ઈકો-સ્પેશિયલ : સતર્ક ને સ્માર્ટ ઈન્વેસ્ટર નહીં બનો તો ખતા ખાશો!
શૅરબજારમાં ગ્લોબલ પરિબળોને કારણે એકસાથે ઘણું બધું બદલાઇ રહ્યું છે. રોકાણકારોના નાણાપ્રવાહ અને ભરપૂર ‘ઉત્સાહ’ જોઈને એમની માનસિકતાનો લાભ લેવા સાચા-ખોટા ખેલાડીઓ સક્રિય છે. આવે વખતે સ્માર્ટ ઈન્વેસ્ટર્સ કમાશે, પણ જો બીજાની જેમ ગાડરિયા પ્રવાહમાં તણાશો તો ‘ડૂબી’ જશો….
આપણી એક બહુ જાણીતી કહેવત : ‘વર મરો, ક્ધયા મરો, પણ ગોરનું તરભાણું ભરો’ જેવો જ માહોલ અત્યારે શૅરબજારમાં જોવા મળે છે. તેજીના (ભલે વચ્ચે કરેકશન આવે) ટ્રેન્ડને ધ્યાનમાં રાખી આઈપીઓની કતાર હંમેશાંની જેમ લાગી ગઈ છે.
ગયા સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં એકસાથે ૪૧ કંપનીએ પોતાના ઈસ્યૂ લાવવાના દસ્તાવેજો ‘સેબી’માં ફાઈલ કર્યા હતા. આમ જોવા જઈએ તો તેજીનો લાભ લેવા લોકો પાસેથી જંગી ભંડોળ ઊભું કરી લેવાની આ હોડ છે, જેમાં સાચા-ખોટા દરેક લોકો મેદાનમાં આવી ગયા છે. આનો લાભ ઈસ્યૂ લાવનાર કંપનીઓને તો મળશે જ, પણ હાલ તો ઈન્વેસ્ટમેન્ટ (આઈ)-બેન્કર્સ મજાથી આ લાભ લઈ રહ્યા છે , કારણ કે એમને આ ઈસ્યૂ લાવવાની ફી રૂપે તગડી રકમ મળી રહી છે. છેલ્લા છ મહિનામાં આઈપીઓ અને એફપીઓ (ફોલો ઓન ઓફર) મારફત આ આઈ-બેન્કર્સ દ્વારા ૧૪૦૦ કરોડથી વધુ ફીની કમાણી કરવામાં આવી છે. આ ઈસ્યૂઓનું લિસ્ટિંગ કોઈપણ ભાવે થાય અને લિસ્ટિંગ બાદ પણ આ કંપનીઓ શૅરબજાર પર કેટલો સમય ટકે, કેવી કામગીરી બજાવે, રોકાણકારોને તેનાથી કેટલો લાભ થાય એ પછીની વાત છે, પરંતુ હાલ તો તેમના આઈપીઓના નામે આ લોકો કમાણી કરી બેઠાં છે અને હજી પણ વધુ કમાણીના ‘અચ્છે દિન’ આવી રહ્યા છે. આશરે સવાલ લાખ કરોડ રૂપિયાના આઈપીઓ કતારમાં છે. એને સફળ બનાવવા માટેની ફોજ હાલ સક્રિય છે. આમાં બ્રોકર્સ – સટોડિયા- હાઈનેટવર્થ ઈન્વેસ્ટર્સ , ઈત્યાદિ વર્ગ પણ સામેલ છે. એટલું જ નહીં, આઈપીઓવાળા સ્ટોકસમાં ચાલતા પ્રીમિયમ માર્કેટના ખેલાડીઓ પણ સજજ છે.
