ડ્રેગનનો ખતરો વધ્યો: પેંગોંગ લેકની નજીક ચીને વિશાળ બેઝનું બાંધકામ કર્યું, ભારત માટે ચિંતા
નવી દિલ્હી: ચીન છેલ્લા ઘણા સમયથી લદાખ સાથે જોડાયેલા સરહદી વિસ્તારમાં બાંધકામ (China’s construction near Ladakh) કરી રહ્યું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. તાજેતરમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ ચીને પેંગોંગ લેકના ઉત્તર કિનારે એક વિશાળ બેઝ બાંધ્યો છે. વરિષ્ઠ ભારતીય સૈન્ય સૂત્રોએ સેટેલાઇટ ઇમેજનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે આ સાઇટ અગાઉની તમામ સાઈટ કરતા અલગ.
જેની તસવીરો આ અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવી એ સાઈટ, LACથી 36 કિલોમીટર પૂર્વમાં ચીનના કબજા હેઠળના પ્રદેશ પર આવેલી છે. આ સાઈટ ચીને લદ્દાખમાં પેંગોંગ સરોવર બાંધેલા પુલના આશરે 15 કિમી પૂર્વમાં છે. LAC નજીકના વિસ્તારોમાં દબાણ વધારવા ચીનનું આ વધુ એક પગલું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ સાઈટ પર 70 થી વધુ કાયમી બાંધકામો છે, આ બાંધકામો વિશાળ વિસ્તારમાં વિખેરાયેલા છે. મિસાઇલ હુમલાની સંભવિત અસરને ઘટાડવા માટે આ રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. આ સાઇટના બે પ્રાથમિક કાર્યો હોવાનું જણાય છે, સૈનિકોનું રહેઠાણ અને સામાનની હેરફેર.
લશ્કરી નિષ્ણાતો કહે છે, દરેક સ્ટ્રકચરમાં 6-8 સૈનિકો અથવા 10 ટન લોજિસ્ટિક્સ સમાવી શકાય છે. આમાં આર્ટિલરી શેલ્સ સહિત દારૂગોળો શામેલ હોઈ શકે છે. ક્રેન્સ સહિતની ભારે મશીનરી અને સપ્લાય ડેપોને જોતા જણાય છે કે આ વિસ્તારમાં મોટાપાયે બાંધકામ ચાલી રહ્યું છે.
નિષ્ણાતોના કહ્યા મુજબ આ બેઝમાં વહીવટી કચેરીઓ સહીત કેટલીક બે માળની ઇમારતો બાંધવામાં આવી છે. વીજળી પહોંચાડવા માટે પ્રયાસો થઇ રહ્યા છે, કારણ કે સાઉથ હાઈવે પરથી વીજ લાઈનો ખેંચવામાં આવી રહી છે.