Y કેટેગરીની સુરક્ષા છતાં બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા! શિંદે સરકાર સવાલના ઘેરામાં
મુંબઈ: ગઈ કાલે સાંજે મુંબઈના બંદ્રામાં એનસીપી નેતા બાબા સિદ્દીકી(Baba Siddique)ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. ગઈકાલે રાત્રે 9.15 થી 9.20 વાગ્યાની વચ્ચે બાંદ્રામાં બાબા સિદ્દીકીની ઓફિસ પાસે લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકી ઓફિસમાંથી બહાર આવ્યા, ફટાકડાના જોરદાર અવાજ વચ્ચે ત્રણ લોકોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. મુંબઈ પોલીસે આ આશંકા છે કે કોઈએ આ હત્યાની સોપારી આપી હોઈ શકે છે.
ફટાકડા ફોડતી વખતે મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ લોકો અચાનક કારમાંથી નીચે ઉતર્યા અને 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દીકીને વાગી હતી, ગોળી વાગતા બાબા સિદ્દીકી ઢળી પડ્યા. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
| Read More: બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, પોલીસે 2 જણને લોડેડ મેગેઝીન સાથે ઝડપ્યા
માહિતી મળતા જ મુંબઈ પોલીસને તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી પરંતુ ત્રીજો ફરાર થઈ ગયો હતો. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક યુપીનો છે જ્યારે બીજો હરિયાણાનો છે, બાબા સિદ્દીકીને ગોળી મારવાના સમાચાર મળતાની સાથે જ નાયબ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. બાબા સિદ્દીકીને 15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેને Y કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે.
પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે. તેમની હત્યા પાછળ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) મુદ્દો પણ જવાબદાર હોઈ શકે છે, જેનો બાબા અને તેમના વિધાનસભ્ય પુત્ર જીશાન વિરોધ કરી રહ્યા હતા. 2018માં EDએ બાબા સિદ્દીકીની 462 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
નેતાઓએ સિદ્દીકીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે સાથે વિરોધ પક્ષોના કેટલાક નેતાઓએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સિદ્દીકીના નજીકના મિત્ર અને એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેમની પાસે શબ્દો નથી.
કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે “યુથ કોંગ્રેસના દિવસોના મારા પ્રિય મિત્ર” ના અવસાનથી તેઓ આઘાતમાં છે. NCP (SP)ના નેતા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે કથળી છે તે ચિંતાજનક છે.
| Read More: Big Breaking: મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા…
રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને NCP (SP) નેતા અનિલ દેશમુખ તેમજ કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ ઘટના માટે એકનાથ શિંદે સરકારની ટીકા કરી હતી. બંનેએ કહ્યું કે ‘વાય’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવેલી હોવા છતાં આ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે ચોંકાવનારું છે.