બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા ઉમટ્યા કલાકારો, સલમાન ઉદાસ જોવા મળ્યો…
મુંબઈઃ બોલીવુડ સ્ટાર્સના નજીકના અને એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મુંબઈમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની ગઈકાલે એટલે કે ૧૨ ઓક્ટોબરે દશેરાના દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ બોલીવુડના કલાકારો આઘાતમાં સરી પડ્યા. હવે સેલેબ્સ બાબા સિદ્દીકીના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. સલમાન ખાનના પરિવારમાંથી સોહેલ ખાન તેની બહેન અર્પિતા ખાન સાથે અહીં પહોંચ્યો હતો. સલમાન ખાન પણ એક કલાક ઘરે રહીને પરિવારના સભ્યોને સાંત્વન આપ્યું હતું.
બોલીવુડના સ્ટાર સલમાન ખાન અંતિમ વિદાય આપવા પહોંચ્યો ત્યારે પરિવાર સાથે જોવા મળ્યો હતો. ભીની આંખો સાથે સલમાન ખાન ઉદાસ જોવા મળ્યો હતો. સલમાન ખાનની કારની સામે અનેક કેમેરામેન ઊભા હતા, જેથી અંદર જવામાં મુશ્કેલી પડી હતી. સલમાનના ચહેરા પર ગુસ્સો જોવા મળતો હતો, જ્યારે એના ચહેરા પર ઉદાસ હાવભાવવાળા વીડિયો વાઈરલ થયા હતા. સલમાન ખાન એ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે જોવા મળ્યા હતા.
સલમાન ખાન સાથે સોહેલ ખાન તેની નાની બહેન અર્પિતા ખાન સાથે રવિવારે બપોરે બાબા સિદ્દીકીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર ઘણી ઉદાસી જોવા મળી રહી હતી. અર્પિતા અને સોહેલ ખાનની સાથે સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ જોવા મળી હતી. આ સાથે અરબાઝ ખાનની બીજી પત્ની શુરા ખાન પણ બાબા સિદ્દીકીના ઘરે પહોંચી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડના કલાકારોમાં શહેનાઝ ગિલ, ઝરીન ખાન, મનીષ પૌલ, મનારા ચોપરા, રશ્મિ દેસાઈ, એમસી સ્ટેન, શિખર પહાડિયા, સના ખાન, મુફ્તી અનસ સિદ્દીકી, શૂરા ખાન સહિત અન્ય કલાકારો પહોંચ્યા હતા. બાબા સિદ્દીકીની અંતિમવિધિ બડા કબ્રસ્તાન ખાતે કરવામાં આવી.
આ પહેલા ગઈકાલે રાત્રે સલમાન ખાન ‘બિગ બોસ ૧૮’નું શૂટ અધવચ્ચે છોડીને બાબા સિદ્દીકીને જોવા હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સલમાન ખાન અને બાબા સિદ્દીકી ખૂબ જ નજીકના મિત્ર હતા જેઓ ઘણીવાર પાર્ટી અને લગ્નમાં સાથે જોવા મળતા હતા. એવા પણ અહેવાલો છે કે સલમાનના કારણે જ લોરેન્સ બિશ્નોઈની ગેંગે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી હતી.
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે રવિવારે પૂર્વ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીના માનમાં રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવાની જાહેરાત કરી છે.