સ્પોર્ટસ

સૅમસન-સૂર્યાની સુનામીમાં બાંગ્લાદેશ ડૂબી ગયું…

ભારતનો 297 રનનો વર્લ્ડ રેકૉર્ડ: એક ઓવરમાં સૅમસનની પાંચ સિક્સર

હૈદરાબાદ: અહીં શનિવારે ભારતે બાંગ્લાદેશને ત્રીજી અને છેલ્લી ટી-20માં 133 રનથી હરાવીને પ્રવાસી ટીમનો 3-0થી વ્હાઇટવૉશ કર્યો હતો. ભારતના વિક્રમજનક 297/6ના સ્કોર સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન બનાવી શકી હતી. રવિ બિશ્નોઈએ ત્રણ અને મયંક યાદવે બે વિકેટ લીધી હતી.

હવે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-શ્રેણી રમશે.

બાંગ્લાદેશના બોલર્સ અને ફીલ્ડર્સનો ભારત સામે રકાસ થયો હતો. ભારતીય બૅટર્સે ધમાલ મચાવી દીધી હતી. ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 297 રન બનાવ્યા હતા. આઇસીસી હેઠળના મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોમાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતે અફઘાનિસ્તાનનો આયરલૅન્ડ સામેનો 278/3નો પાંચ વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો છે. આ પહેલાં ભારત માટે 260/5નો સ્કોર હાઇએસ્ટ હતો જે પણ પાર થઈ ગયો છે. જોકે ભારતીય ટીમ 300 રનનો જાદુઈ આંકડો માત્ર ત્રણ રન માટે ચૂકી ગઈ હતી. છેલ્લી ઓવરમાં નીતિશ રેડ્ડી (0) અને હાર્દિક પંડ્યાની વિકેટ ન પડી હોત તો ઇન્ટરનૅશનલ ક્રિકેટના મોટા દેશોમાં પહેલા 300 રન ભારતના નામે લખાયા હોત.

ક્રિકેટના નાના દેશોની પણ ગણતરી થાય તો નેપાલનો મોંગોલિયા સામેનો 314/3નો સ્કોર રેકૉર્ડ-બુકમાં મોખરે છે.
સંજુ સૅમસન (111 રન, 47 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)એ પહેલી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. તેણે બાવીસ બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને 40મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા અને રોહિત શર્મા (2017માં શ્રીલંકા સામે 35 બૉલમાં સદી) પછીનો ભારતનો બીજા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તેની અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (75 રન, 35 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 173 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી.

ભારતની ઇનિંગ્સમાં કુલ બાવીસ સિક્સર અને પચીસ ફોર ફટકારવામાં આવી હતી.

એક તબક્કે સૅમસને રિશાદ હોસૈનની એક ઓવરમાં (ભારતની 10મી ઓવરમાં) ઉપરાઉપરી પાંચ બૉલમાં સિક્સર ફટકારી હતી. ઓવરમાં પ્રથમ બૉલ ડૉટ-બૉલ હતો.

2024ની આઇપીએલમાં ધમાલ મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો બૅટર અભિષેક ફકત ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સૅમસન-સૂર્યાની ફટકાબાજી બાદ રિયાન પરાગ (34 રન, 13 બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (47 રન, 18 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) તેમ જ રિન્કુ સિંહ (8 અણનમ, ચાર બૉલ, એક સિક્સર)એ પણ ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 300 રનની નજીક પહોંચાડ્યો હતો. તેન્ઝિમે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker