સ્માર્ટફોને 15 વર્ષની સગીરાનો જીવ લીધો! ફોનનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જીવન ટુંકાવ્યું
મુંબઈ: સ્માર્ટફોનને કારણે સામાન્ય જીવન સરળ બની રહ્યું છે, સાથે સાથે વધુને વધુ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના માનસ પર થતી નકારત્મક અસર ગંભીર વિષય છે. એવામાં મુંબઈમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે માતાપિતાએ ઠપકો આપતા એક 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કરી લીધી.
અહેવાલ મુજબ મહારાષ્ટ્રના થાણેના અંબરનાથ વિસ્તારની રહેવાસી સગીરાએ ઉંદર મારવા માટે વપરાતું ઝેર ખાઈ લીધું હતું. ત્યાર બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અંબરનાથ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેની સ્થિતિ વધુ ગંભીર બનતા, મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સગીરાનું 2 ઓક્ટોબરના રોજ મૃત્યુ થયું હતું.
અંબરનાથ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ પુષ્ટિ કરી કે મેડિકલ રિપોર્ટના તારણોના આધારે ગત શનિવારે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ દુ:ખદ ઘટના મોબાઈલ ફોનના યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અંગે દાખલારૂપ કિસ્સો છે.
દિલ્હીમાં ગયા મહિને ત્રણ છોકરાઓએ તેમના 16 વર્ષીય મિત્રને કથિત રૂપે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં જાણવા મળ્યું કે નવો સ્માર્ટફોન લેવા બદલ સગીરે મિત્રોને “ટ્રીટ” આપવાનો ઇનકાર કર્યો હતો. પીડિત અને ત્રણેય છોકરા નવમા ધોરણના વિદ્યાર્થીઓ હતા.
ગત વર્ષે પણ આવી જ એક ઘટના બની હતી, 16 વર્ષનો એક સગીરને વિડીયોગેમની લત લાગી ગઈ હતી, માતાપિતાએ તેનો સ્માર્ટફોન છીનવી લેતા, તેણે આત્મહત્યા કરી લીધી હતી.
Also Read –