ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

કવર સ્ટોરી : હરિયાણામાં ભાજપની આબાદ વ્યૂહરચના.. જ્મ્મુ-કશ્મીરમાં ધર્મ આધારિત મતદાન અહીં પાસા કઈ રીતે પલટાયા..?

-વિજય વ્યાસ
આ બંને રાજ્યોનાં એક્ઝિટ પોલ સદંતર ખોટાં પડ્યાં. એ પરથી સાબિત થાય છે કે અગાઉની ચૂંટણીઓની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલવાળા અંધારામાં નહીં, હવે તો ધોળે દિવસે પણ એમનાં નિશાન ચૂકી જાય છે!

હરિયાણા તથા જમ્મુ- કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં,જે લોકોને પણ આંચકો આપી દીધો કેમ કે જમ્મુ – કાશ્મીરમાં ભાજપની સરકાર આવશે એવું લાગતું હતું જ્યારે હરિયાણામાં સો ટકા કૉંગ્રેસ સરકાર રચશે એવું સો માનતાં હતાં. આ બન્ને ધારણા સાવ ખોટી પડી. ભાજપે હરિયાણામાં જીતની હેટ્રિક કરી જ્યારે જમ્મુ તથા કાશ્મીરમાં છેલ્લા યોજાયેલી ચૂંટણી કરતાં વધારે બેઠકો જીતીને સારો દેખાવ કર્યો, પણ પક્ષ બહુમતી ના મેળવી શક્યો. તેના બદલે ‘નેશનલ કોન્ફરન્સ’ અને કૉંગ્રેસની સરકાર સત્તા પર આવી ગઈ.

હરિયાણાનાં પરિણામ ભાજપ માટે સુખદ આશ્ચર્ય સમાન છે કેમ કે હરિયાણામાં ભાજપ ખરાબ રીતે હારશે એવી આગાહી થતી હતી. કૉંગ્રેસમાં તો ભૂપિન્દરસિંહ હુડ્ડા મુખ્યમંત્રી બનશે કે કુમારી શૈલજા ગાદી પર બેસશે તેની વાતો શરૂ થઈ ગયેલી ને મીડિયા પણ બેની લડાઈમાં ત્રીજા રણદીપસિંહ સૂરજેવાલા ના ફાવી જાય એવી ચર્ચામાં વ્યસ્ત હતું. ભાજપ જીતશે ને સરકાર રચશે એવી કોઈ વાત જ નહોતી.

આશ્ચર્યજનક રીતે ભાજપે ૯૦ બેઠકોની હરિયાણા વિધાનસભામાં ૪૮ બેઠકો જીતીને ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ૪૦ બેઠકો મળતાં ‘જનનાયક જનતા પાર્ટી’ (જેજેપી)નો ટેકો લેવો પડેલો, પણ આ વખતે ભાજપને કોઈના ટેકાની જરૂર નથી.

ભાજપની હરિયાણાની જીત ચમત્કારિક ગણી છે કેમ કે ભાજપે પોતે પણ જીતની આશા નહોતી રાખી. કૉંગ્રેસે આ પરિણામોને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડ કરીને ભાજપે હારની બાજીને જીતમાં પલટી નાંખી હોવાના આક્ષેપ પણ કર્યા છે. બીજી તરફ, કૉંગ્રેસ જીતે ત્યારે ઈવીએમ મુદ્દે ચૂપ થઈ જાય છે અને હારે ત્યારે ઈવીએમની વાત માંડીને બેસી જાય છે એવી ટીકા પણ થાય છે.

વાત સાચી પણ છે અને કૉંગ્રેસ આ રીતે વર્તે જ છે. હરિયાણામાં કૉંગ્રેસ ભાજપની જીત વિશે જે દાવા કરે છે એ આ પ્રકારના જ છે કેમ કે વાસ્તવમાં ભાજપે જબરદસ્ત વ્યૂહરચના દ્વારા જીત મેળવી છે.

હરિયાણામાં કૉંગ્રેસનો બધો મતદાર જાટ અને દલિત મતદારો પર હતા. ભાજપે કૉંગ્રેસની જાટ મતબેંકથી થતા નુકસાનને સરભર કરવા બિન જાટ મતદારોને એક કર્યા હતા. આ માટે કૉંગ્રેસના મતોને તોડી શકે એવા ઈન્ડિયન લોકદળ, બસપા સહિતના રાજકીય પક્ષો સાથે જોડાણ કરવાના બદલે ભાજપે પોતાની સામે ઉભા કર્યા. આ ઉપરાંત જ્ઞાતિવાદનાં સમીકરણોનો તોડ કાઢવા માટે મોટી સંખ્યામાં અપક્ષોને મેદાનમાં ઉતાર્યા. ભાજપના આ ત્રિપાંખિયા હુમલા સામે કૉંગ્રેસ વામણી પુરવાર થઈ તેથી હારી ગઈ છે.

ભાજપની આ વ્યૂહરચના અક્સીર હતી કેમ કે બસપાએ ૧.૭૮ ટકા, લોકદળે ૪.૨૧ ટકા, આમ
આદમી પાર્ટીએ ૧.૭૭ ટકા મત લઈને ભાજપને ફાયદો કરાવ્યો. ભાજપને સૌથી મોટો ફાયદો અપક્ષોએ કરાવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪૫૦ અપક્ષ મેદાનમાં હતા ને તેમાંથી ૧૫૦ અપક્ષ ભાજપ પ્રેરિત હતા કે જેમણે કૉંગ્રેસના મત કાપીને ભાજપને મદદ કરી. અપક્ષ ઉમેદવારો ૧૧.૭૧ ટકાથી વધારે મતો લઈ ગયા અને ભાજપે જીતેલી ૫૦ ટકા એટલે કે ૨૩ વધારે બેઠક એવી છે કે જ્યાં લોકદળ, અપક્ષ કે બીજા કોઈ ઉમેદવારને મળેલા મતો કરતાં ભાજપના ઉમેદવારની જીતની સરસાઈ ઓછી છે.

