તરોતાઝા

વેર- વિખેર -પ્રકરણ -૮૭

મેં તો પોલીસ અફસર બનવાનો મારું પ્રોમિસ પાળ્યું… આવતીકાલે હું પોલીસ કમિશનર પણ બની જઈશ, પણ તું ફરી ગયો, તું સ્મગલર ન બન્યો…!

કિરણ રાયવડેરા

ગાયત્રી ધબકતાં હ્ર્દયે જગમોાહનના બેડરુમમાં પ્રવેશી ન થોડક ક્ષણોની ચુપકીદી બાદ દીવાન પરિવારના દરેકને બે ચીસ સાંભળવા મળી:
પહેલી ચીસ જગમોહનને હતી..

બીજો ચિત્કાર હતો ગાયત્રીનો..

ઘરના દરેક જણ જગમોહનના બેડરૂમ તરફ દોડ્યાં.

એ પળે કોલકાતામાં જગમોહન દીવાનના પરિવારમાં બનેલી દુર્ઘટનાથી અજાણ કબીર ફલાઈટની કાચની બારીમાંથી બહારનાં વાદળ જોઈ રહ્યો હતો. ઊંચાઈએથી કોલકાતા શહેર ખૂબસૂરત લાગતું હતું. દૂરથી દરેક વસ્તુ સુંદર ભાસે છે. લેન્ડિંગ માટે એનાન્સમેન્ટ થઈ ગયું હતું. કબીરે ફલાઈટની ખુરશીનો બેલ્ટ બાંધતા વિચાર્યું કોલકાતા પણ સુંદર લાગતું હતું. શહેરના શરીરમાં એક પણ ડાઘ દૂરથી દેખાતા નહોતા.

આ જ શહેરમાં એણે બચપણ વિતાવ્યું હતું અને યુવાની પણ. આ જ શહેરમાં એણે એના પરમ મિત્ર જગમોહન દીવાન – જગ્ગે સાથે ઘણી ધીંગામસ્તી કરી હતી.

એ દિવસો જ જુદા હતા. સામે અફાટ દરિયા જેવી જિંદગી હાથ ફેલાવીને એમને આવકારતી હતી. અને મનમાં આનંદનાં મોજાં ઘૂઘવતાં હતાં. ગઈકાલનો બોજ નહોતો અને આવતીકાલની ચિંતા નહોતી. જે કરીશું એમાં સફળ જ રહેશું એવો આત્મવિશ્ર્વાસ અને થોડું અભિમાન હતું.

ઉપરથી કોલકાતા શહેરને નિહાળતા કબીર લાલને વિચાર આવી ગયો: આ જ ભૂમિ પર માબાપના દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ જમીન સાથે નાતો કેમ તૂટે!

કબીરને આશ્ર્ચર્ય થયું કે વર્ષો બાદ આજે એની આંખ ભીની થઈ હતી.

માણસે વચ્ચે વચ્ચે રડી લેવું જોઈએ, કંઈ નહીં તો આંખ તો શુદ્ધ રહે, પોતાના જ વિચાર પર કબીરને હસવું આવી ગયું.

કોલકાતાએ ઘણું ઘણું આપ્યું હતું અને ઘણું ઘણું લઈ લીધું હતું. જગમોહન જેવો મિત્ર આપ્યો હતો. ત્યારે તો એવું જ લાગતું હતું કે જિંદગીમાં જુદા નહીં પડાય.

‘મારે પોલીસ ઑફિસર બનવું છે.’ કબીર હાથથી રિવોલ્વર ચલાવવાનો અભિનય કરીને કહેતો. ત્યારે જગમોહન બોલી ઊઠતો: ‘તો તો મારે સ્મગલર બનવું પડશે. હિન્દી ફિલ્મોમાં આવું જ બનતું હોય છે ને!’ બને હસી પડતા. સીધા રસ્તા પર પૂરપાટ દોડતી બે ગાડી અચાનક વળાંક આવતાં કેવી અલગ પડી જાય એવી રીતે બે મિત્રો જુદા પડી ગયા.

પોલીસ ઑફિસર બનવાની મહત્ત્વકાંક્ષા કબીરને કોલકાતાની બહાર ખેંચી ગઈ. જગમોહન કોલકાતામાં જ ઉદ્યોગજગતમાં સફળતાનાં એક પછી એક શિખર સર કરતો ગયો. પોલીસ ટ્રનિંગ બાદ કબીર મુંબઈ સેટલ થઈ ગયો. ફોન પર અવારનવાર વાતચીત થાય, ઘણીવાર કબીર જગ્ગેને ચીડાવતો: ‘મેં તો પોલીસ અફસર બનવાનું મારું પ્રોમિસ પાળ્યું પણ તું ફરી ગયો, તું સ્મગલર ન બન્યો.’ જગમોહન ત્યારે ખડખડાટ હસી પડતો. કબીરને લાગતું કે જગમોહન શરૂઆતનાં વર્ષોમાં જેટલો ખુલ્લા મને હસી શકતો એ પછી ક્યારેય એનું ખડખડાટ હાસ્ય સાંભળવા મળતું નહીં. કંઈક એવું હતું કે જેને અંદરથી કોરી ખાતું. કોઈ ચિંતા, કોઈ એવી સમસ્યા જેના વિશે જગમોહને આજ સુધી ઉલ્લેખ નહોતો કર્યો.

‘શુંં હવાલદારથી આગળ વધ્યો કે નહીં?’ જગમોહન ત્યારે ટીખળ કરતો. ‘શટ અપ દોસ્ત, ડેપ્યુટી કમિશનર છું. બે મહિનામાં કમિશનર બનાવી દે તેવી શકયતા છે.’ કબીર પોરસ ખાતો.

‘વાહ, દોસ્ત જ્યારે પોલીસ ખાતામાં ઉચ્ચ સ્તરે હોય ત્યારે ગુનો કરવાની ઈચ્છા થઈ આવે, ફસાઈ જઈએ તો કોઈ છોડાવી તો શકે…’ જગમોહન કહેતો.

‘રહેવા દે મિત્ર, તું બિઝનેસ કર, ગુનો કરવાનું કામ તારું નહીં.’ કબીર જવાબ આપતો. છેલ્લાં કેટલાંય વરસોથી બંને વચ્ચે વાતચીત અનિયમિત થતી ગઈ. મુખ્ય કારણ તો એ હતું કે બંને પોતપોતાના ક્ષેત્રમાં વધુ ને વધુ વ્યસ્ત થતા ગયા. કબીર લાલ મુંબઈમાં પોલીસ કમિશનર બની ગયો અને જગમોહન દીવાન કોલકાતાનો અગ્રણી ઉદ્યોગપતિ.

વિમાનની બારીના કાચથી નજીક આવતા જતા કોલકાતા શહેરને જોતાં કબીર વિચારતો હતો કે વ્યવસાયની વ્યસ્તતા ઉપરાંત કોઈ બીજું કારણ પણ હતું જે બંને મિત્રો વચ્ચેનું અંતર વધારી રહ્યું હતું. શું જગમોહન દેખાય છે એટલો સુખી નહોતો? કંઈક એવું હતું જે જગમોહન એનાથી છુપાવતો હતો. શું જગમોહન અને પ્રભાનું દામ્પત્યજીવન સુખી નહોતું? કબીર જ્યારે ફોન કરે ત્યારે જગમોહન આત્મીયતાથી વાત કરે, એની વાતચીતમાં એવી જ હૂંફ વર્તાય. પણ જગમોહન સામેથી ફોન ન કરે, કદાચ એને કબીરની યાદ નહોતી આવતી અથવા બિઝનેસ સિવાય બીજી પણ કોઈ સમસ્યા હતી જે એને સતત વ્યસ્ત રાખતી હતી. કબીર, છેવટે તું પરણ્યો નહીં, ગુનેગારો વચ્ચે આટલો બિઝી થઈ ગયો કે કોઈને ગૃહિણી બનાવી ન શક્યો?’ જગમોહન ફરિયાદ કરતો.

‘ના દોસ્ત, સાચું કહું તો હું પરણવાનું જ ભૂલી ગયો. કેરિયર બનાવવામાં
એટલો સમય લાગી ગયો કે મેરેજ કરવાનું યાદ જ ન આવ્યું. જો કે એક રીતે સારું થયું, પરણ્યો હોત તો મિત્રને ભૂલી જાત, તારી જેમ…’

‘કબીર એક વાર બોલી ગયો હતો ત્યારે જગમોહન સિરીયસ થઈ ગયો હતો. ત્યારે કબીરને લાગ્યું હતું કે કહો ના કહો પણ જગમોહન સાથે ફાંસલો વધવાનું કારણ પ્રભા છે. પરણ્યા ન હોઈએ તો ઘરે આવવાનો હેતુ જ ન રહે.’

‘કબીર ત્યારે વાતાવરણને હળવું કરવા બોલ્યો હતો. પણ જગમોહનનો ઉત્તર સાંભળીને એે ઠંડો પડી ગયો હતો.

‘પરણ્યા ન હોઈએ ત્યારે ઘરે આવવાની ફિકર જ ન રહે.’ સમય પસાર થતો ગયો અને બંને વચ્ચે વાતચીત ઓછી થતી ગઈ. વાત થાય ત્યારે એટલી જ હૂંફ અનુભવાય, પણ ઘણી વાર અઠવાડિયા અને મહિનાઓ પસાર થઈ જાય.

કબીરને ઘણી વાર લાગતું કે સંબંધો પર બાઝેલી સમયની ધૂળ અવારનવાર ફૂંક મારીને ખંખેરવી જોઈએ. કબીર નિવૃત થઈને પૂણે સેટલ થઈ ગયો.

‘મને આ શહેર ગમે છે, નાનું પણ છે અને મોર્ડન પણ… મોકળાશ પણ આપે છે અને આત્મીયતા પણ…’ જગમોહનની પૃચ્છાના જવાબમાં કબીરે ખુલાસો કર્યો હતો. બંને વચ્ચે એક મહિના બાદ હજી ગયા અઠવાડિયે જ વાતચીત થઈ હતી. કોલકાતાનો ડિસોઝા ઈન્સ્પેક્ટર શિંદેને મળી ગયો હતો. એના કહેવા પ્રમાણે જગમોહન કોઈ ટેન્શનમાં હોય એવું લાગતું હતું.શિંદેનો રિપોર્ટ સાંભળીને કબીરને ઈચ્છા થઈ આવી હતી જગમોહન સાથે વાત કરવાની…

સવારના ચાર વાગે એણે ફોન કર્યો હતો ત્યારે જગ્ગેએ પહેલી જ ઘંચડી વાગતા ફોન ઊંચકી લીધો હતો. ત્યારે જ કબીરની ચિંતામાં વધારો થઈ ગયો હતો. જગમોહન આટલી મોડી રાત સુધી શા માટે જાગે છે? ત્યારે કબીરે પૂછેલું: ‘જગ્ગે, હત્યા કે આત્મહત્યાના પ્લાન તો નથી બનાવતો ને?’ જગમોહન હત્યા કરી શકે એટલો ક્રૂર નહોતો કે આત્મહત્યા કરી શકે એટલો નબળો નહોતો,પણ જગમોહનમાં એક દોષ હતો. એ અત્યંત સંવેદનશીલ હતો.

ત્યારે કબીરે કહ્યું હતું: ‘દોસ્ત, દાર્જિલિંગ સાથે જશું. ત્યાં ખૂબ જ પીશું અને ધમાલ મચાવશું, ડન?’

જગમોહને એની સંમતિ દર્શાવી હતી. આજે એનું પ્લેન કોલકાતા એરપોર્ટ પર પાંચ મિનિટમાં લેન્ડ કરશે. કબીરે ઘડિયાળ સામે જોયું સાડા છમાં પાંચ મિનિટ બાકી હતી.

‘ગઈ કાલે જ ઈન્સ્પેક્ટર શિંદે સાથે ફોનમાં વાત થઈ હતી. એ હજી હોસ્પિટલમાં જ હતો. ડોક્ટરના કહેવા પ્રમાણે હજી ત્રણ ચાર દિવસ એને હોસ્પિટલમાં રહેવું પડશે.

