Shocking: જાણીતા Comedian-અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષે નિધન
મુંબઈ: અનેક હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરી ચૂકેલા તેમ જ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતા બનેલા અભિનેતા અતુલ પરચુરેનું સોમવારે 57 વર્ષની વયે નિધન થયું હતું. તે ફિલ્મો ઉપરાંત અનેક મરાઠી નાટકોમાં પણ અભિનય કરી ચૂક્યા હતા અને મરાઠી રંગભૂમિમાં તેમનું નામ ઘણું સન્માનથી લેવામાં આવે છે.
તેમના નિધનના કારણે મરાઠી સિને જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી અને અનેક મરાઠી કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રખ્યાત અભિનેતા અશોક સરાફે પણ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સહન કરી શકાય એવી વાત નથી. આ ઘટનાથી અમને ખુબ જ દુ:ખ થયું છે. એક ઉત્કૃષ્ટ મરાઠી અભિનેતા સિને જગતે ગુમાવ્યો છે. તે ખૂબ જ સારો અભિનેતા જ નહીં, પરંતુ સારી વ્યક્તિ હતી અને મારો ખૂબ જ સારો મિત્ર પણ હતો.
મરાઠી અભિનેતા જયંત વાડકરને પણ આ સમાચારથી મોટો આંચકો લાગ્યો હતો અને તે પોતાના આંસુ રોકી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘સૂર્યાચી પિલ્લે’ નાટકની તેમની તાલીમ ચાલું હતી. પાંચ દિવસ પહેલા તેમને ફરી પાછી તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સાજા થઇને પાછા આવી જશે એવું લાગતું હતું. શું બોલવું એ જ નથી સમજાતું.