આચારસંહિતા લાગુ થતા પહેલા જ મહાયુતિના 7 નેતાઓ વિધાન પરિષદના સભ્ય બનશે
મુંબઇઃ મંગળવારે એટલે કે આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઇ જશે. એ પહેલા રાજ્યપાલ દ્વારા નિયુક્ત સાત MLCનો શપથ ગ્રહણ સમારોહ આજે (15 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 એમએલસી પદોમાંથી, સાતના નામ રાજ્યપાલને મોકલવામાં આવ્યા છે, જ્યારે પાંચ બેઠકો હજી ખાલી છે.
સાતમાંથી ભાજપને ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે, અને એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને બે-બે બેઠકો ફાળવવામાં આવી છે. આ સમારોહ ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી મંજૂરી મળ્યા બાદ સોમવારે આ ફાઇલ રાજ્યપાલને મોકલવામાં આવી હતી અને મોડી રાત્રે રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી.
ભાજપ તરફથી મહિલા અઘાડીના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાળા, પ્રદેશ મહાસચિવ વિક્રાંત પાટીલ અને વાશિમ જિલ્લાના પોહરાદેવી સંસ્થાનના બાબુસિંહ મહારાજ રાઠોડ (બંજારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શિવસેના દ્વારા પૂર્વ સાંસદ હેમંત પાટીલ અને પૂર્વ ધારાસભ્ય મનીષા કાયંદેની પસંદગી કરવામાં આવી છે, જ્યારે NCP દ્વારા પંકજ ભુજબળ અને ઇદ્રિસ નાયકવાડીને વિધાન પરિષદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તમામ સાત જણ આજે તેમના શપથ લેવા માટે તૈયાર છે.
એકનાથ શિંદેએ હેમંત પાટિલ અને મનીષા કાયંદે બંનેને ફરી એકવાર તક આપી છે. કાયંદેનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો હતો. હવે તેમને બીજી તક આપવામાં આવી છે. ભાજપના દબાણને કારણે શરૂઆતમાં હેમંત પાટીલનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ, શિંદેના જૂથ દ્વારા ભાવના ગવળીને પણ વિધાન પરિષદમાં નામાંકિત કરવામાં આવી હતી.
અજિત પવારે પશ્ચિમ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયના નેતા ઇદ્રીસ ઇલ્યાસ નાયકવાડીને તક આપીને સામાજિક સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. ઇદ્રીસ નાયકવાડીએ સાંગલીના ભૂતપૂર્વ મેયર તરીકે સેવા આપી છે. પંકજ ભુજબળને તક આપીને ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Also Read –