તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

સ્વાસ્થ્ય સુધા : કાચા પપૈયાના અધધધ…છે ગુણો

-શ્રીલેખા યાજ્ઞિક

નવરાત્રિમાં ભક્તિની સાથે ગરબામાં ઝૂમવાની મઝા કાંઈક હટકે હોય છે. તેનો આનંદ શબ્દોમાં વર્ણવી શકવો ભક્તો માટે મુશ્કેલ છે. માની આરાધના વ્યક્તિના આત્માને ઝંઝોળી દેતી હોય છે. વિજયાદશમીનો સાચો અર્થ જાણવો છે ‘દુષ્ટ વિચારો ઉપર સકારાત્મક્તાનો વિજય.’ મનની શક્તિને મજબૂત બનાવવાનો અવસર. દશેરાના પર્વમાં પેટ ભરીને ગુજરાતીઓ ફાફડા-જલેબીની મોજ માણી લેતા હોય છે. ફાફડાની ખરી મોજ તેની સાથે પીરસાતી કઢી, તળેલાં લીલા મરચાં સાથે પીરસાતો પપૈયાનો સ્વાદિષ્ટ સંભારો ગણાય છે. ફાફડા -જલેબીની સાથે કાચું -પાકું પપૈયાનું છીણ ખાસ ખવાતું હોય છે. ગુજરાતીઓ માટે તો પપૈયાનો સંભારો અનિવાર્ય વાનગી બની ગઈ છે. પપૈયું એક એવું ફળ છે જે બારે માસ સરળતાથી મળી રહે છે. વળી જેટલું સ્વાદિષ્ટ પાકું પપૈયું લાગે છે તેથી વધુ કાચું પપૈયું સ્વાદિષ્ટ હોય છે. તેથી જ આહારતજજ્ઞો કાચા પપૈયાને આહારમાં નિયમિત સમાવેશ કરવાની સલાહ આપતાં હોય છે. અગણિત ફાયદા ધરાવતું પપૈયું ઔષધિય ગુણોથી સમૃદ્ધ ફળ ગણાય છે. તેથી જ તેમાં અનેક બિમારીનો રામબાણ ઈલાજ સમાયેલો છે. આજે આપણે દેખાવે આકર્ષક તેવા લીલાછમ કાચા પપૈયાના આરોગ્યવર્ધક લાભ વિશે જાણકારી મેળવીશું.

પાચનશક્તિ મજબૂત બનાવવામાં મદદરૂપ: કાચું પપૈયું પાચન શક્તિને મજબૂત બનાવવામાં અત્યંત ઉપયોગી ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં રહેલી ફાઈબર તથા પાણીની માત્રા. પપૈયાના સેવનથી કબજિયાત દૂર થાય છે. ફાફડા જેવી તળેલી વાનગી સ્વાદ-સભર ગણાય છે. બદલાતા મોસમને કારણે તે પચવામાં ભારી છે. આથી પપૈયાના છીણની સાથે ફાફડા ખાવાથી પાચનશક્તિની સમતુલા જળવાઈ રહે છે. ખુબ જ જાણીતા પુસ્તક ‘હિલીંગ ફૂડસ્’માં જણાવવામાં આવ્યું છે કે કાચા પપૈયામાં ડાયજેસ્ટિવ ઍન્ઝાઈમ ‘પપૈન ’ સમાયેલું છેે. જે કૉલોન તથા આંતરડાની સફાઈ કરવામાં મદદરૂપ બને છે. તળેલું તથા તીખું ભોજન કરવાથી અનેક વખત છાતીમાં બળતરા કે કબજિયાતની સમસ્યા થતી હોય છે. આવા સંજાગોથી બચવા માટે કાચા પપૈયાનું સેવન રામબાણ ઈલાજ ગણાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી: કાચું પપૈયું ફાઈબરથી સમૃદ્ધ હોય છે. તેનો આહારમાં સમાવેશ ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. કૅલરીની વાત કરીએ તો પપૈયામાં ઘણી ઓછી હોય છે. સ્ટાર્ચની માત્રા વધુ હોય છે. તેથી તેનો આહારમાં નિયમિત વિવિધ રીતે ઉપયોગ કરવાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

કૉલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે : અનેક સંશોધન બાદ સાબિત થયું છે કે કાચું પપૈયું કૉલેસ્ટ્રોલના નિયંત્રણમાં અસરકારક ગણાય છે. તેથી કૉલેસ્ટ્રોલની માત્રા જેમની વધુ હોય તેમણે કાચું પપૈયું આહારમાં લેવું જોઈએ. એટલે કે તળેલાં ફાફડાનો સ્વાદ માણો ત્યારે ફાફડાં ઓછા ખાવા પરંતું કાચા પપૈયાનું છીણ છૂટથી ખાવું.

આંખની તંદુરસ્તી વધારે છે : ઘણાં ઓછા લોકોને ખબર હશે કે કાચા પપૈયાનો આહારમાં સમાવેશ કરવાથી આંખોનું આરોગ્ય જળવાઈ રહે છે. બ્રિટીશ જર્નલ ઑફ ન્યૂટ્રિશન દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન પ્રમાણે કાચા પપૈયામાં કૈરોટોનૉઈડસ્
હોય છે. જે શરીરમાં વિટામિન એ બનાવવામાં ઉપયોગી બને છે. કાચા પપૈયામાં વિટામિન એની માત્રા ગાજર તથા ટમેંટા કરતાં વધુ સમાયેલી છે. આથી અન્ય શાકભાજી સાથે કાચા પપૈયાના ઉપયોગ નિયમિત કરવો જોઈએ.

શરીરમાં રહેલાં ઊંડા ઘાવ ભરવામાં ગુણકારી : કાચા પપૈયામાં રહેલી ન્યૂટ્રિશનલ પ્રોફાઈલ એવો છે જેને લીધે ક્યારેક વાગવાને કારણે પડેલાં ઘા ની રૂઝ આવવામાં મદદ કરી શકે છે. કાચા પપૈયામાં રહેલાં ઍન્ઝાઈમ તથા પોષક તત્ત્વોને કારણે ઘા ઝડપથી ભરાઈ જતાં હોય છે. ફાઈટોન્યૂટ્રિઍન્ટસ્ નવી કોશિકા બનાવવામાં મદદ કરે છે. દુખાવો તેમજ સોજાને કારણે થતાં કળતરમાં મદદ કરે છે.

શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ : કાચા પપૈયામાં રહેલાં મિનરલ્સ તથા વિટામિન સંપૂર્ણ શરીર માટે ડિટોક્સીફાયરનું કામ કરે છે. વળી ફાઈબરને કારણે શરીરમાં રહેલો કચરો સાફ કરવામાં મદદ કરે છે. કાચા પપૈયામાં રહેલાં ઍન્ઝાઈમ તથા ફાઈટો ન્યૂટ્રિઍન્ટસ સેલને થયેલાં નુકસાનથી બચવામાં મદદ કરે છે. કાચા પપૈયા માટે એવું કહેવાય છે કે તેના સેવનથી તેમાં રહેલું લેટેક્સ ઍન્ઝાઈમ શરીરની અંદરથી સફાઈ કરવામાં મદદ કરે છે.

ચમકીલી ત્વચા માટે ગુણકારી : કાચા પપૈયામાં વિટામિન સીની માત્રા ભરપૂર હોય છે. જે ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે. મૃત કોશિકાને દૂર કરે છે.

ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે શરીરમાં રહેલાં ઝેરી પદાર્થને સાફ કરવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી ચહેરા ઉપર વારંવાર દેખાતા ખીલ તથા કાળા ડાઘ ઘટે છે.

ખરતાં વાળને અટકાવે છે: વાળ ખરતાં હોચ તેમણે ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર ચીજોનું સેવન કરવું જોઈએ. પપૈયાના પાનમાં ઍન્ટિફંગલ ગુણ હોય છે. જે ખોડાની તકલીફથી બચાવે છે. પાનને બારીક કાપી લેવાં. તેને મિક્સરમાં વાટી લઈને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દેવું. સ્વાદ વધારવા માટે તેમાં સંચળ તથા લીંબૂનો રસ ભેળવવો.

મહિલાઓએ ખાસ સેવન કરવું જોઈએ: અનેક કારણોસર પુરુષોની સરખામણીમાં બહેનોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. પિરિયડસ્ તથા ગર્ભાવસ્થાને કારણે મહિલાઓમાં વિટામિન્સની ઉણપ વધુ જોવા છે. પિરિયડસ્ના દુખાવામાં રાહત મળે છે. ઓક્સીટોસીન તથા પ્રોસ્ટાગ્લૈડીનની માત્રામાં વધારો થાય છે, જે પિરિયડસ્ના દુખાવામાં રાહત આપવામાં મુખ્ય ભાગ ભજવે છે. કાચું પપૈયું પેટની સાથે જોડાયેલી બિમારીથી બચાવે છે. તેનું મુખ્ય કારણ તેમાં પોટેશ્યિમ, મેગ્નેશ્યિમ જેવા મિનરલ્સ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્તનપાન કરાવતી માતાએ કાચું પપૈયાનું સેવન ખાસ કરવું જોઈએ.

કાચું પપૈયું વિવિધ રીતે ખાઈ શકાય. તેને છીણીને તેમાં સંચળ-લાલ મરચું, કોથમીર ભેળવીને સંભારો બનાવી શકાય. કાચા પપૈયાનું શાક , પૌઆ-પપૈયા, પપૈયા-મગનીદાળ(કુટ્ટુ), મણીપુરી સલાડ(સિંગજૂ), કાચા પપૈયા અવિયલ દક્ષિણ ભારતીય વાનગી, કાચા પપૈયાના કોફ્તા તેમજ ખીર બનાવીને ખાઈ શકાય છે.

પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. પપૈયાનું વૃક્ષ સંપૂર્ણ શરીર માટે અત્યંત ગુણકારી છે. ડેન્ગ્યૂને કારણે આવતાં તાવમાં પપૈયાના પાનનો રસ ઉપયોગી ગણાય છે. તેના પાનનો રસ લોહીમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલી અલ્કલાઈનની માત્રા વાળ ખરવા તથા ખોડાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ તથા વિટામિન બીનું પ્રમાણ ભરપૂર છે. પપૈયાના પાનની ચા, પાનનો રસ તથા પાનની ગોળીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.

કાચું પપૈયું-પૌઆ
સામગ્રી : ૧ કપ લાલ જાડા પૌઆ, ૧ કપ સફેદ જાડા પૌઆ, ૧ કપ છીણેલું કાચું પપૈયું, ૧ નંગ લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૧૦-૧૨ નંગ તળેલી સીંગ, ૪-૫ નંગ મીઠો લીમડો, ૨ ચમચી લીંબૂનો રસ, ૨ ચમચી ખાંડ, સ્વાદાનુસાર મીઠું, ૨ નંગ લીલા મરચાં ઝીણા સમારેલાં, ૧ ચમચી આદુની કતરણ, સજાવટ માટે કોથમીર, દ્રાક્ષ, વઘાર માટે ૩ ચમચી તેલ, રાઈ, હિંગ
બનાવવાની રીત: સૌ પ્રથમ લાલ તથા સફેદ પૌંઆને ચારણીમાં કાઢીને ધોઈ લેવાં. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં સિંગદાણા તળી લેવા. રાઈ-હિંગ-મીઠા લીમડાનો વઘાર કરી તેમાં પપૈયાનું છીણ સાંતળી
લેવું. લીલા મરચાં, આદુંની કતરણ ભેળવી દેવી. પૌઆ નાંખીને બરાબર મિક્સ કરી લેવું. સ્વાદાનુસાર મીઠું,
ખાંડ, લીંબૂનો રસ ભેળવવો. લીલી ડુંગળી-કોથમીર ભેળવીને સજાવી લેવું, ઉપરથી સિંગદાણા- સૂકી દ્રાક્ષ ગોઠવીને ગરમા-ગરમ સ્વાસ્થ્યવર્ધક -સ્વાદિષ્ટ પપૈયા-પૌઆ પીરસવા.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker