વિરાટ કોહલી સ્પિનર્સની જાળમાંથી કેવી રીતે બહાર આવશે? ચાહકો ચિંતામાં છે
નવી દિલ્હી: વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટર તરીકે ઓળખાય છે અને ક્રિકેટના ઇતિહાસના બૅટિંગ-લેજ્ન્ડ્સમાં પણ તેનું નામ અચૂક લેવાય છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000થી વધુ રન બનાવ્યા છે, પરંતુ હાલના દિવસોમાં ખાસ કરીને ટેસ્ટ-ક્રિકેટમાં તેનો પર્ફોર્મન્સ વખાણવા જેવો નથી રહ્યો. તે થોડા સમયથી સ્પિનર્સની જાળમાં એવો ફસાયો છે કે વહેલાસર એમાંથી બહાર આવી શકશે કે કેમ એ તેના ચાહકોમાં લાખ રૂપિયાનો સવાલ છે.
આધુનિક ટેસ્ટ-ક્રિકેટના ‘ફૅબ ફોર’માં જૉ રૂટ, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસનની સાથે વિરાટ કોહલીનું નામ જોડાયેલું છે. જોકે બાકીના ત્રણ સ્ટાર બૅટરની સરખામણીમાં વિરાટનો પર્ફોર્મન્સ નબળો પડતો જાય છે.
આ પણ વાંચો: IND VS NZ: આખરે ગૌતમ ગંભીરે વિરાટ કોહલી માટે મૌન તોડ્યું, કહ્યું કે…
ન્યૂ ઝીલૅન્ડ સામે બુધવાર ઘરઆંગણે શરૂ થઈ રહેલી ત્રણ મૅચની ટેસ્ટ-શ્રેણી પહેલાં વિરાટના કેટલાક આંકડા પર નજર કરીએ: વિરાટે અત્યાર સુધીમાં 29 ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. તેણે કુલ 8,947 ટેસ્ટ-રન બનાવ્યા છે. જોકે છેલ્લા ચાર વર્ષમાં વિરાટના બૅટમાંથી બહુ રન નથી બન્યા. સ્પિનર્સ એની પાછળ સૌથી મોટું કારણ છે. 2021ના વર્ષ પછી અત્યાર સુધીમાં તે 28 ટેસ્ટ રમ્યો છે અને એ દરમ્યાન 21 વખત તેને સ્પિનરે આઉટ કર્યો છે. 24 વખત તે પેસ બોલરનો શિકાર થયો છે.
વિરાટ પાંચ વાર સ્પિનરની બોલિંગમાં ફીલ્ડરને કૅચ આપી બેઠો છે અને એક વખત વિકેટકીપરના હાથમાં કૅચઆઉટ થયો છે. એક વાર તે સ્ટમ્પ-આઉટ થયો છે અને પાંચ વખત સ્પિનરે વિરાટને ક્લીન બોલ્ડ કરવામાં સફળતા મેળવી છે. એ ઉપરાંત, નવ વખત વિરાટ એલબીડબ્લ્યૂ થયો છે.
દરમ્યાન, બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની તૈયારી જોરશોરમાં થઈ રહી છે ત્યારે વિરાટને લગતા વધુ આંકડા પર નજર કરીએ તો 2021ની સાલ પછી વિરાટનો રાઇટ-હૅન્ડ સ્પિનરે અને નવ વખત લેફ્ટ-આર્મ સ્પિનરે 12 વખત શિકાર કર્યો છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી જેવા દેખાતા આ ફીલ્ડરે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી!
2021ની સાલ બાદ વિરાટને સ્પિનર્સમાં સૌથી વધુ વખત ઑસ્ટ્રેલિયાના રાઇટ-હૅન્ડ સ્પિનર ટૉટ મર્ફીએ અને ઇંગ્લૅન્ડના મોઇન અલીએ આઉટ કર્યો છે.
હવે વિરાટે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં એજાઝ પટેલ, ઇશ સોઢી, મિચલ સૅન્ટનરથી ખાસ ચેતવું પડશે.
પાછલી આઠ ટેસ્ટ ઇનિંગ્સમાં વિરાટની માત્ર એક હાફ સેન્ચુરી છે. તે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં પણ ધમાકેદાર બૅટિંગ નહોતો કરી શક્યો. એમાં તેના રન આ મુજબ હતા: 6, 17, 47 અને 29 અણનમ.