Assembly Election: હરિયાણાના પરિણામોમાંથી કોંગ્રેસે લીધો બોધપાઠ, મહારાષ્ટ્રના નેતાઓને આપી આ સલાહ…
નવી દિલ્હીઃ હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પછી ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા માટે હવે કોંગ્રેસે નેતાઓને એલર્ટ કર્યા છે. હરિયાણાનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં થાય નહીં તેના માટે સોનેરી સલાહ પણ આપી છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્ય કેન્દ્રીય નેતાઓએ મહારાષ્ટ્રના નેતાઓ સાથે મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાની હારનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ નેતૃત્વએ મહારાષ્ટ્રના નેતાઓને સીધી સૂચના આપી છે કે જૂથવાદને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં.
મહારાષ્ટ્રને હરિયાણા નથી બનાવવાનું. મહારાષ્ટ્રમાં મરાઠા-ઓબીસી સંઘર્ષની અસર થવાની સંભાવનાને કારણે કોંગ્રેસ નેતૃત્વ એલર્ટ મોડ પર છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મરાઠા અને ઓબીસી બંને સમુદાયો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે કોઈપણ સંજોગોમાં રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર લાવવાનું કહેવામાં આવ્યું. આ બાબતો ઉપરાંત કેન્દ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં મહારાષ્ટ્રના નેતાઓને મુખ્યત્વે ત્રણ સૂચન આપ્યા છે.
સૌથી પહેલી વાત તો એ છે કે સીએમ ચહેરો કોણ હશે તેના વિવાદમાં પડશો નહીં. આ અંગે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે. તેથી, આ બાબતને લઈને ન તો પાર્ટીમાં કે ગઠબંધનમાં કોઈ જૂથવાદ ન હોવો જોઈએ.
બીજી સલાહ આપી છે કે ગઠબંધનમાં વિવાદિત બેઠકો પર કોઈ પણ રીતે ચર્ચા ન કરવી. તમામ બેઠકો પર જ્યાં ગઠબંધનમાં વિવાદ છે અને ઉદ્ધવ ઠાકરે અથવા શરદ પવારની પાર્ટી દાવો કરી રહી છે, તે બેઠકો પર નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. તેથી આ બેઠકોને લઈને ગઠબંધનમાં કોઈ વિવાદ ન થવો જોઈએ.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મહારાષ્ટ્રના નેતાઓને આપવામાં આવેલી ત્રીજી સૂચના એ છે કે તેઓ મેનિફેસ્ટો પર ચર્ચા ન કરે. આ અંગે કેન્દ્રીય નેતાઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે. જનતા સાથે જોડાયેલા રહો. તેમનું કામ કરાવો. કોંગ્રેસે કરેલા કામો જનતાને યાદ કરાવો. શાસક પક્ષની માત્ર ટીકા પર આધાર રાખશો નહીં. વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ ન બનો અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.