એકસ્ટ્રા અફેર

મદરેસાઓ ખરેખર બંધ જ કરી દેવી જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી શકે પણ આ વાત તેણે સૂચનના સ્વરૂપમાં કરી છે.

રાષ્ટ્રીય બાળ પંચનું કહેવું છે કે, મદરેસાઓ આ રાઈટ-ટુ-એજ્યુકેશન (આરટીઆઈ)ના નિયમોનું પાલન કરતા નથી તેથી તેમને ફંડ ના અપાય. બાળ પંચે ‘ગાર્ડિયન્સ ઑફ ફેઇથ ઓર ઓપોનન્ટ્સ ઑફ રાઈટ્સ: કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વર્સસ મદરેસા’ નામનો રિપોર્ટ બનાવ્યો છે કે જેમાં મદરેસાઓ શું કામ કરે છે, કઈ રીતે શિક્ષણ આપે છે, ક્યા ક્યા વિષયો ભણાવાય તેની વિગતો આવરી લેવાઈ છે. આ વિગતો પ્રમાણે, મદરેસાઓમાં સંપૂર્ણ ધ્યાન ધાર્મિક શિક્ષણ પર અપાય છે તેથી બાળકોને અન્ય વિષયોનું જરૂરી શિક્ષણ મળતું નથી. આ કારણે મદરેસાઓમાં ભણનારાં બાળકો અન્ય બાળકોથી પાછળ રહે છે.

આ સ્થિતિ સુધારવા માટે બાળ પંચે રાજ્યોને લખેલા પત્રમાં ત્રણ ભલામણ કરી છે. પહેલી ભલામણ એ છે કે, રાજ્ય સરકારો દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતું ફંડ બંધ કરવું જોઈએ. બીજી ભલામણ એ છે કે, બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવાં જોઈએ. બંધારણની કલમ ૨૮ મુજબ કોઈપણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ત્રીજી ભલામણ એ છે કે, ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે ના આપવું જોઈએ.

બાળ પંચની ભલામણ સામે રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે ને મોદી સરકારના માથે માછલાં ધોવાવાનું પણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે આ હિલચાલને મદરેસાઓ બંધ કરી દેવાની દિશામાં પહેલું કદમ ગણાવ્યું છે. અખિલેશના કહેવા પ્રમાણે, ભાજપ સરકાર બંધારણમાં કરાયેલી તમામ જોગવાઓએ બદલી નાખવા માગે છે. ભાજપ નફરતનું રાજકારણ રમવા માગે છે, ભાજપ ભેદભાવનું રાજકારણ રમવા માગે છે, લોકોને ધર્મ અને જ્ઞાતિના નામે લડાવીને રાજકારણ રમવા માગે છે.

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની મોટી મતબેંક છે. લોકસભાની ચૂંટણીમાં યુપીની ૮૦ લોકસભા બેઠકોમાંથી ૩૭ બેઠકો જીતીને સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. આ કારણે મુસ્લિમોને લગતી કોઈ પણ વાત આવે કે તરત અખિલેશ યાદવ સૌથી પહેલાં મેદાનમાં આવી જાય છે. અખિલેશ યાદવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર દેશનું બંધારણ બદલી નાખવા માગે છે એ મુદ્દાને પણ અસરકારકતાથી ચલાવેલો તેથી હવે દરેક વાતમાં બંધારણની વાત ઘૂસાડી દે છે. આ કિસ્સામાં પણ તેમણે એ જ કર્યું છે ને મદરેસાઓને ફંડ રોકી દેવાથી બંધારણ બદલી દેવાશે એવો દાવો કર્યો છે.

અખિલેશ રાજકીય ફાયદાને ખાતર ભલે આવી વાતો કરતા હોય પણ મદરેસાઓને અપાતું ફંડ રોકવાની વાતને બંધારણ બદલવાની હિલચાલ ગણાવવી એ બાલિશ હરકત કહેવાય. વાસ્તવમાં બાળ પંચે તો બંધારણને બચાવવા માટે આ ભલામણ કરી છે કેમ કે મોટા ભાગના મદરેસા રાઈટ-ટુ-એજ્યુકેશનના નિયમોનું પાલન કરતા નથી. રાઈટ-ટુ-એજ્યુકેશન દેશનાં તમામ બાળકોને બંધારણે આપેલો અધિકાર છે. તેનું પાલન નહીં કરનારાં મદરેસાઓને ફંડ રોકવાનું કહેવું એ બંધારણનું જતન છે, બંધારણ બદલવાની તેમાં વાત જ નથી.

મોટા ભાગના મદરેસાઓમાં ક્યા પ્રકારનું શિક્ષણ અપાય છે એ આખી દુનિયા જાણે છે. ભાજપ અને હિંદુવાદી સંગઠનો તો વરસોથી મદરેસાઓને આતંકવાદનાં ઉછેર કેન્દ્રો ગણાવે છે. ભાજપના નેતા કહેતા રહ્યા છે, કે મદરેસાઓમાં અપાતું ધાર્મિક શિક્ષણ આતંકવાદને પોષવામાં મોટી ભૂમિકા ભજવે છે. મદરેસાઓમાં ભણાવનારા કટ્ટરવાદી હોય છે ને એ લોકો ત્યાં ભણતાં છોકરાંના મનમાં કોમવાદનું ઝેર રેડે છે. તેના કારણે મદરેસાનાં બાળકો બીજાં ધર્મનાં લોકોને પોતાના દુશ્મન જ સમજે છે ને આખી દુનિયા પર ઈસ્લામના ઝંડા ફરકાવવાનાં સપનાં જોતા થઈ જાય છે. ધર્માંધતા અને કટ્ટરતા વધે એવું શિક્ષણ મદરેસાઓમાં અપાય છે એ હકીકત છે. મુસ્લિમોની ભાવિ પેઢીને ધર્માંધ અને કટ્ટર બનતી રોકવા માટે તેમને મદરેસાઓમાં જતી રોકવી જરૂરી છે. એ માટે ખરેખર તો મદરેસાઓ જ બંધ કરાવી દેવી જોઈએ.

મદરેસાઓ બંધ કરાવવા માટે બીજાં બે કારણ પણ છે. પહેલું કારણ એ કે, મદરેસા દેશના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જે દેશ સેક્યુલારિઝમને વરેલો હોય એ દેશમાં સ્કૂલમાં ધર્મનું શિક્ષણ અપાય ને તેના માટે સરકાર ફંડ આપે એ જ સેક્યુલારિઝમની મોટી મજાક કહેવાય. કમનસીબે આપણા બંધારણના ઘડવૈયા લઘુમતીઓનાં વારસાનું રક્ષણ કરવાના નામે મદરેસાઓનું તૂત ઘૂસાડતા ગયા તેમાં વરસોથી આ મજાક ચાલી રહી છે. લઘુમતીઓને પોતાના ધાર્મિક વારસાની જાળવણી કરવી હોય તો કરી શકે. તેની સામે કોઈને વાંધો નથી પણ તેની શિક્ષણમાં ભેળસેળ ના હોવી જોઈએ. જેમને પોતાનાં સંતાનોને ઈસ્લામનું શિક્ષણ આપવું હોય એ મસ્જિદોમાં કે બીજી સંસ્થાઓમાં મોકલીને ધર્મનું જ્ઞાન આપી શકે.

બીજું કારણ એ છે કે, મદરેસાઓમાં આધુનિક શિક્ષણ અપાતું નથી તેથી મુસ્લિમોનાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત રહી જાય છે. મુસ્લિમોનાં બાળકો સાથે થઈ રહેલો આ ઘોર અન્યાય છે અને બંધારણીય જોગવાઈ હેઠળ જ આ ઘોર અન્યાય થયો. જે રીતે ટ્રિપલ તલાક સહિતની બકવાસ પ્રથાઓ મુસ્લિમ પર્સનલ લો હેઠળ પોષાઈ એવું જ આ કિસ્સામાં પણ થયું છે એવું મદરેસાઓમાં પણ થયું છે.

ઉત્તર પ્રદેશ સરકારે તો એફિડેવિટ કરીને ૧૯ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મદરેસામાં ભણતાં બાળકો માત્ર ૧૦મા અને ૧૨મા ધોરણ સુધીની લાયકાત ધરાવતી એટલે કે ચોથા વર્ગના કર્મચારી તરીકેની નોકરી માટે જ લાયક હોય છે. યુપી સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સિલેબસ અનુસાર, મદરેસાઓમાં માત્ર ૮મા ધોરણ સુધી જ મુખ્ય પ્રવાહના વિષયો ભણાવવામાં આવે છે. ૯ અને ૧૦મા ધોરણમાં મુખ્ય પ્રવાહના વિષયોનો અભ્યાસ ફરજિયાત નથી તેથી ધર્મનું જ્ઞાન ઠાંસવામાં આવે છે.

આ બહુ મોટો અન્યાય છે ને મોદી સરકારે એ અન્યાય દૂર કરવો જોઈએ. મદરેસાઓને અપાતું ફંડ રોકીને એ દિશામાં પહેલું પગલું ભરાયું હોય તો એ પગલાને આવકારવું જોઈએ. જાગ્યા ત્યારથી સવાર સમજીને મુસ્લિમ બાળકોને દેશનાં બીજાં બાળકોની જેમ જ સામાન્ય અને રોજગારલક્ષી શિક્ષણ અપાય તેનાથી ઉત્તમ બીજું શું હોય?

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker