ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૯

‘પ્રિયા, સચ કહું તો કોપી રાઇટિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી.’ પછી થોડો પોઝ લઇને બોલ્યો. ‘ઇટ્સ માય બ્રેડ એન્ડ બટર’

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ

સીમાના મનમાં જાગેલા તમામ સવાલો સાચા હતા….એની શંકા પણ સાચી હતી, પરંતુ અભિ પાસે એના સાચા જવાબ આપવાની હિંમત નહતી. એક, એ સીમાને કાંઇ નહીં કહે એવું એણે ચંદનને વચન આપ્યું હતું. બે, હકીકત કહી દઇને એ સીમાનો સંસાર ખરાબ કરવા નહોતો માગતો. આમેય ચંદનની અસલિયત સામે આવી જ રહી હતી….ને પોતે નોકરી મળ્યે રૂમ ખાલી કરવાની વેતરણમાં હતો.

‘મને સુનીલ મોઝીઝ સિવાય ચંદનના બીજા કોઇ દોસ્તનો ખયાલ નથી. બીજું, એ રાતે એવી કોઇ ખાસ વાત થઇ નથી…સાચું કહું તો એને ગપ્પા કહી શકાય.’ અભિએ કાંડું ફેરવીને વોચમાં જોયું.

‘તુ જા, તને મોડું થતું હશે.’ સીમાએ કહ્યું. અભિ એના કહેવાની રાહ જ જોતો હોય એમ નીકળી ગયો.


અભિ રસ્તામાં ચંદનના ગૂમ થઇ જવા વિશે વિચારતો રહ્યો. પોલીસ એની પાછળ પડી હશે. એણે ન જાણે કેટલાં રાજ્યોના ભાગેડુઓને પોતાને ત્યાં છુપાવ્યા હશે…..કોને ખબર કેટલા સ્ટેટની પોલીસ એને શોધતી આવશે.

એણે એક રાત બબલુ નામના ભાગેડુ સાથે વિતાવી હતી. એ ફફડી ઉઠ્યો.

મારે વહેલામાં વહેલી તકે રૂમમાંથી નીકળી જવું જોઇએ. આગ લાગે ત્યારે માણસ પોતાનો વિચાર પહેલાં કરે છે. અભિ એમાંથી બાકાત નહતો.

જોકે આ એટલું સહેલું નથી. બધો આધાર નોકરી મળે એના પર હતો.. બીજી મિનિટે એને સીમાનો વિચાર આવ્યો. સીમા ક્યાં જશે….એણે તો પોલીસનો સામનો કરવો જ પડશે. સીમા એનું ફોડી લેશે.

અભિ ચૌબેજીએ આપેલી તકને ગુમાવવા માગતો નહતો…રિહર્સલમાં ગયો…બધું ભૂલીને, મન લગાવીને કામ કર્યું. સાંજે રિહર્સલ પતાવીને અકબર પીઆર પાસે પહોંચ્યો. ખબર નહીં પણ કેમ એને ઊંંડે ઊંંડે એમ થતું કે અકબર પીઆર એનો મસીહા છે. એ નોકરી અપાવશે. અને થયું પણ એવું જ. સાંજે એ અકબર પીઆરને મળ્યો તે તરત જ કોઇ કંપનીનો લેટર તૈયાર હોય એમ એણે એક વિઝિટીંગ કાર્ડ અભિની સામે મૂક્યું.

‘તારે એક્સપ્રેશન્સ એડ એજન્સી માં જઇને પિન્ટોને મળવાનું છે. એને હિન્દી માટે પાર્ટ ટાઇમ કોપી રાઇટર જોઇએ છે.’ અભિએ કાર્ડ વાંચ્યું.

‘ક્યારે મળવા જાઉં?’ એણે પૂછ્યું.

‘હમણાં જ….અત્યારે.’ અકબર પીઆરના શબ્દો પૂરા થાય તે પહેલાં જ અભિએ બગલ થેલો ખભે નાખ્યો ને દાદરા ઊતરી ગયો.


અભિ નરીમાન પોઇન્ટની આલીશાન એડ એજન્સીની ઓફિસની લોન્જમાં પિન્ટોના બોલાવવાની રાહ
જોતો બેઠો હતો. થોડી થોડી વારે કેબિનમાં આવજાવ
કરતી પ્રિયા નામની સુંદર છોકરીએ એને વરસોની ઓળખાણ હોય એમ મોટું સ્માઇલ આપીને બેસવાનું
કહ્યું હતું.

‘આપકો રાહ દેખની પડેગી.’ એણે કહ્યું હતું.

