આમચી મુંબઈ

BJP નેતા નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, પત્રમાં લખ્યું પાકિસ્તાન ઝિંદાબાદ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા અને મહારાષ્ટ્રના અમરાવતીના પૂર્વ સાંસદ નવનીત રાણા(Navneet Kaur Rana)ને ધમકીભર્યો પત્ર મળતા હોબાળો મચી ગયો છે. આ પત્રમાં નવનીત રાણાને ગેંગરેપની ધમકી મળી છે. પત્ર મોકલનારએ તેનું નામ આમિર જણાવ્યું છે. તેમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખેલા છે. ધમકી આપનારે 10 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી છે.

આ પત્રમાં નવનીત રાણાના પતિ રવિ રાણા વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધમકી આપનારે એમ પણ લખ્યું હતું કે હું હૈદરાબાદનો છું. મારો કોઈ પક્ષ સાથે સંબધ નથી. તેણે કહ્યું કે મારા ભાઈ વસીમે તને દુબઈથી ફોન કર્યો હતો. આ પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો છે.

આ મામલે રવિ રાણાના પર્સનલ આસિસ્ટન્ટ વિનોદ ગુહેએ શહેરના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન નવનીત રાણાએ હૈદરાબાદમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો અને હિન્દુત્વ તરફી ભાષણ પણ આપ્યું હતું.

નવનીત રાણાનું નામ ઘણા વિવાદોમાં સાથે સંકળાયેલું છે. હૈદરાબાદમાં એક રેલીમાં તેણે કહ્યું હતું કે જો પોલીસને 15 સેકન્ડ માટે હટાવી દેવામાં આવે તો બંને ભાઈઓ ક્યાં ગયા તે ખબર નહીં પડે. તેમણે આ ટીપ્પણી ઓવૈસી ભાઈઓને ઉદ્દેશીને કરી હતી.

આ સિવાય તેમણે ગુજરાતમાં વધુ એક નિવેદન આપ્યું હતું. નવનીત રાણાએ કહ્યું હતું કે જે કોઈ જય શ્રી રામ ન નહીં બોલે, તે પાકિસ્તાન જઈ શકે છે. આ ભારત છે. જો તમારે અહીં રહેવું હોય તો તમારે જય શ્રી રામ બોલવું પડશે.

નવનીત રાણા ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી છે. નવનીતે હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 2014 માં તેણે NCPની ટિકિટ પર અમરાવતીથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શકી ન હતી.
વર્ષ 2019માં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. આ વખતે તેમણે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ અડસુલને હરાવીને લોકસભા ચૂંટણી જીતી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપમાં જોડાઈ હતી. મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પર કોંગ્રેસના બળવંત વાનખેડેએ નવનીત રાણાને 19,731 મતોથી હરાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button