આપણું ગુજરાત

ગુજરાતમાં દશેરાએ મેઘરાજાનો ઘોડો દોડ્યોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેલમછેલ

અમદાવાદઃગુજરાતમાં સાતમાં નોરતાથી આકાશમાં મંડારાયેલા મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસમાં છુટોછવાયો વરસાદ વરસવ્યાં બાદ આજે સતત ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બે ઇંચથી વધુ પાણી વરસાવતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતા બીજી બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના નગરોમાં પણ ઝાપટાં શરૂ થતા ફરી એક વાર ચોમાસુ શરૂ થયુ હોય તેવા માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં આજે વહેલી સવારથી 12થી વધુ તાલુકામાં વરસાદ શરૂ થયો હતો.ગીર સોમનાથના કોડીનાર, અમરેલીના સાવરકુંડલા, જૂનાગઢના માંગરોળ, ગીર સોમનાથના વેરાવળ, ઉનામાં મોડી સાંજ સુધી વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં મોડી સાંજે જોરદાર ઝાપટાં શરૂ થતા નવરાત્રિના મંડપો પલડ્યાં હતા. જ્યારે રાવણના પૂતળા દહનના કાર્યક્રમમાં અવરોધ આવ્યો હતો.

સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેસુની મહાવીર યુનિવર્સિટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના લીધે રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જો કે વરસાદને પગલે આજે રાવણ દહનના કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું હતું. સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટથી રાહત મળી હતી.

આ પણ વાંચો :આજે દશેરાએ વરસાદનું ઘોડું દોડશે: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button