‘કોઇ બાત નહીં.’ અભિ એક્સપ્રેશન્સ એડ એજન્સીના રિસેપ્શન હોલની દીવાલો પર વિખરાયેલી રોનક જોતો હતો. મુંબઈની આ વિખ્યાત એડ એજન્સીએ કરેલી જાણીતી પ્રોડક્ટસની એડવર્ટાઇઝ અને એડ ફિલ્મોનો ચિતાર અભિની આંખોને આંજી નાખતો હતો. ભારતભરના ઘરઘરમાં વપરાતી લગભગ બધી પ્રોડક્ટસની જાહેરાત પાછળ ‘એક્સપ્રેશન્સ’ના માલિક પિન્ટો અને એની ટીમની કલાત્મક મહેનત હતી. અભિ તસવીરો અને પોસ્ટરો જોઇને અંજાઇ ગયો હતો.

‘અભિનય, યુ કેન ગો ઇન.’ પ્રિયાનો મધુર અવાજ આવ્યો. દરવાજે બે ટકોરા મારીને અભિ અંદર ગયો.

‘અભિનય, આઇ એમ સો સોરી….તુમ કો વેઇટ કરના પડા. પ્લીઝ સીટ.’
અભિ ખોળામાં બગલ થેલો રાખીને બેઠો.

‘થેલા બાજુ કા ખુરસી મે રખો…એન્ડ રિલેક્સ હો કે બૈઠો.’ શો બિઝનેસની એક ખૂબી રહી છે કે પહેલીવાર મળતો માણસ પણ જાણે વરસોની ઓળખાણ હોય એમ પેશ આવે…અભિ થોડો રિલેક્સ થયો.
‘અકબર બોલા તુમ્હારા હિન્દી બહુત અચ્છા હૈ….ડ્રામા મેં કામ કરતે હો.’
‘એક્ચ્યુલી સર, મૈં ફિલ્મો મેં કામ કરને કે લિયે ભોપાલ સે આયા હું.’
સંખ્યાબંધ એડ ફિલ્મો બનાવનારો પિન્ટો અભિને અલગ અલગ એન્ગલથી જોવા લાગ્યો. અભિને વિચિત્ર લાગ્યું.

‘અકબર પીઆરને કહા કી પહેલે તુમ મુંબઇ મેં નાટક સે શુરૂઆત કરો….મુઝે ચૌબેજી કે પાસ ભેજા’ અભિ વાક્ય પુરું કરે તે પહેલાં જ પિન્ટો બોલ્યો: ‘સત્યદીપ ચૌબે…વો પાગલ…વો તો મેરા દોસ્ત હૈ….હપ્તે મેં દોચાર બાર યહાં આતા હૈ.’

‘ઉનકા એક નાટક હૈ અંતહીન અંત….મૈં ઉસ મેં મેઇન રોલ કર રહા હું.’
પિન્ટો વિચારમાં પડી ગયો. ચૌબે જેવા ધૂની તરંગી રાઇટર ડાયરેક્ટરે અભિને ભૂમિકા આપી એનો મતલબ કે બંદે મેં દમ હૈ.

‘તુમ કોપી રાઇટિંગ જાનતે હો.?’ પિન્ટોએ અભિને જે કામ માટે બોલાવ્યો હતો એની પર ફોકસ કર્યું.

‘થોડા બહુત જાનતા હું સર’ પિન્ટો એની થોડી સફેદી પકડી ગયેલી ફ્રેન્ચ દાઢી પર હાથ ફેરવવા લાગ્યો. પછી એણે ઇન્ટર કોમ પર કોલ કરીને પ્રિયાને બોલાવી.
‘યસ સર,’
‘ પ્રિયા, યે અભિનય હૈ…ઉનકો અપની નયી એડ કા હિન્દી કોપી રાઇટિંગ કા કામ દો. એન્ડ હેલ્પ હિમ. અભિ, યે પ્રિયા હૈ….યે અંગ્રેઝી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિળ લેન્ગ્વેજીસ જાનતી હૈ. ઓલ ધ બેસ્ટ.’
બહાર આવીને પ્રિયાએ પોતાના ટેબલના ખાનામાંથી પ્રોડક્ટના વિવિધ ફોટાઓ…એનું લિટરેચર વગેરે
કાઢ્યું. અભિને બોર્ડ રૂમમાં લઇ જઇને બધું ટેબલ પર
પાથર્યું.

યે હૈ મધુરા સીંગતેલ કી પિક્ચર્સ.. ઔર યે ડિટેઇલ્ડ લિટરેચર….શુદ્ધ પ્યોર સીંગતેલ….બ્લા બ્લા બ્લા…સબ પઢો. ફિર સોચો…ફિર લાઇન લિખો.’

‘પ્રિયા, સચ કહું તો કોપી રાઇટિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી.’ પછી થોડો પોઝ લઇને બોલ્યો ‘ઇટ્સ માય બ્રેડ એન્ડ બટર.’ પ્રિયા અભિની સેન્સ ઓફ હ્યુમર પર હસી પડી.

‘ઓહહહહ….ચલો ઇસ બાત પર કોફી પીતે હૈ.’ પ્રિયા હસીને બોલી.

‘હમ સ્ટ્રગલર્સ કે લિયે ચાય મિલ જાયે વો ભી નસીબ હૈ.’ અભિએ કહ્યું.

પ્રિયાએ ફોન કરીને ઓફિસ બોયને એક ચા અને એક કોફી લાવવા કહ્યું.

‘પિન્ટો સરને બતાયા કી તુમ બહુત સારી લેન્ગ્વેજીસ જાનતી હો…ગુજરાતી કૈસે જાનતી હો?’

મારા પડોશી મહેતા એન્ડ ફેમિલી છે…હું નાનપણથી મોટાભાગે એમના ઘરે જ રહેતી. એને લીધે વાંચતા..લખતા બોલતા… શીખી ગઇ. મુંબઇમાં રહું એટલે મરાઠી આવડી જ જાય. અંગ્રેજી મીડિયમમાં ભણી એથી ઇંગ્લિશ આવડી ગયું.’

‘અને તમિળ?’

‘મારી મા તમિળ છે’ પ્રિયાએ કહ્યું.

‘તું ગુજરાતી જાણે છે?’ પ્રિયાએ આશ્ર્ચર્યથી પૂછ્યું…

‘મારી મા ગુજરાતી ને બાપ ભૈયો….પછી પૂછના હી ક્યા.?’

ચા અને કોફી આવ્યા. ચાની સિપની સાથે અભિ મધુરા સીંગતેલના સાહિત્યનો અભ્યાસ કરવા લાગ્યો….વચ્ચે વચ્ચે કાંઇક ટપકાવવા માંડ્યો.

પ્રિયા અંગૂઠો બતાવી..આંખોથી ઓલ ધ બેસ્ટ કહીને જતી રહી.


પ્રિયાએ અભિએ લખેલી થોડી લાઇનો પિન્ટોની સામે મૂકી. પિન્ટોએ એમાંથી એક લાઇન અલગ તારવીને બાકીની બાજુ પર મુકી….પછી એની ફોનેટીક વેલ્યૂ જોવા મોટેથી લાઇન વાંચી.

‘શુદ્ધ સીંગતેલ મધુરા….જૈસે પવિત્ર ગંગા કી ધારા.’ પરફેક્ટ લાઇન એ બોલ્યો. ‘પ્રિયા અબ તુમ ટ્રાય કરો.’ પ્રિયાએ એના મીઠા અવાજમાં લાઇન બોલી બતાવી.

‘અભિ, અબ તુમ બોલો’ અભિએ નાટ્યાત્મકતા ઉમેરીને લાઇન બોલી બતાવી.‘નાવ વી ઓક વિલ સે ઇટ ટુ ગેધર’ ત્રણેયે એકી સાથે એકી અવાજે લાઇન બોલીને કેબિન ગજવી દીધી.

શુદ્ધ સીંગતેલ મધુરા….જૈસે પવિત્ર ગંગા કી ધારા.

‘અભિ, યુ આર વેરી ગુડ…..કલ સે આ જાઓ…..તુ હમારા હિન્દી કોપી રાઇટર હો.’
થેન્ક યુ સર,’ અભિએ કહ્યું. ‘પ્રિયા, અભિ કલ સે તુમ્હારે સાથ કામ કરેગા. તુમ હમારે વર્ક કલ્ચર કે બારે મે બતા દેના.’

‘શ્યોર સર.’ પ્રિયાએ કહ્યું. પછી અભિને અભિનંદન આપ્યા.


રાતે લગભગ અગિયાર વાગ્યે અભિ રૂમ પર ગયો ત્યારે સીમાને ઘરની લાઇટ બળતી હતી. અભિ એને નોકરીના સમાચાર આપવાની ઇચ્છાને રોકી ન શક્યો. એણે હળવેથી ટકોરા માર્યા. સીમાએ અડધું બારણું ખોલીને ડોકું બહાર કાઢ્યું.

‘સીમા, એક ખુશ ખબર આપવા હતા.’ સાંભળીને સીમાએ આખો દરવાજો ખોલી નાખ્યો.

‘અંદર આવીને આપી શકાય.’

‘મને એક એડ એજન્સીમાં નોકરી મળી ગઇ.’ અભિએ કહ્યું.

‘અરે વાહ’ કહીને સીમા ભેટવા માટે અભિની એકદમ નિકટ જઇને અટકી ગઇ. બંનેની આંખો મળી. સીમાની આંખોમાંથી વરસોથી નહીં છીપાયેલી તરસ છલકાઇ. સ્ત્રીની તરસ એની આંખોમાં તગતગતી હોય છે. કૂવા કાંઠે ઊભેલી સીમા વધુ પ્યાસી રહી શકે એમ નહતી. એણે અભિને કોલરેથી પકડીને ભીંસી નાખતું…તસતસતું ચુંબન કર્યું. બે હાથ પહોળા રાખીને ઊભેલા આશ્ર્ચર્યચકિત અભિએ એને પોતાની બાંહોમાં સમાવી લીધી. પુરૂષની ભૂખ અને સ્ત્રીની તરસ એકરસ થઇ ઊઠી…. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button