ઉત્સવ

કેન્વાસ: ગુડ ફેલોઝ: રતન ટાટાના સૌથી યુવા મિત્ર શાંતનુનું અનોખું સ્ટાર્ટઅપ…

‘પ્રેમની કિંમત પીડાથી ચૂકવવી પડે છે. આ મિત્રતા બાદ હવે જે ખાલીપો મારા જીવનમાં પ્રસરશે એને પૂરવા માટે હું જીવનભર પ્રયાસ કરીશ.’

આ શબ્દો છે રતન ટાટાના સૌથી યુવાન મિત્રના. રતન ટાટાની અંતિમક્રિયા વખતે એમના આ એક યુવા મિત્ર અને સહયોગીએ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું. એ યુવા મિત્રનું નામ છે શાંતનુ નાયડુ.

ટાટાના અવસાન બાદ શાંતનુએ ઉપરોકત શબ્દોમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

રતન ટાટાના નિધન બાદ દેશને એક બાહોશ બિઝનેસમેન, સંનિષ્ઠ સમાજસેવક અને એક ઉત્તમ વિચારકની ખોટ પડશે. લોકો એમને ટાટા નેનો’ કે ટાટા કનસલ્ટન્સી સર્વિસ’ જેવા અનેક અલગ અલગ કારણથી યાદ કરશે, પરંતુ આ વ્યક્તિએ સમાજને આપેલા કેટલાંક એવા સ્ટાર્ટઅપ્સ અને આઈડિયાઝ પણ છે , જેના વિશે બહુ ઓછાં લોકો જાણે છે.

બિઝનેસમેન અને આંત્રપ્રીન્યોર વચ્ચેનો ભેદ સમજાવતી વખતે એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવે છે અને એ છે જે તે વ્યક્તિના કારણે સમાજમાં આવતું પરિવર્તન. કોઈ વ્યક્તિ માત્ર પોતાનો ધંધો વધારવા માટે કે પૈસા કમાવા માટે જ બિઝનેસ કરે છે કે એના કામના કારણે સમાજમાં કંઇક સકારાત્મક પરિવર્તન પણ આવે છે? અહીં મોટિવ એટલે કે હેતુ મહત્ત્વનો છે. રતન ટાટાના મોટિવ અંગે તો દેશમાં એક પણ વ્યક્તિને શંકા ન જ હોય શકે, કારણ કે એમના સાલસ વ્યવહારથી લઈને આચાર વિચાર અંગે ભારતીયો સુપેરે પરિચિત છે અને એટલે જ આટલું સન્માન અને પ્રેમ એમને મળ્યા છે.

રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. કદાચ એટલા માટે જ ઘડપણમાં લોકો કેટલી એકલતા અનુભવે છે એનો એમને અંદાજ હતો. એમણે શાંતનુ નાયડુ સાથે આ વિશે ચર્ચા કરી અને ત્યાંથી શરૂ થયું એક અનોખું સ્ટાર્ટઅપ : ‘ગુડ ફેલોઝ’, જેમાં ઘડપણમાં અનુભવાતી એકલતા સામે વૃદ્ધોને મદદ કરવાનો મૂળ હેતુ હતો. ભારતમાં અંદાજે ૧૪ કરોડ જેટલા વૃદ્ધ છે, જેમાંથી મોટાભાગના એકલતાનો અને તેના કારણે વિષાદનો અનુભવ કરતા હોય છે. આ સ્ટાર્ટઅપમાં કામ કરતા યુવાનોનો માત્ર આઇક્યુ જ નહીં , ઇક્યુ પણ તપાસવામાં આવે છે. એ યુવાનો વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકે છે કે નહીં, એમનો સહારો બની શકે છે કે નહીં એ પણ તપાસવામાં આવે છે.

‘ગુડ ફેલોઝ’ એપથી નહીં, પણ ફોન નંબરથી કામ કરે છે. વૃદ્ધો અહીં ફોન કરીને મદદ માગી શકે છે. પેન્શન મેળવતી વ્યક્તિને પોસાય એ પ્રમાણે જ ચાર્જ વસૂલવામાં આવે છે. સ્ટાર્ટઅપનો હેતુ મોટાભાગની સર્વિસ ફ્રી રાખવાનો છે, પરંતુ અમુક સર્વિસ પ્રીમિયમ તરીકે આપવામાં આવશે. વૃદ્ધો સાથે ફિલ્મ જોવા જવાની, બીજા શહેરમાં ટ્રીપ પર સાથે જવાની સુવિધા જેવા અવનવા આઈડિયા પણ આગળ જતાં અમલમાં આવશે એવી જાહેરાત કરવામાં
આવી છે.

દુનિયા જે ઝડપે બદલાઈ રહી છે એ જોતાં ઘડપણમાં વ્યક્તિ એકલતા જ નહીં પણ પાછળ રહી ગયાની કે વિખૂટા પડી ગયાની લાગણી અનુભવે છે. આ સ્ટાર્ટઅપમાં યુવાનો વૃદ્ધોને સોશિયલ મીડિયા અને ગેજેટ્સ પણ શીખવાડે છે. એમને દવાખાને લઇ જવા, દવા યાદ કરાવવી, શોપિંગમાં સાથે જવું એવી તમામ પ્રવૃત્તિમાં સાથ સહકાર આપે છે.

શાંતનુ અને ટાટા વચ્ચે મિત્રતા થઈ બંનેના પ્રાણીપ્રેમના કારણે. એન્જિનિયર શાંતનુએ ૨૦૧૪ આસપાસ રખડતા શ્ર્વાનની સલામતી માટે મિત્રો સાથે મળીને કોલર બેન્ડ બનાવવાનો આઈડિયા વિચારેલો. રતન ટાટાના પ્રાણીપ્રેમની અનેક વાતો અગાઉથી ઘણા બધા લોકો જાણે છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ એમને રોયલ એવોર્ડ આપવાના હતા, પરંતુ ટાટાના પ્રિય શ્ર્વાનના બીમાર પડી જવાના કારણે એમણે પ્રિન્સને ફોન કરીને માફી માંગી બ્રિટન જવાનું રદ કરેલું. યુવાનોના સારા અને સમાજને મદદરૂપ થઈ શકે એવા આઈડિયાને તરત સમર્થન કરતા રતન ટાટાએ શાંતનુને આર્થિક મદદ કરી. શાંતનુએ પ્રાણીઓ માટે ‘મોટોપોવ્સ’ નામનુ સ્ટાર્ટઅપ શરૂ કરેલું. આ રીતે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને ત્યાર પછી તો પ્રાણીઓ માટેની હોસ્પિટલ જેવા ઘણા નાના- મોટા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. સોશિયલ મીડિયા પર શાંતનુએ કેટલાક ફોટોઝ પણ અપલોડ કર્યા હતા, જેમાં રતન ટાટાના જન્મદિવસની ઉજવણીના ફોટો જોઈને લોકોને સુખદ આશ્ર્ચર્ય થયું હતું. ટાટાના જીવનના અંતિમ વર્ષોમાં શાંતનુ એમનો મિત્ર અને મદદગાર બની રહ્યો.

એક સારો લીડર એ જ છે જે એની ગેરહાજરીમાં પણ એની ખોટ ન વર્તાવા દે. રતન ટાટાની વિદાયનું દુ:ખ તો છે જ પણ એમણે પાછળ જે ટીમ અને વારસો છોડ્યો છે એની ખુશી પણ છે. શાંતનુ જેવા યુવાનો દેશની પ્રગતિમાં એટલો જ મોટો ફાળો આપશે એવી આશા અસ્થાને ન ગણાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button