રખડી પડ્યા પ્રવાસીઓ, જો પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરવાના હોય તો નવી અપડેટ જાણી લો…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના યાર્ડમાં લોકલ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે લોકલ ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી. બપોરના બાર વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, જેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી, પરંતુ તેને કારણે સ્લો લાઈનના કોરિડોરને અસર થઈ હતી. મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટની ટ્રેનોને રોકી દેવામાં આવી હતી, પરિણામે ચર્ચગેટ સુધી આવનારા હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા.
આજે બપોરના બાર વાગ્યાના સુમારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને લોકલ ટ્રેન એન્ટર થતી વખતે ટ્રેનના બે કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા, પરિણામે મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટની ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલની ટ્રેનોને ફાસ્ટ કોરિડોરમાં ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ અંગે રેલવેએ કોઈ જાહેરાત નહીં કરતા પ્રવાસીઓ અસમંજસમાં રહ્યા હતા.
આ અંગે અંધેરીના પ્રવાસીએ કહ્યું હતું કે એક કલાકથી વધુ સમય ટ્રેનને મુંબઈ સેન્ટ્રલ આગળ રોકી દેવામાં આવ્યા પછી કોઈ જાહેરાત પણ કરવામાં આવી હતી. આજે સ્લો ટ્રેનોને રદ કરવામાં આવતી હોવાથી ફાસ્ટ ટ્રેન પકડી હોવા છતાં ટ્રેનનું કોઈ શેડયૂલ નહોતું. લોકલ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ આવતા પોણો કલાક લાગ્યો હતો. આ અંગે રેલવે પ્રશાસન તરફથી કોઈ જાહેરાત નહીં કરતા આજનો દિવસ ભારે હાલાકીભર્યો રહ્યો હતો, એમ અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલ અને કારશેડમાં ટ્રેન પ્રવેશી રહી હતી, ત્યારે લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું. આજે બપોરના 12.10 વાગ્યાના સુમારે ખાલી ઈએમયુ (ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ)ના બે કોચ ટ્રેક પરથી ખડી પડ્યા છે. આ બનાવ પછી મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાલી રેક હોવાથી કોઈ જાનહાનિના થઈ નથી. યુદ્ધના ધોરણે ટ્રેનસેવાને પૂર્વવત કરવાના પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેમાં શનિવારથી નવું ટાઈમ ટેબલ શરુ થયું છે, ત્યારે પહેલા દિવસથી ટ્રેનસેવામાં ટેક્નિકલ ફેઈલ્યોરની સમસ્યા ઊભી થવાને કારણે પ્રવાસીઓની હાલાકી વધી રહી છે.
મધ્ય રેલવેના પ્રવાસીઓ તો નારાજ
પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં પાંચમી ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી બન્યું છે, પરંતુ નવી ટ્રેનો વધી નથી. બીજી બાજુ રેગ્યુલર ટાઈમટેબલ કરતા ટ્રેનો રોજ મોડી હોવાથી પ્રવાસીઓ માટે હવે આ લાઈફલાઈન (લોકલ ટ્રેન)માં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી વધી રહી છે. આ અંગે રેલવે પ્રશાનનની બેદરકારી ચોખ્ખી જોવા મળી રહે છે, એમ કલ્યાણના પ્રવાસીએ જણાવ્યું હતું.