સ્પોર્ટસ

એ 5 ખ્યાતનામ ક્રિકેટરો જેમના લગ્ન રહ્યા નિષ્ફળ

ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનના પત્ની આયેશા મુખર્જી સાથેના 9 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. દિલ્હીની કોર્ટ દ્વારા ‘પત્ની દ્વારા આચરવામાં આવેલી માનસિક ક્રૂરતા’ને આધારે છૂટાછેડા માન્ય રાખવામાં આવ્યા છે. ક્રિકેટરોનું લગ્નજીવન હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે ત્યારે જાણીએ એવા 5 સફળ કારકિર્દી ધરાવતા ક્રિકેટરો વિશે જેઓ દામપત્યજીવનની ઇનિંગ રમવામાં સદંતર નિષ્ફળ ગયા હતા.

  1. દિનેશ કાર્તિક અને નિકીતા વણજારા: શિખર ધવનની જેમ જ દિનેશ કાર્તિક તેની પત્ની દ્વારા અપમાનિત થયો હતો. નિકીતા વણજારા અને દિનેશ કાર્તિક બાળપણના મિત્રો હતા અને તેમણે 2007માં લગ્ન કર્યા હતા. જો કે IPL 2012 દરમિયાન મુરલી વિજય સાથે નિકીતાની મિત્રતા થઇ અને આ મિત્રતા લગ્નેતર સંબંધોમાં પરિણમી. જ્યારે દિનેશને આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત દુ:ખી થઇ ગયો હતો. બંનેના છૂટાછેડા બાદ હવે નિકીતા વણજારાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા છે. તો બીજી તરફ દિનેશ પણ સ્કવોશ ખેલાડી દિપીકા પલ્લીકલ સાથે લગ્નસંસાર માંડી સુખી છે.
  2. મોહમ્મદ અઝહરુદ્દીન અને નૌરીન: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું અભિનેત્રી સંગીતા બિજલાની સાથે ઘણા લાંબા સમય સુધી અફેર રહ્યું. તેને કારણે અઝહરુદ્દીને પહેલી પત્ની નૌરીનને વર્ષ 1996માં છૂટાછેડા પણ આપી દીધા. જો કે સંગીતા સાથેનું પણ તેમનું લગ્નજીવન ટકી શક્યું નહિ અને વર્ષો બાદ આ બંનેના પણ છૂટાછેડા થઇ ગયા.
  3. માઇકલ ક્લાર્ક અને કાઇલી: ઓસ્ટ્રેલિયન ક્રિક્ટ ટીમના કેપ્ટન માઇકલ ક્લાર્ક અને કાઇલીએ સાત વર્ષના લગ્નજીવનનો 2019માં અંત આણી દીધો હતો. જો કે એ પછી પણ માઇકલ અન્ય અફેરને લઇને ઘણીવાર વિવાદ ઉભો કરી ચુક્યો છે. 2023ની શરૂઆતમાં ક્લાર્કનો તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો સાથેનો વિડીયો વાઇરલ થયો હતો જેમાં બંને ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. ક્લાર્કની ગર્લફ્રેન્ડે આરોપ લગાવ્યો હતો કે ક્લાર્કના ફેશન ડિઝાઇનર પીપ એડવર્ડ્ઝ સાથે સંબંધો છે.
  4. વિનોદ કાંબલી અને નોએલા: હંમેશા વિવાદોમાં રહેતા કાંબલીએ 1994માં નોએલા સાથે લગ્ન કર્યા હતા. નોએલા એક હોટલમાં રિસેપ્શનીસ્ટનું કામ કરતી હતી. જો કે પહેલી પત્નીને છૂટાછેડા આપીને તેણે વર્ષ 2010માં ફેશન મોડેલ એન્ડ્રીયા હિવિટ સાથે લગ્ન કર્યા અને હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. પરંતુ બીજી પત્નીએ કાંબલી વિરુદ્ધ પોલીસમાં મારપીટ અને શારીરિક હિંસાની ફરિયાદ નોંધાવી હતી. આટલું ઓછું હોય તેમ 2015માં કાંબલીના ઘરે કામ કરતી મહિલાએ પણ દંપતિ વિરુદ્ધ મારપીટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  5. ઇમરાન ખાન અને જેમિમા/રેહામ: જ્યારે નિષ્ફળ લગ્નજીવનોની વાત ચાલતી હોય ત્યારે આ મહાનુભાવને અચૂકપણે યાદ કરવા પડે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન હાલ જેલનિવાસને માણી રહ્યા છે, પરંતુ તેમની રાજકીય કારકિર્દી કરતા અંગત જીવન કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. પોતાનાથી 20 વર્ષ નાની જેમિમા ગોલ્ડસ્મિથ સાથે ઇમરાને સૌથી પહેલા લગ્ન કર્યા હતા. જો કે તેની પ્લેબોય પ્રકારની પ્રકૃતિ અને રંગીલા સ્વભાવને લીધે સંબંધ ટક્યો નહિ અને જેમિમાએ 2004માં છૂટાછેડા લઇ લીધા. આ પછી પાકિસ્તાન BBCની પત્રકાર રેહમ ખાન સાથે ઇમરાને પ્રભુતામાં બીજીવાર પગલા માંડ્યા. જો કે રેહમ સાથેનું લગ્નજીવન પણ એક વર્ષ માંડ ટક્યું અને તેમના 2015માં છૂટાછેડા થઇ ગયા. ઇમરાને રેહમ સાથેના લગ્નને તેમના ‘જીવનની સૌથી મોટી ભૂલ’ ગણાવી હતી. તેમના સંબંધો પર રેહમે પુસ્તક પણ લખ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button