ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : રતન ટાટા સોલ્ટથી સોફ્ટવેર સુધીની એક અનેરી પ્રેરણાદાયી કહાની

-રાજ ગોસ્વામી

ગયા મંગળવારે- ૯ ઓકટોબરના દિવસે ૮૬ વર્ષની સમૃદ્ધ ઉંમરે અલવિદા ફરમાવી ગયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ દેશને આગળ વધારવા માટે તો એવાં ઘણાં કામ કર્યાં છે, જેના કારણે દેશવાસીઓ એમનું નામ સન્માન સાથે લે છે.

રતન ટાટા અબજોપતિ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે ખૂબ જ ઉદાર આદમી પણ હતા. એમના જવાથી જે રીતે લાખો અજાણ્યા લોકોએ ઉદાસીનો અહેસાસ કર્યો હતો, તે એમના ચારિત્ર્યની ગવાહી છે.

એમનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ થયો હતો. એ ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટાના પૌત્ર છે. રતન ટાટાએ પોતાની મહેનત અને દ્રઢતાથી ઘણાં મુશ્કેલ કાર્ય કર્યા છે, જે સૌના ગજાની વાત નથી. પોતાના સંઘર્ષને કારણે એ સફળતાના શિખર પર પહોંચ્યા હતા. એમની પાસેથી તમે માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ જીવનશૈલી પણ શીખી શકો છો. એ ઘણીવાર કહેતા હતા : ‘હું યોગ્ય નિર્ણય લેવામાં માનતો નથી. હું નિર્ણયો લઉં છું અને પછી તેમને યોગ્ય બનાવું છું…! ’ એમની આ વાતનો અર્થ એ થાય છે કે તમને તમારામાં આત્મવિશ્ર્વાસ હોવો જોઈએ. જો તમને તમે લીધેલા નિર્ણયો વિશે વિશ્ર્વાસ હોય તો તમને આજે નહીં તો આવતીકાલે ચોક્કસ સફળતા મળશે.

સોલ્ટથી લઈને સોફ્ટવેર સુધીની ચીજોનું નિર્માણ કરનારું ટાટા ગ્રૂપ માત્ર ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ વિશ્ર્વાસનીય નામ છે અને તેની સફળતાનો શ્રેય મોટા પ્રમાણમાં રતન ટાટાને જાય છે.

રતન ટાટાનો સ્વભાવ શરમાળ હતો. એ ખોટી ચમક-દમકમાં માનતા નહોતા. એકવાર એ એક લાખ રૂપિયાની સસ્તી ‘નેનો’ કારમાં બેસીને મુંબઈની તાજ પેલેસ હોટેલ’ માં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

એકવાર એ પોતાની ટીમ સાથે મીટિંગ કરવા માટે બહારગામ જઈ રહ્યા હતા. રસ્તામાં, એમની કારનું એક ટાયર પંક્ચર થઈ ગયું. એ બહાને બધા ચા- નાસ્તો કરવા ઊભા રહ્યા. ટાટાએ જોયું કે એમનો ડ્રાઈવર સ્ટેપની બદલી રહ્યો છે એટલે એ પણ પોતાના શર્ટની બાંયો ચઢાવીને ડ્રાઇવરને મદદ કરવા લાગ્યા. આ જોઈને એમનો સ્ટાફ બોલ્યો :
‘સર, તમે આ શું કરવા કરો છો?’
રતન ટાટા ત્યારે બોલ્યા હતા :
‘જુઓ, આને એકલા હાથે કરતાં ૨૦ મિનિટ થશે. હું મદદ કરું તો કદાચ ૧૦ મિનિટમાં થઇ જશે. મીટિંગમાં મને એ બચેલી ૧૦ મિનિટ કામ આવશે ને!’

૨૦ વર્ષથી વધુ ટાટા ગ્રૂપ’ના ચેરમેન રતન ટાટાને ભારતીય ઉદ્યોગમાં એક જીવંત દંતકથા તરીકે જોવામાં આવે છે. રતન ટાટા ઉચ્ચ આદર્શોના માણસ હતા. એ માનતા હતા કે વ્યવસાયનો અર્થ માત્ર નફો મેળવવાનો જ નથી, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને સમજવાનો પણ છે અને વ્યવસાયમાં સામાજિક મૂલ્યોનો પણ સમાવેશ થવો જોઈએ.

એક ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, એમની સરળતા અને ઉદારતા માટે પણ એ જાણીતા હતા. પોતાના કર્મચારીઓને પરિવાર તરીકે માનતા ને એમની ખૂબ કાળજી રાખતા હતા. એકવાર એ પોતાના એક ભૂતપૂર્વ કર્મચારીની ખબર
કાઢવા માટે એની પાસે પહોંચી ગયા ત્યારે એમને ખબર
પડી હતી કે એ કર્મચારી બે વર્ષથી બીમાર છે અને
રતનજી કોઈને કહ્યા વગર, સિક્યુરિટી વિના પુણેની હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા, જ્યાં પેલાનો ઈલાજ ચાલી રહ્યો હતો.

રતન ટાટા બાળપણથી જ આર્કિટેક્ટ બનવા માંગતા હતા. એમના પિતા નવલ ટાટા ઇચ્છતા હતા કે રતન એન્જિનિયર બને અને એ પણ પિતાની ઇચ્છાનું સન્માન કરતા હતા. આ વાત યાદ કરીને કહ્યું હતું :
‘હું હંમેશાં આર્કિટેક્ટ બનવા માંગતો હતો , કારણ કે તે માનવતાવાદની ઊંડી સમજણ આપે છે. ઉપરાંત, આર્કિટેક્ટ વ્યવસાયે મને પ્રેરણા આપી છે અને મને તે ક્ષેત્રમાં ઊંડો રસ હતો, પરંતુ મારા પિતા ઇચ્છતા હતા કે હું એન્જિનિયર બનું અને મેં એન્જિનિયરિંગમાં બે વર્ષ ગાળ્યા.’

રતન ટાટા અનુભવે ઘણું શીખ્યા હતા અને લોકોમાં એ જ્ઞાન વહેંચતા રહેતા હતા. એકવાર, એમને એક સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં એમણે આપેલા ભાષણની અમુક વાત ઘણી જાણીતી થઇ હતી. રતન ટાટાને સમજવા માટે અને એમની પાસેથી શીખવા માટે આ દસ વાત યાદ રાખવા જેવી છે:
૧) જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. તેની આદત બનાવી લો.

૨ ) લોકોને તમારા સ્વાભિમાનની પડી નથી હોતી. ચિંતા નથી એટલે પહેલાં પોતાને સાબિત કરો.

૩) કૉલેજ પૂરી કર્યા પછી ૫ આંકડાના પગારનું સ્વપ્ન ન જુવો. રાતોરાત વાઈસ પ્રેસિડેન્ટ નથી બનાતું. તેના માટે ઘણી મહેનત કરવી પડે છે.

૪ ) તમારી ભૂલ માત્ર તમારી જ છે. તમારો પરાજય માત્ર તમારો જ છે. બીજાને દોષ ન આપો. તમારી ભૂલોમાંથી શીખો અને આગળ વધો.

૫) તમારાં માતા-પિતા તમારા જન્મ પહેલાં એટલાં નીરસ અને કંટાળાજનક નહોતાં, જેટલાં તમને હવે લાગે છે.

તમારા ઉછેરમાં એ એટલાં ઘસાઈ ગયાં છે કે એમનો સ્વભાવ બદલાઈ ગયો છે.

૬) સાંત્વના પુરસ્કાર માત્ર સ્કૂલમાં જ મળે છે. અમુક સ્કૂલમાં તો પાસ થવા સુધી જ પરીક્ષા આપી શકાય છે, પરંતુ બહારની દુનિયાના નિયમો અલગ છે. ત્યાં હારનારને ફરી તક મળતી નથી.

૭) જીવનની સ્કૂલમાં, કોઈ ધોરણ અને ક્લાસરૂમ નથી હોતા અને મહિનાનું લાંબું વેકેશન પણ નથી હોતું. તમને શીખવવા માટે કોઈ સમય નથી આપતું. આ બધું તમારે જાતે કરવું પડે છે.

૮ ) ટીવીનું જીવન સાચું નથી. જીવન ટીવી સિરિયલ નથી. અસલી જીવનમાં આરામ નથી હોતો, માત્ર કામ અને કામ જ હોય છે. તમને ખબર છે જગુઆર, હમર, બીએમડબલ્યુ, ઓડી, ફેરારી જેવી લક્ઝરી ક્લાસવાળી કારની જાહેરખબરો ટીવી પર કેમ નથી આવતી? કારણ કે તે કાર કંપનીઓ જાણે છે કે આવી કાર લેનારા લોકો પાસે ટીવી સામે બેસી રહેવાનો ફાલતું સમય નથી.

૯) બહુ ભણતા અને મહેનત કરતા મિત્રોને ચીડવો નહીં. એક એવો સમય પણ આવશે જ્યારે તમારે એના હાથ નીચે કામ કરવું પડશે.

૧૦) દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરે તેવી ક્યારેય ઇચ્છા ન કરતા, ફક્ત તમારા માતા-પિતા તમારી પ્રશંસા કરે તેવી ઇચ્છા રાખો તે ઘણું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button