નવી કાર લેવા ગયેલા MNS કાર્યકરની પરિવાર સમક્ષ હત્યા, વીડિયો વાઈરલ…
મુંબઈ: નજીવા કારણોસર વ્યક્તિની હત્યા કરવા કે પરિવારને નુકસાન પહોંચાડવાનું પ્રમાણ વધતું જાય છે, જેમાં તાજેતરમાં મુંબઈના મલાડ ખાતે ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શનિવારના દશેરના દિવસે નવી કાર ખરીદવા ગયેલા પરિવારમાં માતાપિતા-પત્ની સામે હત્યા કરવાનો બનાવ બન્યો હતો, જ્યારે એનો વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ તેની લોકોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી.
હજી શનિવારે જ અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાની ઘટનાથી મહારાષ્ટ્ર ઉભર્યું નથી ત્યાં વધુ એક રાજકીય કાર્યકરની હત્યા થઇ હોવાની ઘટના મલાડમાં બની હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર આકાશ માઇનની હત્યા કરવામાં આવી હતી.
રિક્ષાચાલકો અને સ્થાનિક ફેરિયાઓ સાથે થયેલા વિવાદને પગલે પરિવારની સામે જ 27 વર્ષના આકાશ માઈનની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશે વાત કરતા મનસેના મુંબઈ ઉપાધ્યક્ષ નયન કદમે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ દુર્ઘટના બની તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મૃતક આકાશ મનસેનો સભ્ય હતો. અમે આકાશના કુટુંબીજનોની પડખે અડીખમ ઊભા છીએ. આકાશના માતા દિપાલી મનસેના પદાધિકારી છે અને આકાશના પિતા હાલમાં જ મનસે છોડીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવેસનામાં જોડાયા હતા. જોકે, એ છતાં એ મનસેનો પરિવાર જ છે અને એટલે અમે તેમને બધી જ જોઇતી મદદ પૂરી પાડીશું. તેમના કુટુંબીજનો સાથે અમારી સાંત્વના છે. પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામિગરી કરીને બીજા જ દિવસે છથી સાત આરોપીઓની ધરપકડ કરી હતી. કુટુંબીજનો આર્થિક રીતે સક્ષમ છે એટલે તેમને અમારી એ બાબતે કોઇ મદદની જરૂર નથી, પરંતુ કાયદાકીય રીતે મનસે પરીવાર તેમની સાથે જ છે અને ન્યાય મળે ત્યાં સુધી તેમની સાથે રહેશે.
હજી સુધી આરોપીઓની ઓળખ પોલીસ દ્વારા છતી કરવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આકાશ શનિવારે નવી કાર ખરીદવા માટે મલાડ સ્ટેશન ગયો હતો અને ત્યાં થયેલા વિવાદને પગલે તેની હત્યા થઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે આ મામલે પોલીસે વધુ માહિતી આપી નહોતી.