Baba Siddique Murder: આરોપીએ શા માટે રાખ્યો પેપર સ્પ્રે? ક્રાઈમ બ્રાન્ચે કર્યાં નવા ખુલાસા
અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાબતે ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચના ડીસીપી દત્તા નલવાડેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપીઓ પોતાની સાથે પેપર સ્પ્રે પણ સાથે લઇને આવ્યા હતા. પહેલા આરોપીઓ મરચાના સ્પ્રેનો ઉપયોગ કરી ત્યાર પછી ગોળીબાર કરવાના હતા, પરંતુ ત્રીજા આરોપી શિવકુમાર ગૌતમે સીધો ગોળીબાર જ શરૂ કરી દીધો હતો. અન્ય આરોપી ધર્મરાજ કશ્યપ પાસેથી પોલીસને પેપર સ્પ્રે મળી આવ્યું હતું. આ કેસમાં નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 28 રાઉન્ડ ગોળીના મળ્યા છે તથા કોર્ટ પાસેથી 21 તારીખ સુધીની કસ્ટડી મળી છે. હાલના તબક્કે દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ચોકમાં ઊભો કરીને ગોળી મારી દો એને: આરોપીની દાદી
હત્યાના એક આરોપી ગુરમૈલ સિંહ આ પહેલા પણ હત્યાના કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું જણાયું હતું. જ્યારે બાબા સિદ્દીકીની હત્યામાં તેની સંડોવણી સામે આવી ત્યારે તેના કુટુંબને કે ગામવાસીઓને કોઇ આશ્ર્ચર્ય થયું નહોતું. તેની દાદી ફુલ્લી દેવીએ તો એમ કહી દીધું હતું કે અમે ઘણા વખત પહેલા જ ગુરમૈલને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. એ અમારી માટે મરી ચૂક્યો છે. તેને ચોકમાં ઊભો રાખી ગોળી મારી દો. તે ચાર મહિનાથી ગામે નથી આવ્યો અને અમને નથી ખબર કે તે શું કરે છે અને ક્યાં જાય છે. તેની સાથે અમારો કોઇ સંબંધ નથી.
મારો દીકરો તો પુણેમાં ભંગારનું કામ કરતો: ધર્મરાજ કશ્યપની માતા
આરોપી ધર્મરાજ કશ્યપની માતાએ આ પ્રકરણે કહ્યું હતું કે અમને સવારે જ આ ઘટના વિશે માહિતી મળી. મારો દીકરો પુણેમાં ભંગોરનું કામ કરતો હતો અને એ માટે જ પુણે જઇ રહ્યો હોવાનું તેણે અમને કહ્યું હતું. તે મુંબઈમાં શું કરી રહ્યો હતો તેની અમને કોઇ જાણ નથી. તે 18-19 વર્ષનો છે. છેલ્લાં આઠ નવ દિવસથી તેની સાથે અમારી વાતચીત નથી થઇ. એટલે તે હમણાં ક્યાં છે તે અમને નથી ખબર