ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ચિંતન : વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે

-હેમુ ભીખુ

ભવાની અષ્ટકમની આ કડી છે. મા જગદંબાની સ્તુતિ પ્રત્યેક સમયે થઈ શકે તેનું આ સૂચન છે. વિવાદ એટલે પોતાની જાતને સાચી સાબિત કરવા માટેનો શાબ્દિક પ્રયત્ન. વિષાદ એટલે હયાત પરિસ્થિતિને કારણે ઉદ્ભવતો ઉદ્વેગ. પ્રમાદ એટલે મનોરંજન જેવી સ્થિતિમાં રહેલી તલ્લીનતા. પ્રવાસ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની પ્રક્રિયા. જિંદગી આ ચારના સરવાળા સમાન જ છે. આદિ શંકરાચાર્યે જીવનની સંભવિત પ્રવૃત્તિઓ આ ચાર
શબ્દોમાં જાણે સમાવી લીધી છે. આ ચારેય પરિસ્થિતિમાં ગતિ તો માતા તરફની હોવી જોઈએ. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા
ભવાની.

વર્તમાન સમયનું જીવન એટલે જાતજાતના વિવાદનો સંગ્રહ. જરૂરી નથી કે વિવાદ શાબ્દિક જ હોય. કોઈપણ સ્વરૂપના વિવાદમાં પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પોતાની વાત સાચી છે, પોતાનો અહંકાર યોગ્ય છે, પોતાનો અભિપ્રાય સાર્થક છે, પોતાનું “સ્ટેન્ડ જે તે સંદર્ભમાં યથાર્થ છે, પોતાનું કાર્ય પરિસ્થિતિના પ્રતિભાવ સમાન છે, અને તેથી આ બધાંની સ્વીકૃતિ થવી જોઈએ. વિવાદ આ પ્રકારના મંતવ્યને સાબિત કરવા માટેનો હોય છે.

મારું કાર્ય કોઈ દિવસ નકારાત્મક ન હોય. હું જે કંઈ કહું તે સમાજને માન્ય હોવું જોઈએ. મારા પ્રત્યેક અભિપ્રાય સમાજમાં સ્વીકૃત બનવા જોઈએ. હું જે કહું તે સાચું હોય છે, હું જે માનું તે યોગ્ય હોય છે, હું જે સમજાવું તે બધા એ સમજવા જેવું હોય છે અને તેથી મારા મંતવ્યને સૌથી વધુ મહત્ત્વ મળવું જોઈએ. વિવાદ પાછળ આ પ્રકારની વાત સ્થાપિત કરવાની હોય છે. આખી જિંદગી આ પ્રક્રિયા ચાલે છે. અને તેથી જ અહીં કહેવાનું છે કે વિવાદમાં પણ ગતિ માત તરફની હોવી જોઈએ.

સંત મહાત્માની વાત જુદી છે, પરંતુ સામાન્ય વ્યક્તિ તો એમ જ માને છે કે જીવનમાં દુ:ખ વધારે છે, તકલીફ જનક સ્થિતિની માત્રા વધુ હોય છે, સફળતાની અપેક્ષાએ નિષ્ફળતા પણ વધુ મળતી હોય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિને કારણે જીવન મુશ્કેલ બનતું હોય છે, અને આ બધાને કારણે વિષાદ ઉદ્ભવે છે. વિષાદની ફરિયાદ થાય. વિષાદના નિવારણ માટે પ્રયત્નો થાય. જીવનમાં વિષાદ સ્થાપિત જ ન થાય તે માટેની ઈચ્છા રખાય. છતાં પણ જીવન વિષાદથી ભરેલું રહે છે. જો વિષાદના સમગ્ર સમય દરમિયાન ઈશ્ર્વરની આરાધના કરવામાં આવે તો લગભગ આખી જિંદગી આરાધનામાં જ વ્યતીત થાય.

વિષાદ શારીરિક હોઈ શકે. મનની સ્થિતિ અને મનની ભૂમિકા પણ વિષાદનું કારણ હોઈ શકે. વિષાદ પાછળ કૌટુંબિક કે સામાજિક કારણ પણ હોઈ શકે. જો ધર્મ કે આધ્યાત્મની વ્યાખ્યા ખોટી કરી હોય તો તે અધર્મની શ્રેણીની પરિસ્થિતિ પણ વિષાદનું નિમિત્તે બની શકે. વિષાદનું કારણ ઈચ્છા હોઈ શકે, વિષાદના મૂળમાં કામના હોઈ શકે, વિષાદના આધાર તરીકે અપેક્ષાઓ પણ હોઈ શકે. જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિ લગભગ કાયમ રહેતી હોય છે અને તેથી જ વિષાદમાં મા ભગવતીનું સ્મરણ જરૂરી બને.

કળિયુગમાં પ્રમાદ એ સર્વ સામાન્ય ઘટના છે. પ્રમાદની અવસ્થામાં સમય પસાર કરવો લગભગ બધાને ગમે છે. આ મનના વ્યભિચાર સમાન સ્થિતિ છે. અહીં ઇન્દ્રિયોના વિષયોમાં વ્યક્તિ લીન થઈ જાય છે અને માત્ર તે સ્થિતિમાં રહેવા માટે જ ઈચ્છુક હોય છે. અહીં લગભગ દરેક પ્રકારનો પુરુષાર્થ શૂન્યતાને પામે છે. અહીં માત્ર હેતુ વિનાની નિષ્ક્રિયતાનું સામ્રાજ્ય હોય છે. છતાં પણ એવી અપેક્ષા હોય છે કે ઇચ્છિત પ્રાપ્ત થાય, ઇચ્છિત પ્રાપ્ત થયાં કરે, ઇચ્છિત સદાય પ્રાપ્ત રહે. આ પ્રકારની પરિસ્થિતિનો પણ એક નશો છે. તે ક્યારે આદત બની જાય તે કહી ન શકાય. પ્રમાદની અવસ્થામાં ઈશ્ર્વરનું સ્મરણ લગભગ શક્ય નથી હોતું, પણ જો તે સમયે ઈશ્ર્વરનું સ્મરણ – મા જગદંબાની સ્તુતિ શક્ય બને તો જીવનને એક મોટો સમયગાળો ઈશ્ર્વર ભક્તિમાં વ્યતીત થઈ શકે.

જીવન એ પ્રવાસ છે. આ પ્રવાસના ઘણા સ્વરૂપ છે. આ પ્રવાસ જન્મથી મૃત્યુ તરફનો, નિષ્ફળતાથી સફળતા તરફનો, અજ્ઞાનથી જ્ઞાન તરફનો, નાદાનીયતથી પરિપક્વતા તરફનો, બંધનથી મુક્તિ તરફનો, અસંતોષથી સંતોષ તરફનો, આકસ્મિકથી સુનિયોજિત તરફનો, હરખશોકના દ્વંદ્વ તરફથી શાશ્ર્વત આનંદ તરફનો, હિંસાથી કરુણા તરફનો, અહંકારથી સૌમ્યતા તરફનો, રાગદ્વેષથી સ્થિતપ્રજ્ઞા તરફનો, રાવણથી રામ તરફનો, બાહ્ય-વિશ્ર્વથી અંતરાત્મા તરફનો, સ્વથી પરમ તરફનો અને બંધનથી મુક્તિ તરફનો હોઈ શકે.

જીવન તો સતત પ્રવાસ કરે જ, તે સાથે અસ્તિત્વ સાથે જોડાયેલી કેટલી ઘટના પણ સતત ચલિત રહે છે. લોહી હંમેશાં ભ્રમણ કરે, હૃદયનો ધબકાર ચાલુ રહે, મજજાતંતુ સતત સંદેશાની આપ લે કરે, મન ઉર્જાયુક્ત રહે, બુદ્ધિ પોતાના કાર્યક્ષેત્રમાંથી ક્યારેય વિરામ ન લે, શ્ર્વાસ અને ઉચ્છવાસનું ચક્ર સતત ગતિમાન રહે – વિવિધ સ્વરૂપે પ્રવાસ તો ચાલુ જ રહેવાનો. શરીર પ્રવાસ કરે તેમ વિચારો પણ પ્રવાસ કરે. દૃષ્ટિ પ્રવાસ કરે તેમ કલ્પના પણ પ્રવાસ કરે. બધા જ પ્રકારના, બધા જ પ્રવાસ વખતે જો ઈશ્ર્વરનું ધ્યાન કરવામાં આવે તો સમગ્ર જીવન ઈશ્ર્વરની આરાધનામાં વ્યતીત થઈ જાય.

વિવાદ – વિષાદ – પ્રમાદ – પ્રવાસ, આ ચારેય પ્રવૃત્તિ વખતે જો મા જગદંબાની આરાધના કરવામાં આવે તો લગભગ આખી જિંદગી આ આરાધનામાં જ પસાર થઈ જાય. આ એક અતિ હકારાત્મક બાબત છે. આ ચાર પ્રકારની પરિસ્થિતિમાં “ગતિ જો મા ભવાની તરફની હોય, આ ચારેય સ્થિતિમાં જો શ્રદ્ધા અને વિશ્ર્વાસ ટકી રહે, માતા પ્રત્યેનું સમર્પણ જળવાઈ રહે, સત્ય અને ધર્મ માટેની કટિબદ્ધતા સ્થાપિત રહે અને ધાર્મિક સંસ્કાર પ્રજ્વલિત રહે તો ચોક્કસ મા ભવાની કૃપા કરે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button