બાબા સિદ્દીકીને અંતિમ સલામઃ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂરી થઇ દફનવિધિ
મુંબઈ: શનિવારે મોડી રાતે ગોળી મારીને હત્યા કરાયેલા અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની મરીન લાઇન્સ ખાતે આવેલા બડા કબ્રસ્તાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનવિધિ પાર પાડવામાં આવી હતી. તેમનો જનાજો તેમના બાંદ્રા ખાતે આવેલા નિવાસસ્થાનેથી લઇ જવામાં આવ્યો તે પહેલા ઘરની બહાર ‘નમાઝ-એ-જનાઝા’ પણ અદા કરવામાં આવી હતી.
જ્યારે તેમનો જનાઝો નીકળ્યો ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. કુટુંબના દુઃખમાં સહભાગી થવા માટે જનાઝો કાઢવામાં આવ્યો તે પહેલા બોલિવૂડના સિતારાઓ પણ તેમના નિવાસસ્થાને સિદ્દીકીના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. જોકે, સુરક્ષાના કારણોસર તે જનાઝામાં સામેલ થઇ શક્યા નહોતા. સલમાન ખાનનો પરિવાર, શહેનાઝ ગિલ, મનીષ પોલ સિદ્દીકીના ઘરે જનાઝો નીકળ્યો તે પહેલા પહોંચ્યા હતા.
મરીન લાઇન્સના બડા કબ્રસ્તાન ખાતે જ્યાં સિદ્દીકીની દફનવિધિ પાર પાડવામાં આવી ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સેંકડોની સંખ્યામાં ભીડ તેમ જ અન્ય કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસ દ્વારા અહીં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનવિધિ પાર પાડવામાં આવી એ પહેલા બાબા સિદ્દીકીના પુત્ર તેમ જ વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો હતો. વીડિયોમાં ઝીશાન પોતાના પિતાના મૃત શરીરના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું હતું. આ વખતે હાજર સિદ્દીકીના અન્ય કુટુંબીજનોની આંખોમાં પણ આંસુ દેખાઇ રહ્યા હતા, પરંતુ ઝીશાન પોક મૂકીને રડી રહ્યો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું હતું.
પોલીસે આ મામલે બે આરોપીઓને તાબામાં લીધા છે અને ત્રીજા ફરાર આરોપીની પણ શોધ ચાલી રહી છે. મુંબઈ પોલીસની ટુકડીઓ હરિયાણા અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં તપાસ અભિયાન ચલાવી રહી છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ આ હત્યાકાંડ માટે જવાબદાર છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાને પણ આ કેસની તપાસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.