મહારાષ્ટ્રમાં એમવીએના મુખ્ય પ્રધાનના ચહેરા પર કોંગ્રેસનું મોટું નિવેદન, કહ્યું ક્યારે થશે જાહેરાત?
દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, આ દરમિયાન રાજકીય પરિસ્થિતિ બેઠકોની વહેંચણી, ઢંઢેરા વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા, મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સામેલ કોંગ્રેસ તૈયારીઓમાં વ્યસ્ત છે. સોમવારે (14 ઓક્ટોબર) કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હીમાં રાજ્યના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન હરિયાણામાં હાર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતૃત્વે મહારાષ્ટ્રમાં તેના નેતાઓને વધુ પડતા આત્મવિશ્ર્વાસથી બચવા સૂચના આપી છે.
કોંગ્રેસ નેતૃત્વએ મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ બેઠકોની વહેંચણી ઢંઢેરા વગેરે અંગે રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ત્રણ કલાક સુધી વિચાર-વિમર્શ કર્યો હતો. આ પછી પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે મુખ્ય પ્રધાનપદનો નિર્ણય ચૂંટણી પછી લેવામાં આવશે. આગામી દિવસોમાં બેઠકોની વહેંચણીને આખરી ઓપ આપવામાં આવશે.
શું છે શરદ પવાર જૂથનું વલણ?
તમને જણાવી દઈએ કે કોંગ્રેસની સાથે શરદ પવારની એનસીપી (એસપી) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) એમવીએમાં સામેલ છે. શિવસેના (યુબીટી) મુખ્ય પ્રધાનપદનો દાવો કરી રહી છે. જો કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે ચૂંટણી બાદ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીને લઈ ઝારખંડ મુક્તિ મોરચાએ શરૂ કરી તૈયારી, રણનીતિને આપવામાં આવી રહ્યું છે અંતિમ સ્વરૂપ
સંજય રાઉતે આ સંદેશ આપ્યો હતો
શનિવારે (12 ઓક્ટોબર) શિવાજી પાર્ક ખાતે દશેરા રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું ઉદ્ધવ ઠાકરે, તમારે આ જ જમીન પર મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા પડશે. એક મશાલ પ્રગટાવવા માટે એક તણખો પૂરતો છે અને જ્યોત પ્રગટાવવા માટે એક મશાલ પૂરતી છે.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સીએમ પદના પ્રશ્ર્ન પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે રવિવારે (13 ઓક્ટોબર) કહ્યું હતું કે, મહાયુતિને પહેલા તેનો સીએમ ચહેરો જાહેર કરવા દો, પછી અમે તમને જણાવીશું કે અમારો મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ છે. સરકારમાં હોવાથી મહાયુતિએ પહેલા તેનો સીએમ ચહેરો જાહેર કરવો જોઈએ.