બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?
મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ સ્વીકારી છે. બિશ્નોઈ ગેંગ દ્વારા વારંવાર મુંબઈમાં રહેતા કલાકારો તથા અગ્રણીઓને ધમકાવવામાં આવે છે. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર પણ તેણે જ ગોળીબાર કરાવ્યો હતો. તેથી પોલીસને લૉરેન્શ બિશ્નોઈની પૂછપરછ કરવી છે, પરંતુ અત્યાર સુધી તેમને બિશ્નોઈની કસ્ટડી મળી નથી. આ માટે પોલીસ દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા, પણ તેમને સફળતા મળી નથી.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણી વખત બિશ્નોઈની કસ્ટડીની માગણી કરવામાં આવી છે અને આ માટે કોર્ટમાં અરજી પણ કરી છે, પણ હજી સુધી તેની કસ્ટડી મળી નથી. બિશ્નોઈની કસ્ટડી મળવાના માર્ગમાં ગૃહ મંત્રાલયની સીઆરપીસીની કલમ ૨૬૮ અડચણ બની રહી છે, તેથી બિશ્નોઈને ગુજરાતના સાબરમતી જેલમાંથી અન્ય ક્યાંય પણ ખસેડવાની પરવાનગી મળી રહી નથી.
ગૃહ મંત્રાલયનો આ આદેશ અગાઉ ઑગસ્ટ, ૨૦૨૪ સુધી અમલમાં હતો, પણ એક અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશની મુદત વધારવામાં આવી છે. બીજી તરફ મુંબઈ પોલીસ બિશ્નોઈ ગેંગના અન્ય સભ્યોની શોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો :બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?
બિશ્નોઈ જેલમાં બેસીને ગેંગ ચલાવે છે?
સિદ્દીકી હત્યા પ્રકરણે તપાસ ચાલી રહી છે ત્યારે બિશ્ર્નોઇનો જેલનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં બિશ્નોઈ પાકિસ્તાનના ગેંગસ્ટર શાહઝાદ ભટ્ટી સાથે વીડિયો કોલ પર વાત કરતો નજરે પડે છે. તેથી જેલમાં બેસીને બિશ્નોઈ ગેંગ ઓપરેટ કરી રહ્યો હોવાનું ચર્ચામાં આવ્યું છે.