‘સર,’ ઈન્સ્પેક્ટર શિંદેએ હોસ્પિટલના બેડ પરથી એને રિપોર્ટ આપ્યો હતો: ‘જગમોહન દીવાન વિશે ખૂબ જ ડિસ્ટર્બિંગ રિપોર્ટ મળે છે. એવું લાગે છે કે જાણે અચાનક એના ઘણાબધા દુશ્મનો ઊભા થઈ ગયા છે.’ ‘ડોન્ટ વરી, શિંદે’ કબીરે ત્યારે શિંદેને ધરપત આપી હતી, ‘હવે હું જાઉં છું સો ઘેર વીલ બી નો પ્રોબ્લેમ્સ.’

થોડી જ ક્ષણોમાં પ્લેન કોલકાતાના રનવે પર લેન્ડિંગ કરશે. અચાનક શહેરની ધરતી ખૂબ જ પાસે આવી ગઈ હતી. એક ઝટકા સાથે પ્લેનનાં ટાયર રનવે સાથે અથડાયાં અને પ્લેન રનવે પર દોડવા માંડ્યું. આ ઉંમરે પણ ટેકઓફ કે લેન્ડ કરે ત્યારે ભયનું લખલખું શરીરમાં ફરી વળે છે, કબીરે વિચાર્યું. અચાનક એના મનમાં એક વિચાર ઝબકી ગયો: ‘હું પહોંચું ત્યાં સુધી જગમોહનને કાંઈ ન થાય તો સારું!’


વિક્રમે જોયું કે પૂજા નસકોરાં બોલાવી રહી હતી. એણે ઘડિયાળમાં નજર નાખી. સાંજના પોણા પાંચ થયા હતા. એણે થોડી વાર પહેલાં જ પૂજાને તાકીદ કરી હતી:
‘મહેરબાની કરીને સૂઈ ન જતી, નહીંતર પાછી ઊંઘમાં ચાલવા માંડીશ’ ત્યારે પૂજાએ છણકો કરતાં કહ્યું હતું કે, ઊંઘ અને ઊંઘમાં ચાલવાની આદત એ બંને વસ્તુ પર મારો કંટ્રોલ નથી.

આજે પપ્પાએ ઑફિસ જવાની ના પાડી હતી એટલે બધાંએ ઘરમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. ચાલુ દિવસે ઘરમાં રહેવું પડે એ પુરુષને માટે સજા છે, વિક્રમે વિચાર્યું. પછી તુરત જ પોતાનો વિચાર એણે ફેરવી તોળ્યો. પોતાના ઘરે રહેવું પડે એ સજારૂપ છે. શ્યામલીના ઘરે ચાલુ દિવસે રહેવમાં પણ આનંદ આવે છે.

બહાર ખખડાટ થવાનો અવાજ આવતાં વિક્રમ ચમક્યો પણ ‘બપોરના કોણ ચોર ઘૂસી આવવાનું છે’ એમ વિચારીને એ પડ્યો રહ્યો. ત્યારે એને પૂજાનાં નસકોરાં સંભળાયાં. પપ્પાએ કબીર અંકલને એરપોર્ટ પર રિસિવ કરવાની શા માટે ના પાડી દીધી એ વિક્રમને સમજાયું નહીં. કદાચ એ કોઈ જોખમ નહોતા માગતા.

એક વાર કબીર અંકલ આવી જાય તો સારું… એમના આવવાથી પપ્પાનું મન શાંત પડશે અને કદાચ ઘરના વાતાવરણમાં પણ પરિવર્તન આવશે.

