બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ…
બાબા સિદ્દીકીની તેમની ઑફિસ પાસે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફેસબુક પર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારતી એક પોસ્ટ વાયરલ થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિબુ લોંકર, જેનું આ ફેસબુક હેન્ડલ છે તેનું અસલી નામ શુભમ લોંકર હોઈ શકે છે. હાલમાં તપાસ એજન્સીઓ એવા એંગલથી તપાસ કરી રહી છે કે શું શિબુ લોંકર લોરેન્સ બિશ્નોઈના નજીકના મનાતો શુભમ રામેશ્વર લોંકર છે?
નોંધનીય છે કે મહારાષ્ટ્ર પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં અકોલામાંથી શુભમ લોંકરની ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેનું લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન જાણવા મળ્યું હતું. શુભમે જણાવ્યું હતું કે તે અનમોલ બિશ્નોઇ સાથે સંપર્કમાં છે. તે લોરેન્સ લોકોની નજીકનો મનાય છે. અનમોલ વિદેશમાં છે. તે વીડિયો કોલ દ્વારા પણ લોરેન્સ સાથે વાત કરતો હતો.
સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ થઇ છે, તેમાં સલમાન ખાન અને દાઉદ ગેંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બાબા સિદ્દીકીની હત્યાની કબુલાત કરવામાં આવી છએ. પોલીસ આ પોસ્ટની સચ્ચાઇની પણ તપાસ કરી રહી છે. વાયરલ પોસ્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે અમારી કોઇ સાથે દુશ્મની નથી, પણ જે લોકો સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરે છે તેઓ સાવધાન રહે.
આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે જ્યારે તેઓ પંજાબની જેલમાં કેદ હતા, ત્યારે તેઓ બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા.
મુંબઇના જાણીતા મુસ્લિમ નેતા ગણાતા બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સોની નજીકના મનાય છે. સલમાન, શાહરૂખ, સંજય દત્ત સાથે તેમનો સારો ઘરોબો છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષોને સરકારની ટીકા કરવાનું બહાનું મળી ગયું છે. NCP (SP)ના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ ચિંતાજનક છે. તેમણે રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહારો કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.