ભાજપની આ વ્યૂહરચના સામે કૉંગ્રેસ પરંપરાગત રીતે અને અહંકારી વલણ પર ચૂંટણી લડી. કૉંગ્રેસના પ્રચારની કમાન ભૂપિન્દરસિંહ હુડ્ડાના હાથમાં હતી. હુડ્ડાએ તમામ ઉમેદવારો નક્કી કરેલા અને કુમારી શૈલજા અને રણદીપસિંહ સૂરજેવાલા જેવાં ટોચના નેતાઓ સાથે પણ વાત ના કરી. રાહુલ સહિતના નેતાઓએ પણ એ નેતાઓને એક કરવા કોઈ પ્રયત્ન ના કર્યા. અતિ આત્મવિશ્ર્વાસમાં રાચતી કૉંગ્રેસે સાથી પક્ષોને પણ સાવ અવગણ્યા. ‘આમ આદમી પાર્ટી’ સહિતના સાથી પક્ષોને થોડીક બેઠકો આપીને સાથે રાખ્યા હોત તો જીતી ગઈ હોત. સાથી પક્ષોની અવગણના અને અતિ આત્મવિશ્ર્વાસ કૉંગ્રેસને ભારે પડ્યાં પણ કૉંગ્રેસ આ વાત સ્વીકારવા તૈયાર નથી.

હરિયાણાથી વિપરીત જમ્મુ – કાશ્મીરમાં ભાજપની કોઈ વ્યૂહરચના કામ ના કરી શકી કેમ કે કાશ્મીરમાં ધર્મના આધારે મતદાન થયું. કાશ્મીરનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, કાશ્મીરની પ્રજામાં ધર્મના આધારે વિભાજન તીવ્ર બન્યું છે અને હિંદુ-મુસ્લિમ ખાઈ પૂરી ના શકાય એટલી મોટી થઈ ગઈ છે. ભાજપને કાશ્મીરમાં મુસ્લિમો સ્વીકારતા નથી, જ્યારે હિંદુઓને કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માન્ય નથી. આ કારણે જ ‘નેશનલ કોન્ફરન્સ’ અને કૉંગ્રેસે મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીર ખીણ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે, જ્યારે જમ્મુમાં ભાજપનો ડંકો વાગી ગયો.

‘નેશનલ કોન્ફરન્સે’ જીતેલી ૪૨ બેઠકમાંથી ૩૫ બેઠક કાશ્મીર ખીણમાંથી જીતી છે, જ્યારે જમ્મુ વિસ્તારમાંથી ૭ બેઠક જ જીતી. કૉંગ્રેસે કુલ ૬ બેઠકમાંથી ૫ બેઠક કાશ્મીર ખીણમાંથી જીતી છે. ૨૦૧૪માં ‘નેશનસ કોન્ફરન્સ’ અને કૉંગ્રેસે ભેગા મળીને ૨૭ બેઠક જીતી હતી. આ વખતે જોડાણની બેઠકોનો આંકડો બહુમતીને પાર કરી ગયો છે કેમ કે મુસ્લિમો સાગમટે નેશનલ કોન્ફરન્સ’ અને કૉંગ્રેસ તરફ વળી ગયાં. મુસ્લિમોના ઝૂકાવના કારણે કાશ્મીર ખીણમાં ‘નેશનલ કોન્ફરન્સ’ અને કૉંગ્રેસનું જોડાણ મજબૂત મનાતું હતું, પણ આવી જબરદસ્ત જીતની કોઈને આશા નહોતી. અગાઉની ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારોના મત પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા પણ મુફતી મોહમ્મદ સઈદ અને પછી મહેબૂબા મુફતીએ ભાજપ સાથે જોડાણ કર્યું તેના કારણે મુસ્લિમ મતદારોએ મહેબૂબાને જ કોરાણે મૂકી દીધાં છે. પરિણામે ૨૦૧૪માં ૨૭ બેઠકો જીતનારાં મહેબૂબાને માત્ર ૩ બેઠકો મળી છે.

જમ્મુ – કાશ્મીરનાં પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ માટે પોતાના જોરે સરકાર બનાવવાની કે સત્તામાં આવવાની કોઈ શક્યતા નથી. તેનું કારણ એ કે, નરેન્દ્ર મોદી ગમે તેટલો વિકાસ કરે કે કાશ્મીર માટે નવાં નવાં પગલાં લે પણ ધર્મના આધારે વિભાજન એ હદે વધી ગયું છે કે, કાશ્મીર ખીણના મુસ્લિમો ભાજપને સ્વીકારવા તૈયાર નથી.

નરેન્દ્ર મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરી, છતાં કાશ્મીર ખીણના મુસ્લિમો ભાજપને સ્વીકારતા નથી. ભાજપ મુસ્લિમ વિરોધી છે અને હિંદુઓનો પક્ષ છે એ માન્યતા એમના માનસમાં એ હદે ઘર કરી ગઈ છે કે, ભાજપને કાશ્મીર ખીણમાં સ્વીકૃતિ મળવાની જ નથી. કાશ્મીરમાં ડેમોગ્રાફી બદલાવાની નથી ને મુસ્લિમો બહુમતીમાં જ રહેશે એ જોતાં ભાજપ તડજોડ કરીને સરકાર બનાવી શકે, પણ એકલા હાથે સરકાર રચે એવી શક્યતા નજીકના ભવિષ્યમાં તો નથી જ દેખાતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button