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ જેવી છે.
દાઉદ જેવી જ પેટર્ન અપનાવી રહ્યો છે લૉરેંસ
1980-90ના દાયકામાં દાઉદ જે રીતે ગોળી મારતો હતો તેવી જ રીતે બાબા સિદ્દીકીને ગોળી મારવામાં આવી હતી. તે ટાર્ગેટના ઘરની આસપાસ જ હુમલો કરતો હતો અને નજીકથી જ ગોળી મારવામાં આવતી હતી. લૉરેંસ પણ આ રીત અપનાવીને મુંબઈમાં બિલ્ડર લૉબી અને બોલિવૂડ લૉબીમાં ડરનો માહોલ પેદા કરવા માંગે છે.
દાઉદ અને લૉરેંસની શું છે સામ્યતા
દાઉદ ઈબ્રાહિમ અને લૉરેંસ બિશ્નોઈ બંનેમાં ઘણી સામ્યતા છે. જેમકે દાઉદ નાના-મોટા ગુના, લૂંટફાટ અને ગોટાળાથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. લૉરેંસે ધમકી આપવી અને મારપીટથી આમાં પ્રવેશ કર્યો. દાઉદે છોટા રાજન સાથે મળીને તેનું નેટવર્ક વિસ્તાર્યુ અને 500થી વધુ લોકોની ગેંગ બનાવી. લૉરેંસ બિશ્નોઈએ કનેડામાં રહેલા ગોલ્ડી બ્રાર સાથે મળીને આતંકનું નેટવર્ક ઉભું કર્યું અને 700થી વધુ લોકોની ગેંગ બનાવી. દાઉદ ઈબ્રાહીમ ખંડણી અને હપ્તાવસૂલીથી સૌથી વધુ પૈસા કમાયો હતો, જ્યારે લૉરેંસ બિશ્નોઈ માટે ખંડણી તેની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.
NIA ચાર્જશીટમાં શું છે ઉલ્લેખ
લૉરેંસ ગેંગનું નેટવર્ક 12 રાજ્યોમાં ફેલાયેલું છે. પરંતુ જે રીતે તેણે બાબા સિદ્દીકીને નિશાન બનાવ્યા અને તેને સલમાન સાથેની મિત્રતાના એંગલ સાથે જોડવામાં આવ્યું તેને જોઈને એક્સપર્ટ પણ માને છે કે તે ડી કંપનીની જેમ મુંબઈને તેનો ગઢ બનાવવાની કોશિશમાં છે. લૉરેંસ બિશ્નોઈ પણ દાઉદ ઈબ્રાહીમના રસ્તે ચાલતો જોવા મળી રહ્યો છે. જેનો ઉલ્લેખ એનઆઈએની ચાર્જશીટમાં પણ છે. જેમાં લૉરેંસ ગેંગની તુલના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહીમે ડ્રગ તસ્કરી, ટાર્ગેટ કિલિંગ અને ખંડણીનું રેકેટ તૈયાર કરીને પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યુ હતું. બાદમાં તેણે ડી કંપની બનાવી, ઠીક આવી જ રીતે લૉરેંસ પણ તેનું સામ્રાજ્ય ઉભું કરવા માંગે છે. તે અમદાવાદની સાબરમતી જેલની અંદર રહીને મોટા મોટા કાંડ કરાવે છે, એટલે કે તેનું લાઈન ઑફ કમ્યુનિકેશન ચાલુ છે.
મુંબઈમાંથી દાઉદ ગેંગનો દબદબો ખતમ થઈ ચૂક્યો છે. ખંડણી, ટાર્ગેટ કિંલિંગ, હપ્તાવસૂલી અને સ્મગલિંગ જેવા ગુના પર ગાળિયો ભીંસાઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં મુંબઈમાં લૉરેંસ બિશ્નોઈ માટે એક મોકળું મેદાન છે. હવે તે આ પ્રકારની ઘટનાને અંજામ આપીને ત્યાં પોતાનું નેટવર્ક ઉભું કરશે. તેનો હેતુ સલમાન ખાન અને સાથે સાથે અન્ય લોકોમાં ડરનો માહોલ પેદા કરવાનો છે. લૉરેંસ મોટા નામાનો ટાર્ગેટ કરીને ડર ઉભો કરવા માંગે છે, દાઉદ ગેંગ નબળી પડતાં તે મુંબઈમાં સરળતાથી પોતાનું નેટવર્ક સ્થાપી શકે છે.