ભારતીય મહિલાઓને આજે આટલા રનનો માર્જિન સીધી સેમિ ફાઇનલમાં પહોંચાડી શકે…
શારજાહમાં સાંજે 7:30 વાગ્યે ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો શરૂ
શારજાહ: ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે અહીં ટી-20 વર્લ્ડ કપની અત્યંત મહત્વની મૅચ (સાંજે 7:30 વાગ્યાથી) રમાવાની છે. હરમનપ્રીત કૌરની ટીમ જો આજે ઑસ્ટ્રેલિયાને 61 કરતાં વધુ રનના માર્જિનથી હરાવશે તો ઑસ્ટ્રેલિયાને ઓળંગીને સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે.
ભારત જો આજે 60 કરતા ઓછા માર્જિનથી જીતશે તો ન્યૂ ઝીલૅન્ડ સોમવારે પાકિસ્તાન સામે નજીવા માર્જિનથી જીતે એવી ભારતે આશા રાખવી પડશે.
ઉદાહરણ તરીકે, ભારત જો આજે ઑસ્ટ્રેલિયા સામે 150 રન બનાવશે અને 10 રનના માર્જિનથી જીતશે તો ન્યૂ ઝીલૅન્ડે ભારતને નેટ રનરેટમાં ઓળંગી જવા સોમવારે પાકિસ્તાનને 150 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે 28 રનથી જીતવું પડશે. બીજું ભારત જો આજે ઑસ્ટ્રેલિયા સામે 17 કરતાં વધુ રનના માર્જિનથી હારશે તો સોમવારે ન્યૂ ઝીલૅન્ડને પાકિસ્તાન એક રનથી પણ હરાવશે તો પણ ન્યૂ ઝીલૅન્ડનો રનરેટ ભારતથી ચડિયાતો કહેવાશે.
Read This…સૅમસન-સૂર્યાની સુનામીમાં બાંગ્લાદેશ ડૂબી ગયું…
એકંદરે, ભારત ટી-20માં ઑસ્ટ્રેલિયા સામે 34માંથી માત્ર 8 મૅચ જીત્યું છે. એ જોતાં, આજે ભારત માટે જીતવું થોડું મુશ્કેલ તો છે, પરંતુ ઑસ્ટ્રેલિયાની બે પ્લેયર તાયલા વ્લેમિંક અને કેપ્ટન અલીઝા હીલી ઈજાગ્રસ્ત હોવાથી ઑસ્ટ્રેલિયાની ટીમ થોડી નબળી પડી છે. બન્ને ઈજાગ્રસ્ત ખેલાડીના શનિવારે સ્કેન કરવામાં આવ્યા હતા.
ન્યૂ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચ હારી જનાર ભારતીય ટીમ ત્યાર બાદ પાકિસ્તાન તથા શ્રીલંકાને હરાવીને જુસ્સેદાર બની છે અને ઑસ્ટ્રેલિયાને દમદાર પર્ફોર્મન્સથી જવાબ આપવા મક્કમ છે.
આજે ઓસ્ટ્રેલિયા કે ભારત બેમાંથી કોઈને પણ સેમિ ફાઇનલમાં સ્થાન પાકું કરી લેવાની સારી તક છે.
આજે શારજાહમાં જ બપોરની મહત્વની મૅચ (બપોરે 3:30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ અને સ્કોટલૅન્ડ વચ્ચે રમાવાની છે.