જેમણે મંદી જોઈ નથી એવા ઈન્વેસ્ટર્સ
ભારતીય રોકાણકારોમાં છેલ્લા પાંચ વરસમાં એક એવો વર્ગ પ્રવેશ્યો છે, જેણે શૅરબજારમાં મંદી જોઈ નથી. ભયંકર કડાકાની કન્સિસટન્સી જોઈ નથી, કોઈ મોટા આર્થિક કૌભાંડ જોયા નથી કે જેની શૅરબજાર પર અસર થઈ હોય અને જેને કારણે માર્કેટ કડડડભૂસ થયું હોય…. આ વર્ગે મહદ્અંશે અથવા માત્ર તેજીના દિવસો અને ભાવો તેમ જ ઈન્ડેકસની નવી-નવી ઊંચાઈ જોઈ છે. જેમણે તેજી-મંદીની બંનેની સાઈકલ જોઈ ન હોય એવા રોકાણકારને એક રીતે અપરિપકવ કહેવાય તેથી જ હવેના રોકાણકારો આડેધડ રોકાણ કરી રહ્યા છે અને તેમાં જ માર્કેટ આડેધડ વધતું રહ્યું હોવાનું પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં અનેક ઈન્વેસ્ટર્સ સતત ભૂલ કરવા લાગ્યા છે અને નિયમન તંત્ર હોય કે એકસપર્ટ વર્ગ હોય, તેમની વાત ધ્યાનમાં લેવા આ લોકો રાજી નથી. આવો એક વર્ગ પ્રાઈમરી માર્કેટમાં સતત સક્રિય રહે છે. આ વર્ગને ૧૯૮૫થી લઈ અત્યાર સુધીમાં આવેલા અસંખ્ય આઈપીઓના લેભાગુ પ્રમોટર્સનો અનુભવ થયો નથી. કયાંક છુટાછવાયા અનુભવ થયા હશે, પણ મોટેભાગે તેજીના અનુભવ, લિસ્ટિંગ ગેનના અનુભવ થયા છે. આઈપીઓમાં અરજી કરવા જંગી સંખ્યામાં ડિમેટ એકાઉન્ટસ ખૂલતા રહ્યા છે, જે પછીથી સેક્ધડરી માર્કેટમાં સક્રિય થાય છે, અન્યથા તેમનો ઉપયોગ યા દુરુપયોગ (ગેરલાભ) આઈપીઓમાં વધુ ફાળવણી મેળવવા કરવામાં આવે છે. આ વરસનો તાલ કેવો રહયો ? ૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ૬૨ કંપની ૬૪ હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળ ઊભું કરી બેઠી છે, જેના હાલ ( કે હવાલ !) તો ભવિષ્યમાં ખબરપડશે. ૨૦૨૩માં ૫૭ કંપનીએ પ્રાઈમરી માર્કેટમાંથી રૂ.૪૯ હજાર કરોડ ઊભા કર્યા હતા. નોર્મલ આઈપીઓ તેમ જ એસએમઈ આઈપીઓના આડેધડ છલકાવાના તાલ મગજમાં પચાવવાનું મુશ્કેલ બની જાય એવા અસાધારણ માત્રામાં તેને છલકાતા જોઈ કોઈને પણ નવાઇ લાગે, પરંતુ અત્યારે તો નવાઈની ચરમસીમા પહોંચી ગયા પછી પણ કોઈને અસર નથી. આ બેફામ-બેહદ રિસપોન્સ સ્વીકાર્ય બની ગયો છે. જેમની પાસે ભરપુર પૈસા છે એ બધા વધુ ને વધુ કમાવા માટે માર્કેટમાં સક્રિય બન્યા છે. બીજી તરફ, જેમની પાસે ઓછાં નાણાં છે એ પણ હાલના સંજોગોને પૈસા કમાવા માટેની તક માને છે.
રોકાણકારે પોતે જ જાગવું પડશે
ભારતીય શૅરબજારમાંની ઓપ્શન માર્કેટનો જ દાખલો લઈએ તો છેલ્લા અમુક મહિનાઓથી, ઓપ્શન્સ સેગ્મેન્ટમાં રિટેલ ઈન્વેસ્ટરોને થતા આર્થિક નુકસાન વિશે નિયામકો અને વિશ્ર્લેષકો સતત સલાહ અને ચેતવણી આપતા રહ્યા છે, જેનાથી વ્યાપક માન્યતા એવી પ્રસરે છે કે ઈન્વેસ્ટરોને પોતાને ખબર જ નથી પડતી કે એ શું કરી રહ્યા છે. એ લોકો ટ્રેડર્સને તાબે થઈ ગયા છે, જે નફો કમાવવા માટે અદ્યતન એવી યાંત્રિક ગણતરીનો ઉપયોગ કરી રહ્યા છે. એ વાત ખરી છે કે લોકો આવા કોન્ટ્રાક્ટમાં નાણાં ગુમાવતા હોય છે, પરંતુ આ પ્રકારની ખોટ જ એમને અનુભવી ખેલાડી કે શિક્ષક બનાવતી હોય છે.
ભારતીય અર્થવ્યવસ્થા અને તેની બજારો પરિપક્વ બની ગઈ છે ત્યારે આવી બાબતનું તો આપોઆપ સમાધાન થઈ જશે. ઓપ્શન્સ માર્કેટ કેવી રીતે કામ કરે છે એની જેમને ખબર નહીં હોય એ સતત નુકસાન કરવાનું પસંદ નહીં કરે અને આખરે આ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ કરવાનું બંધ કરી દેશે. આમ કરવામાં શરૂઆતમાં તકલીફ થશે, પણ એ પછી વધુ સજાગ અને કાબેલ ઈન્વેસ્ટરોનો પાયો વિસ્તરશે. આમ તો ‘સેબી’ ‘એફ એન્ડ ઓ’ સેગમેન્ટ માટે નવેમ્બરના ત્રીજા સપ્તાહથી નવા કડક ધોરણો લાગુ કરવાનું છે, જે મુજબ નાના ટ્રેડર્સ આ જોખમી અને સટ્ટાકીય માર્કેટથી દુર થશે એવી ધારણા છે. જોકે, આ વાત કેવી રીતે આકાર લે છે તે સમય પર જ ખબર પડશે. બાકી ‘એફ એન્ડ ઓ’ માર્કેટ હોય, આઈપીઓ માર્કેટ હોય કે ઈન્ટ્રા-ડે માર્કેટ હોય, લેભાગુઓ સક્રિય રહેવાના જ છે. રોકાણકારો પોતે સજાગ-સતર્ક- સ્માર્ટ નહીં બને તો પોતે જ માત્ર ખતા નહીં ખાય-ધોવાઈ જશે!