ભુજમાં આરોગ્ય વિભાગના સર્વેલન્સમાં રોગચાળાનો રાફડો ફાટ્યો
ભુજ: હાલ ચાલી રહેલા ઋતુ સંધિકાળમાં મચ્છરજન્ય બીમારીઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ભુજ શહેરમાં આવેલી મેલેરિયા સર્વેલન્સની 66 જેટલી ટુકડીઓએ ઘેર-ઘેર જઈને સર્વે કામગીરી આરંભી હતી.આ સર્વેલન્સમાં અંદાજે 11,570 જેટલા વ્યતિઓની તપાસ દરમ્યાન મેલેરિયાના 38 શંકાસ્પદ કેસ જણાતાં તેમના લોહીના નમૂના લેવાયા હતા, એક કેસ ડેન્ગ્યુનો જણાયો હતો. મેલેરિયા સર્વેલન્સની ટુકડીઓ દ્વારા દર્દીઓને દવા અપાઈ હતી.
અતિભારે વરસાદ અને હાલ પ્રવર્તી રહેલી મિશ્ર ઋતુને કારણે મચ્છરજન્ય બીમારીમાં આવેલા સપર્ટને અટકાવવા માટે ભુજ શહેરના સૌથી વધુ મચ્છર ઉત્પત્તિવાળા વિસ્તારોને આવરી લેતા સર્વેલન્સની કામગીરીમાં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સાથેની કામગીરી 10 સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ પાંચ યુપીએચસીના 66 સભ્યોની ટુકડીએ કરી હતી.
કચ્છમાં ઓક્ટોબર માસના વીતેલા તેર દિવસો દરમ્યાન ચાર મેલેરિયા પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યું હતું. પાંચે ટુકડીએ શહેરના અલગ અલગ વિસ્તારના કુલ્લ 2367 ઘરના સર્વેમાં 11,570 લોકોને આવરી લેતાં શંકાસ્પદ મેલેરિયાના 38 અને એક ડેન્ગ્યુના કેસ જણાયો હતો. 38 મેલેરિયા શંકાસ્પદના લોહીના નમૂના અને આરડીટી પરીક્ષણ હેતુ લેવાયા હોવાનું જાણવા મળેલ છે. ઘરની અંદરની તપાસમાં 64 ઘરના 18,606 પાણી ભરેલા ખુલ્લા પાત્રો તપાસતાં 86માં મચ્છરના પોરા દેખાયા હતા,જ્યારે 2388 એબેટ દવા નખાઈ હતી. પેરા ડોમેસ્ટીક કામગીરીમાં 47 પૈકી 6માં પોરા નજરે પડયા હતા.
તાવગ્રસ્તોને 99 ઓઆરએસ અપાયા હતા. લોકોને 927 ક્લોરીન ગોળી અપાઈ હતી. ૫૫ જગ્યાએ ક્લોરીનેશન ટેસ્ટ કરતાં 30 નેગેટીવ જણાયા હતા. 4223 લોકોને ટીમો દ્વારા આરોગ્ય શિક્ષણ અપાયું હોવાનું કેશવકુમાર સિંઘે ઉમેર્યું હતું.