આ વખતે કબીર અંકલને ઘરની હાલત વિશે વાકેફ કરી દેવા છે… પૈસો, સુખ હોવા છતાંય ઘરમાં શાંતિ નથી. પપ્પા-મમ્મી વચ્ચેના મતભેદોનો પડછાયો હવે બાપ-દીકરાના સંબંધ પર પણ પડવા લાગ્યો હતો. હવે પપ્પાને દરેક સાથે વાંકું પડતું હતું. અચાનક પૂજાનાં નસકોરાં સંભળાતાં બંધ થઈ ગયાં, પાણીનું મશીન અચાનક બંધ પડે ત્યારે વાતાવરણમાંથી કોઈએ કાંઈ આંચકીને લઈ લીધું હોય એવી પ્રતીતિ વિક્રમને થઈ. એણે પૂજા તરફ જોયું. ‘પૂજાની આંખ ખુલ્લી હતી. વિક્રમ ડરી ગયો. પૂજાને એણે ઢંઢોળી: પૂજા… સાંભળ…પૂજા.’ પણ પૂજા ખુલ્લી આંખે ગાઢ ઊંઘમાં હતી. એ ઊભી થઈ અને બારણા તરફ આગળ વધી.

વિક્રમ થથરી ગયો. નિંદ્રામાં ચાલવાનો રોગ આટલો ભયંકર હોઈ શકે એવી એને કલ્પના પણ નહોતી. હવે શું કરવું જોઈએ? પૂજાને રોકવી જોઈએ કે પછી…? પૂજા બારણા તરફ ધીમા પગલે આગળ વધતી હતી.
એક વાર તો ઈચ્છા થઈ આવી કે પૂજાને ઢંઢોળીને એને ઊંઘમાંથી
ઉઠાવી દેવી જોઈએ. પણ વિક્રમ કંઈ કરે એ પહેલાં જ પૂજા બહાર નીકળી ગઈ. વિક્રમ એની પાચળ દોડ્યો. પાંચ મિનિટ પછી બે ચીસ સંભળઈ. પહેલી જગમોહનની હતી. બીજી કદાચ ગાયત્રીની હતી અથવા પૂજાની હતી.


‘સારું થયું તારો બાપ દેશનો પ્રાઈમ મિનિસ્ટર ન થયો, નહીંતર એ ડિકટેટર બની જાત…’ જતીનકુમારે કટાક્ષમાં રેવતીને સંભળાવ્યું. દુનિયાથી હારેલો નબળો પુરુષ લાગ મળે ત્યારે પત્નીનાં મા- બાપને પોતાનું લક્ષ્ય બનાવે એમ જતીનકુમાર પણ એક પણ તક જતી નહોતા કરતા.

‘હવે મારા પપ્પાએ તમારું શું બગાડ્યું?’ જતીનકુમારનાં વ્યંગબાણ રેવતીને કોઠે પડી ગયાં હતાં છતાં વિશે કોઈ અણછાજતું બોલે એ કેમ ચલાવી લેવાય? ‘બીજું શું….? તને રૂપિયા આપવાની ના પાડીને તગેડી મૂકી. તું પણ એવી ભોટ કે ધોયેલ મૂળાની જેમ ચૂપચાપ આવી ગઈ. તારા બદલે હું હોત તો …’ જતીનકુમારનો ગુસ્સો હજી શમતો નહોતો. ગઈકાલે રાતના એણે રેવતીને સમજાવીને મોકલી હતી કે તારા બાપ પાસેથી પચાસ લાખ રૂપિયા માગી આવ. પચાસ નહીં તો છેવટે પચ્ચીસ તો આપશે જ એવી જમાઈબાબુને આશા હતી. સસરાએ ફૂટી કોડી ન પરખાવી એ જોઈને એને ખૂબ લાગી આવ્યું હતું. સવારથી એ વારંવાર પત્ની પર પોતાની દાઝ કાઢતા હતા.

‘એક તો રૂપિયા આપવા નહીં, અને વળી આપણને અહીં નજરકેદ રાખ્યાં છે. અરે બપોરે કોઈ ખૂની નવરો છે કે તમારી હત્યા કરવા દોડી આવે… અમારા સમયની કોઈ કિંમત ખરી કે નહીં?’ જતીનકુમારે ફરી એક વાર બળાપો કાઢ્યો અને પછી અચાનક પૂછ્યું :
‘તને શું લાગે છે રેવતી, કોણ તારા બાપનું ખૂન કરવા માગે છે?’
(ક્રમશ:)

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker