વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવી નવી યોજના; ગુજરાત બાદ હવે દેશભરમાં લાગુ…
નવી દિલ્હી: વરસાદના નકામા વહી જતા પાણીને નહિ અટકાવી શકવાને લીધે દેશમાં ઉનાળાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર આગામી ચોમાસા પહેલા દેશભરમાં ભૂગર્ભજળનું સ્તર વધારવા માટે નવી પહેલ કરવા જઈ રહી છે. ગુજરાતમાં આ પહેલને પ્રારંભિક ધોરણે જ સફળતા મળી હતી, આથી હવે તે બાદ સમગ્ર ભારતમાં લાગુ થવા જઈ રહી છે. જેમાં એક કરોડ વોટર હાર્વેસ્ટિંગ સાઇટ્સ બનાવવામાં આવશે. આ સાઇટ્સમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ચેકડેમ, રિચાર્જ કુવાઓનો વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
જળ શક્તિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક જન-સમુદાયન નેતૃત્વ હેઠળની પહેલ છે, જેનો હેતુ હાર્વેસ્ટિંગ, બોરવેલ રિચાર્જ અને રિચાર્જ શાફ્ટ દ્વારા વરસાદી પાણીને બચાવવાનો છે. આ માટે સરકારી અને બિનસરકારી સંસાધનો જેવા કે સીએસઆર ફંડ, ઔદ્યોગિક ગૃહો, નાગરિક સંસ્થાઓ અને જળ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી જરૂરી મદદ લેવામાં આવશે. તેઓ સામૂહિક રીતે પાણી સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ‘જળ સંચય, જન ભાગીદારી’ (JSJB) પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સમગ્ર સમાજ અને સમગ્ર સરકારના અભિગમને અનુસરીને સામૂહિક પ્રયાસો દ્વારા પાણીના દરેક ટીપાને બચાવવામાં આવે. ગુજરાતમાં આ પહેલની પ્રારંભિક સફળતા પછી, સમગ્ર ભારતમાં આવા 10 લાખ માળખાં બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. JSJB ગયા મહિને સુરતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
જિલ્લાને સોંપાશે કામગીરી:
આ પહેલ હેઠળ દરેક જિલ્લાને એ જવાબદારી સોંપવામાં આવી છે કે તે ગામડાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ અને સંગ્રહ કરવા માટે ઓછામાં ઓછી પાંચ રિચાર્જ સાઇટ્સ હોય તે સુનિશ્ચિત કરે. વધુમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના અધિકારક્ષેત્રમાં ઓછામાં ઓછા 10,000 રિચાર્જ સ્ટ્રક્ચર્સ ઇન્સ્ટોલ કરવા જણાવાયું છે. સરકારે આ પહેલની ક્ષમતા દર્શાવવા માટે સુરતમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ગુજરાત, રાજસ્થાન પાસે છે અપેક્ષા:
જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી વર્ષના ચોમાસા પહેલા સમગ્ર રાજ્યમાં 80,000 વરસાદી પાણી સંગ્રહ કરવા માટે પ્રતિબદ્ધ થવાની અપેક્ષા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારની સરકારો પણ આવી જ પ્રતિબદ્ધતાઓ જાહેર કરે તેવી અપેક્ષા કેન્દ્ર સરકારને છે. તે દેશના 256 પાણીની તાણ ભોગવતા જિલ્લાઓના 1,592 બ્લોકમાં 2019માં શરૂ કરાયેલ ‘કેચ ધ રેઈન – વ્હેર ઈટ ફોલ્સ’ અભિયાનને વધુ મજબૂત બનાવશે.