મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું, જાણો સેમિ ફાઇનલનું ગણિત
નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 152 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 142 રન બનાવી શકી હતી. હાર સાથે ભારતીય ટીમનું સેમિ ફાઈનલ પહોંચવા માટે ફરી જો અને તો નું ગણિત આવી ગયું છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સર્વાધિક 54 રન બનાવ્યા હતા. જોકે તેની આ લડાયક ઈનિંગ પણ ભારતને જીત સુધી લઈ જઈ શકી નહોતી. ભારતે છેલ્લી અને અંતિમ ઓવરમાં 4 વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સોફીએ 32 રનમાં 2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી બનાવ્યા 151 રન
મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ગ્રેસ હેરિસ 40, તાહલિયા મેકગ્રા 32 અને એલિસ પેરીના 32 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 151 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે શ્રેયંકા, પૂજા અને રાધાને એક-એક સફળતા મળી. મહિલા T20 વર્લ્ડ કપમાં 150થી વધુના સ્કોરનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાની એકમાત્ર હાર ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે 2009ની આવૃત્તિની સેમિફાઈનલમાં થઈ હતી.
સેમિ ફાઇનલનું ગણિત
મેચ હારવા છતાં ભારત સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આ માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન મુકાબલા પર આધાર રાખવો પડશે. જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારી જાય તો નેટ રન રેટના આધારે ફેંસલો થશે.
ભારતીય ટીમઃ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકિપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ
ઓસ્ટ્રેલિયાની ટીમઃ બેથ મૂની (વિકેટકીપર), ગ્રેસ હેરિસ, એલિસ પેરી, એશલે ગાર્ડનર, ફીબી લાચફીલ્ડ, તહિલા મેક્ગ્રા (કેપ્ટન), જોર્જિયા વેયરહમ, એનાબેલ સદરલેંડ, સોફી મોલિનિક્સ, મેગન શટ, ડાર્સી બ્રાઉન